Tuesday, October 30, 2018

એમ તે કંઈ જમીન મળતી હશે ?

હા, રાજકીય નેતાઓ થોડા છેટા રેજો, અમે બિનરાજકીય - ખેડૂત છીએ.

દેશમાં ક્યાંય નહોતો એવો સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન એક્ટ ગુજરાત સરકારે ઘડ્યો. એમાં ખેડૂતોને પૂછ્યા વગર, વળતર આપ્યા વગર 20% થી લઈને 50% જમીન સીધી કપાત તરીકે લઇ લેવાનો અધિકાર ટાઉન પ્લાનિંગ અધિકારીને આપી દીધો. જમીન પેઢીઓથી વાવનારા ખેડૂતની અને આપી દેવાની ઉદ્યોગપતિઓને...! આવું તો ગુજરાતની સરકાર જ કરી શકે. સરકારનું  ચાલે તો એને તો બધું પડાવીને એના 5-10 ને પધરાવી દેવું છે પણ એમ કંઈ ખેડૂતો છોડે થોડા? સરકારે તો આવા 14 સર કરવા ધાર્યા હતા પણ ખેડૂતોના વિરોધને કારણે એક  પછી એક રદ થતા ગયા. હવે આવીને ડોળો ધોલેરા પર અટક્યો છે.

આ વિસ્તારના 22 ગામોની 92000 હેકટર જમીન સરકારને પડાવી લેવી છે, 50 % કપાતમાં અને ખેડૂતોને દૂર દૂર ફાઇનલ પ્લોટ આપીને ખેતીમાંથી નવરા કરી કાઢી મુકવા છે. ગ્રામપંચાયતો, ગ્રામસભાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારોય પડાવી લેવા છે.

સરકાર પડાવવા આવી તો ખેડૂતોએ લડત ચાલુ કરી, નર્મદાનું પાણી માગ્યું... વાયદા સાકાર કરવા દબાણ કર્યું. હાઇકોર્ટમાં ગયા અને મનાઈ હુકમ મળ્યો.. આમ, સરકારના બદઇરાદા ઉપર ખેડૂતોએ અંકુશ મુક્યો. 2015થી મનાઈ હુકમ ચાલુ છે છતાં હવે સરકાર પડાવી લેવા રઘવાઈ થઇ છે. એને જગપ્રસિદ્ધ ભાલીયા ઘઉં, જીરું અને કપાસ પકવતી જમીન "ખારાપાટ"ને નામે પડાવી લેવી છે. ક્યાંક ખારોપાટ હોય તો વારે વારે ઇઝરાઈલની વાર્તાઓ કરતા તમે ઇઝરાયેલની પદ્ધતિએ ખારપાટની હરિયાળો કેમ નથી કરતા? બસ, પડાવી જ લેવું છે ને મામકાઓને પધરાવી જ દેવું છે?

વાઇબ્રન્ટ નજીક આવતા તાયફાંપ્રેમી સરકાર અધીરી થઇ છે. ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ આપવા છતાં સરકારે નોટિસો આપવાનો પ્રયત્ન કરી જોયો, જમીન માપણીનો નિષ્ફળ પ્રયોગ કરી જોયો, બધામાં નિષ્ફળ ગયા. હવે 'સર' (સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન) ના અધિકારીઓ ગામે ગામે ફરીને ખેડૂતોને સમજાવવાનો (સાચું કહીએ તો પરોક્ષ રીતે ધમકાવવાનો, એમ કહીને કે સરકાર જમીન તો લઇ જ લેશે...) પ્રયત્ન કરી રહ્યા છે.
આંદોલન શરૂ થયું ત્યારે બે માંગણીઓ હતી, (1) નર્મદા આપો, અને (2) સર હટાવો.

ખેડૂતોની અથાગ મહેનતથી નર્મદાના પાણીની લાઈનો તો નખાઈ, પાણી આવશે, 50 વર્ષથી જે વાયદા થયા હતા તે હવે ખેડૂતોની મહેનત અને આંદોલનથી સાકાર થતા દેખાય છે. અનેકવાર ડીકમાન્ડ કરવા છતાં ખેડૂતોએ મહેનત કરીને પાણી મેળવ્યું છે.

હવે જયારે ભાલમાં પાણી આવ્યું ત્યારે સરકાર 50 % જમીન કપાત લઈને ઉધોગપતિઓને પધરાવવાનું કાવતરું 'વિકાસ'ને નામે કરી રહી છે. આ ગામોના ખેડૂતોને સરકારના વિકાસમાં એમનો વિનાશ દેખાય છે એટલે તો વિરોધ કરે છે. હાઇકોર્ટમાં જઈને મનાઈહુકમ મેળવી લાવ્યા છે. તોય સરકાર જાગતી કે માનતી નથી.

સરકારની જોહુકમી સામે ખેડૂતોને જાગ્રત કરવા ખેડૂત આગેવાન શ્રી સાગર રબારી તા. 9-10-11 નવેમ્બરના 3 દિવસ આ ગામો પૈકી કેટલાક ગામોનો પગપાળા પ્રવાસ કરશે, ખેડૂતોને મળશે, એમની વાત સાંભળશે અને વાઈબ્રન્ટના તાયફા પહેલા સરકાર સુધી પહોંચાડવાનો બિનરાજકીય પ્રયત્ન કરશે. આમ તબક્કાવાર બધા ગામોમાં જાગૃતિ અને નવા ઉત્સાહનો સંચાર કરાશે.

આ ઉપરાંત વાઈબ્રન્ટથી ગુજરાતના ગામડાના લોકો શું શું ગુમાવે છે અને વિકાસના નામે સરકાર કેવી રીતે લોકોની આજીવિકાના સંશાધનો- પાણી અને જમીન - એમના વ્હાલા ઉદ્યોગપતિઓને પધરાવે છે એની સમજણ લોકો સાથે બેસીને વિકસાવશે...
એકલા ચાલો એટલે મંજૂરીને જંઝટ જ નહીંને ?

- સાગર રબારી

Saturday, October 13, 2018

ખેડૂતો કાયર નથી...


ગઈ કાલે મેં FB પોસ્ટ મૂકી હતી કે...
"બીજાની નિષ્ફ્ળતા શોધવા કરતા આપણે ઉણા ઉતર્યા એ વધારે જવાબદાર છે, પોતાને ખેડૂત આગેવાનો ગણાવનાર (મારા સહિત) ખેડૂતો માટે લડવામાં નિષ્ફ્ળ ગયા એ સ્વીકારવું રહ્યું....."
એ વાસ્તવિકતા તરફ આપણું ધ્યાન દોરવા અને આપ સૌનો અભિપ્રાય જાણવા માટે હતી.

ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યારથી સત્તા પલટા માટે વિદ્યાર્થીઓ અને ખેડૂતોનો ઉપયોગ કરાયો છે. સત્તા પલટા પછી ખેડૂતો દરેક વખતે ભુલાયા છે. મોટા ભાગના બધા જ કૃષિમંત્રીઓ ખેડૂત આગેવાનો જ બન્યા છે. ગઈ કાલ સુધી ખેડૂતોની રેલી, ધરણા, સભાઓ કરનારા કૃષિ મંત્રી બન્યા પછી ખેડૂતો માટે એકાદ યોજના જાહેર કરીને સન્તોષ માની લે છે. એ જાણે છે કે આ યોજનાઓ ક્યારેય જરૂરિયાતવાળા ખેડૂતો સુધી પહોંચતી નથી. છતાં પછી એ સત્તાની રાજ-રમતની શતરંજના પ્યાદા બનીને રહી જાય છે, ખેડૂતની વેદના ભુલાઈ જાય છે.

હાલનો જે સત્તા પક્ષ છે એણે પણ સત્તાપલ્ટા માટે ખેડૂતોનો પ્યાદા તરીકે ઉપયોગ ભૂતકાળમાં કર્યો છે. એનું એક સંગઠન હતું જેને ખેડૂતો માટે જલદ આંદોલન કરેલું. રોડ-રસ્તા રોકેલા, વૃક્ષો કપાવેલાં અને વીજળીના થાંભલા તોડાવેલા. વીજળીના બિલ નહીં  ભરવા અને કોઈ કનેક્શન કાપવા આવે તો ગામમાં નહીં ઘૂસવા દેવાની હાકલો કરેલી.

એ આંદોલનમાં 19 ખેડૂતો મરેલા, અનેક ઘાયલ થયેલા. પોલીસ કેસો સહન કરેલા. એ આખા આંદોલનની રણનીતિ કોણ ઘડતું હતું, ક્યાંથી સંચાલન થતું હતું એના સાક્ષીઓ આજે પણ હયાત છે, એમના મોઢે સાંભળૉ તો સમજાય કે "રાજકારણ સત્તા માટે કેવા મોતના ખેલ ખેલી શકે, કેટલું નીચ અને નિષ્ઠુર થઇ શકે...!"
1991-92ની ચૂંટણી વખતે હાલના સત્તા પક્ષનો નારો હતો "હર હાથ કો કામ, હર ખેત કો પાની." 

ખેડૂતો મર્યા, સત્તા પલટો પણ થયો, પરંતુ "દરેક ખેતરને પાણી મળ્યું?" ના. ખેડૂત વધારે બરબાદ થયો.

દરેક આંદોલને ખેડૂતના ખભે બન્દૂક ફોડી છે, ખેડૂત દૂધનો દાજેલો છે એટલે જ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે છે! જે સઁગઠન ખેડૂત હિતેચ્છુ હતું એ સત્તા-પલટા પછી ખેડૂતને ભૂલી ગયું, એ પણ રાજ-રમતનું પ્યાદું બની ગયું. ખેડૂત વધુ એકવાર છેતરાઈને નોધારો થયો. જયારે ખેડૂતને સૌથી વધુ જરૂર હતી ત્યારે એ સંગઠન ક્યાંય દેખાયું નથી, ચાહે એ ખેડૂતોની જમીન સમ્પાદનની વાત હોય કે નર્મદાનું પાણી લેવા બદલ થયેલા પાણી ચોરીના કેસ હોય ! એ જ સંગઠનના આગેવાનોને સત્તા પલટા પછી "વિકાસ કરવો હોય તો જમીન તો જોઈએ" એવું કહેતા મેં સગ્ગા કાને સાંભળ્યા છે, ત્યારે હમેશા વિચાર આવ્યો છે કે "ખેડૂત કોનો ભરોસો કરે?" એટલે જ ખેડૂતો નીકળી પડતા નથી. હવે એ જ સંગઠન પાછું 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી રોજ-ભૂંડનો મુદ્દો લઈને ફરી સક્રિય થઇ રહ્યું છે....

ખેડૂત ભરોસાના માણસ/સંગઠનની વાટ જુવે છે, એમને ભરોસો પડશે એ દિવસે રેલીઓ-સભાઓ-ધરણામાં સંખ્યા ગણતા થાકી જશો એટલું નક્કી.
હું રાજકારણને ગંદુ માનતો ચોખલિયો નથી, રાજકારણ ગુનો નથી, કાનૂન-બંધારણ માન્ય છે. રાજકારણમાં રસ હોય એવા સારા માણસોએ ચોક્કસ એમાં જવું જોઈએ એવું દ્રઢપણે માનું છું. પરંતુ કોઈને છેતરીને, એમાંય ખેડૂત અને ગરીબ, જે તમારી સાથે શ્રદ્ધાથી જોડાયો હોય એને આગળ કરીને તો રાજકારણ હરગિજ નહીં. એમાં ના માત્ર સામાન્ય માણસનું, સરકાર અને સમાજ, લોકશાહી પ્રક્રિયા સહિત તમામનું અહિત થાય છે એવી મારી માન્યતા છે.

હું પોતે ખેડૂત પરિવારમાં જન્મ્યો છું, ભર ઉનાળે શેઢા-પાળા સરખા કરવાથી માંડી, નિંદામણ, પેરામણ, વાવણી, હળવું, વાઢવું, ગાડું ભરીને ઘરે લાવવા અને ખળામાં કૂટવા સુધીના કામ કર્યા છે. એનો શ્રમ, પીડા ને વેદના જાતે અનુભવી છે.

એટલે દૂધનો દાજેલો ખેડૂત મારે માટે રાજકારણ કે વિદેશથી ફન્ડ લાવવાનું - વટાવવાનું સાધન કે મુદ્દો નથી, મારી સ્વયંની પીડા છે. આગેવાન કે નેતા હોવાનો મેં ક્યારેય દાવો કર્યો નથી, કરવો પણ નથી. ગામડામાં કોઈ 'સાહેબ' કહે તો જરાય ગમતું નથી..