શહેરો હવે થાક્યા છે!
આજે, આટલા વરસે શહેરોમાં
અગાઉની એ પરિસ્થિતિ રહી નથી. આપણા જેવા જ વખાના માર્યા ગુજરાત બહારથી પણ લોકો
ગુજરાતના શહેરો તરફ વળ્યા. એમ, સ્થાનિક, રાજ્યના અને રાજ્ય બહારના મળીને અનેક લોકો
જુદા જુદા બજારો પર કબજો જમાવવા માંડ્યા. હવે શહેર વધારે માણસોને સમાવી શકે, કામ,
રોજગાર ને રહેઠાણ આપી શકે એટલું ગજું નથી. એટલે, પાછળથી, દેખા-દેખી ને સામાજિક
મોભો જાળવવા માટે શહેરમાં જનારાઓ માટે શહેર વધારે કાઠું બન્યું છે. હવે શહેરમાં
કામ-ધંધા માટે બહારના સાથે હરીફાઈ ઓછી ને પોતાના જ વતન તરફથી આવેલા, પોતાના જ લોકો
સાથે હરીફાઈ વધવા માંડી છે. કપરી હરીફાઈમાં નફા કપાવા માંડ્યા.
શહેરો હવે
વસ્તીથી ફાટ-ફાટ થઇ રહ્યા છે, શહેરોમાં ખુબ ઓછું હવે સરકારી બચ્યું છે. રહેવા માટે
ઘર ખરીદવું હોય તોય મોંઘુ ને ભાડે લેવું હોય તોય મોંઘુ. નોકરી મળે નહી, મળે તો
પગાર ઓછા, ધંધો કરવો હોય તો મૂડી મોટી જોઈએ. બાળક ભણાવવા ઢંગની સરકારી નિશાળ નહી,
ખાનગીમાં ભણાવો તો બે છેડા ના મળે, ‘સાત સાંધતા તેર તૂટે’ વાળો ઘાટ છે. બીમાર પડો
તો સારા સરકારી દવાખાના નહી, ખાનગી દવાખાનાના ખર્ચને પહોચી ના વળાય. બસોના ઠેકાણા
નહી ને બાઈકના પેટ્રોલ મોંઘા. આ બધામાં શહેરમાં ઘર ચલાવવું હવે નથી પોસાતું. ગામડે
પાછા જતા સામાજિક શરમ કે બંધનો નડે ને શહેરમાં છેડા મળતા નથી એટલે નાના ધંધાદરીઓના
સપરિવાર આપઘાતના બનાવો બનવા માંડ્યા...! જે શહેરોએ મુસીબતમાં આશરો આપ્યો એ શહેરો હવે
સાચવી/સંઘરી શકે એમ નથી. સરકાર પોતાની પ્રાથમિક જવાબદારીઓમાંથી છટકતી ગઈ, ખાનગી
નિશાળો એન ખાનગી દવાખાના, ગાંઠના ખર્ચીને વાહન લીધું એને જ ગુજરાતનો વિકાસ સમજ્યા!
બીજી બાજુ આપણને તો ભણાવી જ દીધું છે કે સરકાર બિચારી શું કરે? અરે કેમ ના કરે
એવું પૂછવા જેટલી આવડત કે હિંમત આપણામાં બચવા જ નથી દીધી! જો સરકાર સારી
નિશાળ-કોલેજો, સારા દવાખાના, સિંચાઈની સગવડો, મધ્યમવર્ગને સારી રીતે જીવવા જરૂરી
સગવડો ના આપી શકે તો સરકારનું કામ શું એ પૂછવા જેટલી હિંમત કે અક્કલ લાવવી
ક્યાંથી? ગાંધી-સરદાર-રવિશંકર મહારાજ કે ઇન્દુચાચા જેવા ખમીરવંતા પૂર્વજોનો વારસો
ધરાવતો ગુજરાતી સમાજ કયારે “રાજકીય ઘેટાં”માં ફેરવાઈ ગયો એ એને ખુદને જ ખબર ના
પડી! અહી, કોઈ પક્ષની વાત નથી, જે જનતાનું હિત ના સાચવી શકે એ પક્ષ કે નેતાને
જાકારો આપવાની (તળપદી ગામઠી ભાષામાં કહું તો ‘લાત મારવાની’) જે સમાજ (અહી, જ્ઞાતિ
નહી, ગુજરાતી તરીકે લેવું.)માં સમજણ ના હોય એ છેલ્લે માનસિક ગુલામીમાં સબડવા
સર્જાયો હોય છે. આવો નાહિંમત ને નાસમજ લોક-સમૂહ નાછૂટકે, ડરપોક માણસ જે કરે તે આપણે
કરવા માંડ્યા, કર્મ-નસીબ-ભગવાનને સોપી દીધું! આપણે શું કરીએ?
-
સાગર રબારી અને પર્સીસ જીનવાલા
(વધુ આવતી કાલે...)
સુરીલ પોંકિયા
ReplyDeleteસો ટકા સાચી વાત કહી આપે