Sunday, May 12, 2019

ટેક્સ-પેયરોના પૈસા...!

પ્રિય ભાઈશ્રી,

આપની પોસ્ટના જવાબમાં ગઈ કાલે એક પોસ્ટ કરી હતી, આશા છે આપના સુધી પહોંચી હશે. થોડી વધુ વિગતો આ પ્રમાણે.

આપે ઇન્કમટેક્સ ભરતા કરદાતાઓના પૈસાના વેડફાટની વાત કરી હતી.  થોડા આંકડા જોઈ લઈએ તો...
દેશની કુલ વેરાની આવક: 22,71,241 કરોડ રૂપિયા (બજેટમાં અંદાજી.)
એમાં આવક વેરાની રકમ: 05,29,000 કરો9 રૂપિયા (બજેટમાં અંદાજી.)  કુલ આવકના 23.29 % થાય.
હવે જે બાકીની 76.71% આવક છે તેમાં જી.એસ.ટી.ની આવક (જે દેશનો દરેક નાગરિક ભરે છે - ખેડૂત ખરો જ) તે રકમ છે 7,43,900 કરોડ અંદાજિત, એટલે કે કુલ આવકના 32.75 % થાય. તમે જે કરદાતાઓ તરીકે છાજીયા લો છો તે બજેટ ઉપાડીને જોઈ લો. તમારા કરતા દેશનો સામાન્ય માણસ (ખેડૂત-મજુર) જે આડકતરી રીતે ઘણો વેરો ભરે છે તે ક્યારેય તમને શહેરમાં અપાતી સેવાઓ - રોડ-વીજળી-પાણી-દવાખાના-શાળાઓ-કોલેજો વગેરે પાછળ વપરાતા પૈસા માટે તમારી જેમ રો-કકળ કરતો નથી. ઉલટું, રાજી થાય છે. તમે ટેક્સ પેયરોં બજારમાં જાવ ત્યારે બજાર-વેરો ભરો છો? ખેડૂત તો એની ઉપજ વેચવા જાય ત્યારે, વસ્તુ વેચવા બદલ 'એપીએમસી સેસ' પણ ભરે છે.

હવે એ જાણો કે તમારે કકળાટ ક્યાં કરવો જોઈએ...
  1. જયારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની "ના" છતાં ગુજરાત સરકારે પાવર પ્લાન્ટોને વીજળીના ભાવ વધારી આપ્યા ત્યારે કેમ ટાઢાબોળ થઈને બેસી રહ્યા? એ બિલ તો દર બે મહિનો નીચી મૂંડીએ ભરી આવો છો!
  2. પાક-વીમામાં સરકાર ખેડૂતોને નામે કંપનીઓને, એરંડા જેવા પાકનું 60% પ્રીમિયમ આપે અને તોય કંપની પાસે દુષ્કાળમાં વળતર ના અપાવી શકે ત્યારે જાણવું કે ટેક્સના પૈસા સરકારે વેડફ્યા.
  3. જે કામો - શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, રોજગાર - માટે સરકારે વેરા ઉઘરાવે છે તેનું ખાનગીકરણ કરીને લોકોને "ફી" ભરતા કરી દે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  4. નહેરમાં ગાબડાં પડે ને ખેડૂતનો ઉભો પાક સુકાય ત્યારે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  5. રોડ પર ભુવા પડે ને લોકો ખાડામાં પડે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  6. ગામડામાં રોડ-રસ્તા-નિશાળ-દવાખાનું-સિંચાઇનું પાણી- કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉનોની સગવડ ના મળે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  7. પીવાના પાણીની લાઈનો પથરાય ને પાણી ના આવે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  8. કૃષિ યુનિવર્સીટીઓ નવા સંશોધનો કરવામાં નિસ્ફળ જાય ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા. આ યાદી હજી લાંબી થઇ શકે, નથી કરતો.

તમારે ખેતી જ કરવી છે તો આવોને ભાગે કે ભાડે જમીન અપાવું. તમારી આવડત બતાવો. નફાકારક ખેતી કરી બતાવો. પેપ્સી-કોક તો ખેતીનો વેપાર કરીને નફો કરે છે. હું પણ કહું છું કે ખેત-ઉપજના વેપાર જેટલો નફાકારક ધંધો આ દુનિયામાં બીજો એકેય નથી, નફો શોષણમાંથી જન્મે અને શોષણ ખેડૂત કરતો નથી. તમે જે ટાર્ગેટ પુરા ના કરી શકવાના કારણે આપઘાત કરતા યુવાનોની વાત કરી, કે ફ્લેટ ધારકોની વાત કરી એ ગામડેથી જ ગયા છે.

એમને ગામડે નફાકારક ખેતી કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું હોત તો એ ગામડે મજા કરતા હોત, શહેરના ફ્લેટમાં ગુંગળાતા ના હોત, કે ટાર્ગેટ પૂરો કરી ના શકવાને કારણે આપઘાત કરતા ના હોત. 

એમને એ સ્થિતિમાં મુકનાર "તમારા ટેક્સના પૈસા" વેડફનારી સરકાર અને શોષણખોર કોર્પોરેટો છે. એમની રમતનાં પ્યાદા (બની બેઠેલા બૌધિકો) બદલાતા રહે છે, માલિક તો એ જ રહે છે.

ખેતીને ખોટનો ધંધો ગણતરીપૂર્વક બનાવવામાં આવે છે, સિંચાઈ ના આપવી, ભાવ ના આપવો, વિમાની રકમ ના આપવી, ગામમાં સારી નિશાળ ના આપવી, સારું દવાખાનું ના આપવું જેથી એ પોતાનું ગામ/ખેતી/જંગલ છોડીને નીકળી જાય તો "શાશ્વત સંસાધનો" - પાણી-જમીન-જંગલ-ખનીજો- ઉપર કબ્જો જમાવી શકાય અને પછી "મોનોપોલી માર્કેટમાં" કહેવાતા સુખી "ટેક્સ પેયરોં" ને ઘાણીએ પીલી/નીચોવી શકાય....

હા, ક્યારેક વખત મળે તો તમારા ટેક્સ પેયરોં અને ખેડૂતોના એન.પી.એ. (ટૂંકમાં ડૂબેલા કે ડુબાડેલા પૈસા)ની વાત પણ ક્યારેક કરીશ.

શુભેચ્છાઓ....
- સાગર રબારી.
પ્રમુખ, ખેડૂત એકતા મંચ


નોંધ: અહીં  બન્ને લિંક છે, જરા આંકડા જોઈ લેજો, વધારે જરૂર હોય તો નિઃસંકોચ કહેજો. 

Budget: https://www.indiabudget.gov.in/budget2018-2019/ub2018-19/rec/allrec.pdf

Income tax collection Source:  https://www.moneycontrol.com/news/business/economy/exclusive-total-direct-tax-collections-for-fy18-19-fall-short-by-rs-83000-crore-3749991.html