Sunday, April 19, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૧૦)


૧૦: ગામની રાજકીય તાકાત વધારીએ:

આપણામાંના ઘણા બધાએ પોતાના મતદાર કાર્ડ, આધાર કાર્ડ શહેરના બનાવી લીધા હશે, એનું નુકશાન જાણો છો? તમે ગામડાના હોવા છતાં, ગામડા અને ખેતી ઉપર સીધા કે આડકતરા નભતા હોવા છતાં ખેતી ઉપર નભતી વસ્તીમાં ઘટાડો નોધાયો, ગામની વસ્તી એટલી ઘટી. વસ્તી ઘટી એટલે ગામની ગ્રાન્ટ ઘટી, સગવડો ઘટી, સરકારે ખેતી માટે જે ફાળવવું જોઈએ તે ફાળવવામાંથી સરકાર છટકી! કારણ, ગામના મત ઘટતા આપણી રાજકીય તાકાત ઘટી. તમે જેને મત આપતા હો તેને આપો પરંતુ મતદાર તરીકે તો ગામમાં નોંધણી કરાવો, ગામના સરપંચ, તાલુકા-જીલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભામાં મત તો ગામડેથી જ આપો. ગામડે મતદાર બનવાથી દરેક ઘરમાં ૪-૫-૬ મતદાર હોય તો ખોરડાની રાજકીય તાકાત વધશે તો ગામની રાજકીય તાકાત આપોઆપ વધશે. તમારું રાજકીય વજન વધશે, તમારી વાત સંભાળશે, તમારા કામો થશે અને ગામ સમગ્રને લાભ થશે જ. સાથે સાથે, દર વખતે ગામમાં આવશો એટલે તમારો ને તમારા સંતાનોનો વતનની માટી સાથેની લાગણીનો તંતુ વધારે મજબુત થશે. વધેલી રાજકીય તાકાતનો ઉપયોગ ગામડાની માળખાકીય સગવડો વધારવામાં, ખેતી અને પશુપાલનને નફાકારક બનાવવામાં કરો.
રાજકીય પક્ષોને ફરજ પાડો કે જુદી-જુદી સરકારી યોજનાઓ અંતર્ગત ગામની જરૂરિયાત મુજબ ગામમાં;
૧.      પાણી સંગ્રહ માટે ગામ તળાવ ઊંડુ કરાવે, ના હોય તો પડતર જમીનમાં નવું તળાવ બનાવે,
૨.      ગામમાં જરૂરિયાત મુજબ ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવે,
૩.      ગામના પાકો અનુસારના નાના ઉદ્યોગો લાવે, (મોટા કોર્પોરેટ ઉદ્યોગોની શાખાઓ હરગીજ ના લાવવા દેવા. મોટા ઉદ્યોગ-ગૃહો તો ખેતી આધારિત ઉદ્યોગોમાં આવવા આતુર જ છે, એમને તો ગામની આપની આજીવિકા પગ પેસારો ના જ કરવા દેશો.)
૪.      ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક કરે, એમાં ડોક્ટર-નર્સની ૨૪ કલાકની હાજરી પાક્કી કરે,
૫.      ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને મોટું ગામ હોય ત્યાં હાઇસ્કુલ, એમાં પૂરો સ્ટાફ હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે, અને ગામ તરીકે એની દેખરેખની જવાબદારી વહેંચી લો. શિક્ષણ જ સમૃદ્ધિનો પાયો છે.
૬.      ગામમાં શક્ય હોય તો પાક-આધારિત ઉદ્યોગો માટેના ટેકનીકલ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાવો,
૭.      બેંકની શાખા અથવા ઓછામાં ઓછું એ.ટી.એમ. લાવવાની વ્યવસ્થા કરાવો.

ગામમાં આટલું ઉબલબ્ધ હોય તો વિચારો કે શહેર અને ગામમાં શું ફરક રહ્યો? આટલું કરવાથી, સરવાળે પ્રકૃતિ આધારિત, સર્વસમાવેશક, ટકાઉ વિકાસ થશે જે આપણા સહુના હિતમાં હશે. આ આફતમાંથી કાયમી ઉકેલ તરફ જઈએ, વતનની માટીને કાયમી આઝાદ, આબાદ કરવાની દિશામાં આગળ વધીએ.
હા, ગાયમાતાની પૂજા તો કરીએ છીએ પરંતુ એના માટે વરસો પહેલા ફાળવાયેલા, ગૌચરની સ્થિતિ ગામમાં કેવી છે એ ક્યારેય જોયું/વિચાર્યું છે? ફુરસદ છે તો જરા જોજો, વિચારજો, એને કેમ સુધારી શકાય. જો ગામના ગૌચરમાં રસ લેશો તો ખેતરોમાં રખડતા હરાયા ઢોર, નીલગાય અને ભૂંડના ત્રાસથી રાતોના ઉજાગરા કરવા પડે છે એમાં ગામડે રહેતાં માવતરને રાહત થશે. એ બધા ‘હરાયા’ ગૌચરમાં નભી જશે. ગામની હવા ચોખ્ખી એ ગૌચર જ રાખશે ને પાણી સંઘરસે એ નફામાં. ગૌચર માટે સરકારની અનેક યોજનાઓ છે એનો લાભ તમારી પંચાયતના માધ્યમથી લો, પંચાયતમાં આવતી ગ્રાન્ટોના વપરાશમાં રસ લો, ગામમાં પરિવર્તન આવતા વાર નહી જ લાગે.
‘ગરજ મટી કે વૈધ વેરી’ જેવું, શહેરમાં થોડી ચહલ-પહલ શરુ થઇ કે, ‘ગામડે તો કંઈ નથી’ કહીને પાછા શહેરની વાટ પકડવા જેટલા મતલબી તો નહી બનીએ ને?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
સંપૂર્ણ.

સાથીઓ,
લોક ડાઉનમાં પુરા ૧૦ દિવસ સહન કરવા બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર. આખી પીડીએફ આવતી કાલે મોકલી આપીશું જેથી તમારે સાથે વાંચવી હોય, કોઈને મોકલવી હોય તો અનુકુળ રહે.
કોઈને ક્યાય છાપવું હોય તો અમે કોઈ કોપીરાઈટ રાખતા નથી, સમાજનું છે ને સમાજને અર્પણ. માત્ર જાણ કરશો, છાપ્યા કોપી મોકલશો તો આનંદ થશે.
-     લેખકો

Friday, April 17, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૯)


આભાસી ‘વિકાસ’ની વાસ્તવિકતા:

આપણને રાત-દિવસ જે નશામાં રખાયા એ ‘વિકાસ’ની વાસ્તવિકતા શું છે એ જરા સરકારી આંકડાઓથી ચકાસીએ. આંકડા નીતિ આયોગના છે એટલે કોઈની લાગણી દુભાય તો સાથે લીંક આપેલી છે એ ખોલીને ચેક કરી લેવા, નાહક મૂંઝાવું નહી. ‘વિકાસ’ નો મૂળ પાયો એટલે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર. લાંબી વાત ના કરીએ તો, આટલા વરસો એકધારી વિકાસની વાતો સાંભળી, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો-
૧.   ખેડૂતોની આવકની દ્રષ્ટીએ ગુજરાત આખા દેશમાં ૯મા નંબરે ઉભું છે. ગુજરાતના ખેડૂત પરિવારની માસિક આવક ૩૫૭૩/- રૂપિયા છે.
ગુજરાત કરતા આગળ હોય એવા રાજ્યો છે: પંજાબ- ૧૬૩૪૯/- રૂપિયા, હરિયાણા-૧૦૯૧૬/- રૂપિયા, કર્નાટક- ૫૧૨૯/- રૂપિયા; આસામ-૪૪૦૯/- રૂપિયા; તેલંગાણા- ૪૩૯૯/- રૂપિયા, મધ્યપ્રદેશ – ૪૨૫૪/- રૂપિયા, મહારાષ્ટ્ર – ૪૦૨૧/- રૂપિયા અને કેરલ – ૩૬૦૨/- રૂપિયા.
દોસ્તો, આપને મહાન વેપારી પ્રજા છીએ એટલે ખેતીની આવકની ચિંતા નહી કરતા. પરંતુ જેમને ખેતી સિવાય બીજી કોઈ આવક નથી એવા પરિવારોની શું દશા આપના ‘વિકાસે’ કરી છે એ તો જરા વિચારો!
૨.      ગુજરાત દેશમાં, રૂપિયા ૧૯૯૪૬૩/- સાથે વાર્ષિક માથાદીઠ ઉત્પાદન (આવક)માં ૧૦માં નંબરે છે. ગુજરાત કરતા આગળના ક્રમે ગોવા- ૪૬૧૯૪૬/- રૂપિયા, દિલ્હી ૩૬૨૭૯૦/- રૂપિયા, સિક્કિમ ૩૫૯૭૯૮/- રૂપિયા, ચંડીગઢ ૩૩૩૬૬૭/- રૂપિયા, હરિયાણા ૨૨૫૧૧૦/- રૂપિયા, પુડુચેરી ૨૨૨૧૧૪/- રૂપિયા, કર્નાટક ૨૦૫૮૧૩/- રૂપિયા, કેરલ ૨૦૩૦૯૩/- રૂપિયા, ઉત્તરાખંડ ૨૦૨૨૮૪/- રૂપિયા સાથે ગુજરાત કરતા આગળ છે. (સોર્સ: http://statisticstimes.com/economy/gdp-capita-of-indian-states.php આંકડા ૨૦૧૭-૧૮ના લીધા છે. કારણ, બીજા રાજ્યોના આંકડા તો છે પરંતુ “વિકસિત ગુજરાત”ના ૨૦૧૮-૧૯ના આંકડા મુકવાનો સમય રાજ્યને મળ્યો નથી, કારણ, બધી મશીનરી રાજ્યના વિકાસમાં રોકાયેલી છે!!!)
૩.    શિક્ષણની દ્રષ્ટીએ દેશના મોટા રાજ્યોમાં કેરલ, રાજસ્થાન, કર્નાટક અને આંધ્રપ્રદેશ પછી ગુજરાત ૪થા નંબરે ઉભુ છે. (Read more at:
http://timesofindia.indiatimes.com/articleshow/72284769.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst)
૪.  આરોગ્યની બાબતમાં કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ૪થા નંબરે છે. (https://www.indiatoday.in/india/story/niti-aayog-helth-index-list-states-union-territories-kerala-tops-1556163-2019-06-26)
૫.     ગુજરાતમાં બેરોજગારીનો દર, માર્ચ ૨૦૨૦માં ૬.૭% છે. 
૬.     માથાદીઠ રાજ્ય સકલ ઉત્પાદન સ્ટેટ જીડીપી માં ગુજરાત દેશના પહેલા ૫ રાજ્યોમાં પણ નથી!! (https://www.jagranjosh.com/general-knowledge/per-capita-income-of-indian-states-1468997157-1)
૭.      હાલની કોરોનાની વાત કરીએ તો ૧૧.૨૫ વાગ્યાના ‘ફર્સ્ટ પોસ્ટ’ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ૧૨૭૨ દર્દીઓ નોધાયા તે પૈકી ૪૮નુ અવસાન થયું. ટકાવારીમાં મૃત્યુ દર ૩.૭૭% થાય, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. કારણ, આપને વિકસિત રાજ્ય છીએ. (સોર્સ: https://www.firstpost.com/health/coronavirus-outbreak-live-updates-covid-19-india-death-cases-lockdown-latest-news-today-delhi-maharashtra-2-8272301.html)
જો શિક્ષણમાં આગળ નથી, આરોગ્યમાં આગળ નથી, રોજગારીમાં આગળ નથી અને માથાદીઠ જીડીપીમાં આગળ નથી, નહેરની સિંચાઈમાં વિકાસ નથી કર્યો તો સાદો સીધો સવાલ એટલો જ છે કે આપણે વિકાસ શેમાં કર્યો? પરંતુ, આપણાથી તો એવું વિચારાય જ નહી ને! કારણ, આપણે તો ‘મહાન વેપારી પ્રજા’ છીએ ને! સમય પાકી ગયો છે ‘મહાનતા’ અને ‘વિકાસ’ના નશામાંથી નીકળીને વાસ્તવિકતા સ્વીકારવાનો. યોગ્ય સવાલો પૂછવાનો, સત્તા પાસે જવાબ માગવાનો. ટકાઉ અને સાચો વાસ્તવિક વિકાસ કરવાનો, જેમાં દરેક હાથને કામ મળે, ને સ્વમાનભર્યું જીવન, સમૃદ્ધ ખેતી હોય, બાળકોને શિક્ષણ મળે, બીમારને સારી સારવાર મળે, સરકારી, ખાનગી નહી!! સમજ્યા વગરના ધર્મ અને ખબર વગરના વિકાસે ગુજરાતને બરબાદી સિવાય કંઈ નથી આપ્યું. વાઈબ્રન્ટના તાયાફામાં લુંટતા ગુજરાતના જમીન-જંગલ-પાણી-ખનીજોને બચાવવા માથનારાઓને ‘વિકાસ વિરોધી’ કહી કહી ઘણા વગોવ્યા. હવે, સમય છે જરા વિચારવાનો, તમે કોનો સાથે અત્યાર સુધી આપ્યો અને આગળ કોનો સાથ આપવો છે? હજી સમય છે ચેતી જવાનો, સમાજ અને રાજ્યને ‘સંભાળી’ લેવાનો. જાગીશું? ચેતી જઈશું? સાચા વિકાસને સમજીશું? કે, હજી જ્ઞાતિ-ધર્મ-વિકાસના આભાસી નશામાં જ જીવવું છે?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા

વધુ આવતી કાલે...

Thursday, April 16, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૮)

૮: સહકારી ખેતી એક ઉપાય:

આવનારા દિવસો જુદા જુદા વ્યવસાયોમાં રોકાયેલા ઉત્પાદકોની પ્રોડ્યુસર્સ કંપનીઓ, એફ.પી.ઓ., સહકારી મંડળીઓનો છે. જેમની પાસે જમીન ઓછી હોય કે માણસ ઓછા પડતા હોય તે ભેગા મળીને સહકારી ખેતી શરુ કરી શકે, એમાં જમીનની માલિકી પોતાની અકબંધ રહે છે. સામટી ૨૦૦-૫૦૦ વીઘા જમીનમાં વૈજ્ઞાનિક ઢબે, મોટા પાયે ખેતી કરી શકાય. એને આધારિત પાકો માલ બનાવવાની નાની મશીનરી વસાવી શકાય, પોતે જ પેકિંગ અને માર્કેટિંગ દ્વારા નવા રોજગાર ઉભા કરી શકાય. દુનિયાની મોટામાં મોટી કંપનીઓ ખેત-ઉત્પાદનોના વેપારમાં જ છે અને મબલક કમાય છે. ખેતી નફાકારક હતી, છે અને હમેશા રહેશે. ખેતી કરતા આવડે તો નફાકારક જ છે, ના આવડે તો જ ખેતી ફજેતી છે. યુવાનો માટે હવે ખેતી-પશુપાલન સિવાય કોઈ ભવિષ્ય નથી જ નથી એ આવનારો સમય સિદ્ધ કરી આપશે. આપણે જેટલા વહેલા જાગીને ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગો જાતે વિકસાવવા માંડશું એટલા સમય કરતા આગળ રહીશું. સમય કરતા આગળ ચાલનારા જ હમેશા સુખી થતા હોય છે. એટલે, જો જમીન ઓછી પડતી હોય તો સહકારી ખેતી તરફ વળો.
વડીલોનો વારસો, બચત સાચવો:
ગામમાં ‘પાણી નથી’, ‘કંઈ પાકતું નથી’ એમ કહીને ગામડે જમીન વેચનારાને મુળે તો શહેરમાં ટકવા માટે પૈસાની જરૂર હોય છે. એટલે, ખોટેખોટા બહાના બનાવતા હોય છે કે પાકતું નથી, અરે ભાઈ, પાકતું નથી તો એ સામે ક્યાં તારી પાસે ખાવા કે પહેરવા કપડા માંગે છે, બિચારી મૂંગી મૂંગી પડી છે ને મૂંગા પશુઓ માટે ઘાસ તો ઉગાડે છે ને? તારું નહી તો કોકનું પેટ તો ભરે છે ને? છાનોમાનો કે’ ને કે રૂપિયા ખૂટ્યા છે, આવક ઘટી છે એટલે હવે વડીલોનો વારસો વેચીને વટ મારવો છે!
આપણે સરકાર પાસે એમની ખુરશી નથી માગવાની, જે ૫ જરૂરતો – નિશાળ-દવાખાનું-સિંચાઈ-સંરક્ષણ-રોજગાર માંગીએ છીએ એ આપવા માટે તો સરકાર બનાવીએ છીએ, નહિતર સરકારનું કામ શું છે? અને એના માટે એ જેટલું શહેરો ને ઉદ્યોગોને આપે છે એટલું તો જોઇશે પણ નહિ. ઉદ્યોગો અને શહેરોને આપે છે એના કરતા ગણી ઓછી રકમમાં તો ગુજરાતના દરેક ગામને સારામાં સારી શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિંચાઈ અને ખેતી આધારિત ઉદ્યોગોમાં રોજગારી આપી જ શકાય છે. એટલા માટે તો, આપણો જે હક છે તે “બજેટમાં ૫૦%” માંગીએ છીએ, ખેતીની માળખાકીય સગવડો માંગીએ છીએ.
જમીનનું તો એવું છે કે આજે ગમે તેટલા ઊંચા ભાવે વેચો તો પણ બે વરસ પછી સસ્તામાં વેચી દીધાનો પસ્તાવો થાય જ. કારણ, રોજે રોજ ઉપયોગી જમીન ઘટતી જાય છે. વિસ્તરતા શહેરો, પહોળા થતા રોડ-રસ્તા, નવી નવી રેલ લાઈનો, ખોદાતી ખાણો, આગળ વધતો, ને કિનારો ધોતો દરિયો, રોજની હજારો હજારો હેક્ટર જમીન આપણને ખબરેય ના પડે એમ ઘટતી જાય છે, એની સામે વસ્તી અને વસ્તીની જરુરીઆતો વધતી જાય છે. એટલે જમીનના ભાવો તો વધવાના જ. તમારા દાદાને જયારે જમીન વારસામાં મળી હશે ત્યારે એ માંડ ૧૦૦-૧૫૦ રૂપિયાનો વીઘો હશે, તમારા બાપુજીને મળી ત્યારે  ૮-૧૦ હજારનો વીઘો હશે, તમને મળી ત્યારે એ લાખોનો વીઘો છે અને તમારા દીકરાને મળશે ત્યારે કરોડોનો વીઘો હશે. જીવનમાં ભલે બીજું કંઈ ના કમાવો, ના બચાઓ, વારસાના વીઘા બચાવશો તો પણ કરોડો-અબજો સંતાનોને વારસામાં આપશો, વેચસો તો સંતાનો દેવાળિયા માવતર તરકે વગોવશે. પસંદ કરી લો, સંતાનો કેવી રીતે યાદ કરે એમ ઈચ્છો છો? આપણને વારસામા જે મળ્યું એ આપણા સંતાનોનું છે, આપણે એના ટ્રસ્ટી માત્ર છીએ, વેચીને વટ મારવા માટે નથી. શહેરમાં નાનું ખોરડું ખરીદવા માટે વતનની માટી ના વેચશો દોસ્તો. પેટ તો કુતરાનું ય ભરાય જ છે! પેલી કહેવત તો સાંભળી જ હશે, ‘ઊંટને મોત નજીક આવે એટલે મોઢું મારવાડ તરફ ફેરવે.’ આ કહેવત પ્રાણીની વતન તરફની લાગણી દર્શાવવા માટે છે, આપણે તો માણસ છીએ. ગામનું ઘર ને સીમનું ખેતર આવનારી પેઢીઓની શાસ્વત સલામતી છે. આજે આપણે ઉચાળા લઈને ગામડે આવ્યા એમ ક્યારેક માની લો કે સંતાનોને શહેરે ઉચાળા ભરાવ્યા તો ક્યાં જશે? થોડો ભવિષ્યનો વિચાર કરશો?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Wednesday, April 15, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૭)


પરંપરાગત વ્યવસાયો અને  રોજગાર:


દુનિયાના સૌથી જુના કોઈ વ્યવસાય હોય જેમાં માણસને રોજગારી મળ્યો હોય તો એ છે ખેતી, પશુપાલન, જંગલ પેદાશો અને માછીમારી. પહેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી એમાં મશીન માણસને કામમાં મદદરૂપ થયું, માણસનો શ્રમ મશીને હળવો કર્યો. એ પછી ક્રમશઃ મશીન સ્વચાલિત (ઓટોમેટીક) થવા માંડ્યા. મશીનનું સ્વચાલિત થવું એ રોજગારની દ્રષ્ટીએ માણસ માટે પડતીની શરૂઆત હતી. એ પછી કૃત્રિમ બુદ્ધિ Artificial intelligence)ની શોધ થઇ. મશીન અને કૃત્રિમ-બુદ્ધિના મિલનથી માણસ માટે રોજગારીની તકો ઘટવાની શરુઆત થઇ. દા.ત. ડ્રાઈવર વગરની બસ અને કાર ચાલવી, ડ્રોનથી માલ ઘર સુધી પહોચાડવો, કારખાનાઓમાં રોબોટનો વધતો ઉપયોગ, ઓનલાઈન વેપાર, ઓનલાઈન મેડીકલ અને કાનૂની સલાહ, અરે આઈટી ઇન્ડસ્ટ્રીમાં આઈટી એન્જીનીયરો માટે પણ બેરોજગાર થવાની નોબત આવવા માંડી. ભવિષ્યમાં આવનારી આ મોટી આફતોને ધ્યાનમાં રાખી થોડા વખત પહેલા વિશ્વ બેન્કે દુનિયાના દેશોમાં આવનારા વરસોમાં બે-રોજગારીનો દર શું હશે તેનો એક અભ્યાસ કરાવ્યો. જુદા જુદા દેશોમાં ઓટોમેશન અને  Artificial intelligenceને કારણે બેરોગરીના જુદા જુદા દરો ધ્યાનમાં આવ્યા. ભારત માટે એ અભ્યાસનું તારણ આવ્યું કે, આવનારા વર્ષોમાં, મશીનો અને કૃત્રિમ બુદ્ધિના વધતા વપરાશના કારણે ભારતમાં ૬૬% લોકો બે-રોજગાર હશે. એટલે કે, ૧૦૦માં ૬૬ બેરોજગાર!! આ વાત એકલી નોકરીની નથી, મોટા ઉદ્યોગગૃહો જેમ જેમ નાના વેપાર-ધંધાઓમાં આવતા જાય છે, દા.ત. મોટા મોટા શોપિંગ મોલ, ઘેર બેઠા પાર્સલથી સામાન પહોચાડતી વિશાળકાય કંપનીઓ, કારખાનાઓમાં રોબોટ અને સર્વિસ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિનો વપરાશ વધતો જાય છે તે નાના ધંધા અને નોકરીઓને ખાઈ જશે, ૧૦૦માંથી ૬૬ ને નવરા કરી દેશે. જો આમ થાય તો દેશની સ્થિતિ કેવી થાય? એમાંથી ઉગારવાનો આરો શું? વિશ્વબેન્કના અભ્યાસ પછીની ચિંતામાંથી ઉપાયો શોધવાની જે કસરત થઇ તેના તારણરૂપે વિશ્વબેંક પોતે (જે પહેલા વિકાસ કરવા માટે ઉદ્યોગો સ્થાપવાની, મૂડી રોકાણ કરવાની, જીડીપી વધારવાની, જમીનો સંપાદન કરવાની સલાહ આપતી હતી!!) તે હવે સલાહ આપે છે કે જી.ડી.પી., વિકાસ ભૂલી જાવ. કોઈ પણ સરકાર હોય, હવે દુનિયા સામે સૌથી મોટો પ્રશ્ન લોકોને રોજગાર આપવાનો, ખાલી (નવરા) હાથોને કામ આપવાનો છે.ઉદ્યોગોમાંથી નોકરીઓ ઉગવાની નથી. હવે ધંધા રોજગાર માટે દુનિયાના સૌથી જુના, પરંપરાગત ધંધા ખેતી, પશુપાલન, માછીમારી અને જંગલો માં મૂડી રોકાણ કરો, લોકોને કામ એમાંથી મળશે.
ધરતીનો છેડો ઘર જેવી વાત છે, વિકાસ માટે ઔદ્યોગીકરણની સલાહ આપી આપીને જમીન-પાણી-ખનીજો પડાવી લીધા, એમની સલાહ માનીને આપણે વિકાસ પાછળ દોટ મૂકી હતી. એની જ સલાહ માનીને જ ગામડા બરબાદ કર્યા. હવે પાછા ગામડે જવાનો વારો આવ્યો! સવારનો ભૂલ્યો સાંજે ઘેર પાછો આવે તો એ ભૂલ્યો નથી કહેવાતો, એમ જ સમયસર પાછા વળી જઈએ. આપણા ગામના પાક પ્રમાણે એમાંથી પાકો માલ બનાવવા માટેના ખેતી આધારિત ઉદ્યોગો, સહકારી મંડળી કે ઉત્પાદક કંપની બનાવીને ઉભા કરીએ. આપણી ખેત ઉપજના વધારે ભાવ ઉપજશે, જેની પાસે જમીન નથી કે ઓછી છે તેમને રોજગાર આપી શકાશે. આપણી ખેત ઉપજ કાચી વેચવાને બદલે તૈયાર ઉત્પાદન, પેકિંગ કરીને વેચીએ, ખેતરથી ગ્રાહક સુધીની શ્રુંખલા (ચેઈન) ઉભી કરીએ. ગામથી બહાર શહેર, બીજા રાજ્યો અને વિદેશમાં નિકાસ કરીએ, ખુબ તગડો નફો થશે, આજે જેના ૫/- રૂપિયે કિલો ઉપજાવતા ફાંફા પડે છે એના ૧૦૦/- રૂપિયા ઉપજશે.
જે કામ વેપારી કરી શકે એ કામ ખેડૂતના ભણેલા દીકરા/દીકરી કેમ ના કરી શકે? આપણે શહેરમાં જઈને નાની નાની દુકાનો કે નાના કારખાના કરવાનું વિચારીએ છીએ, ખેતીની મૂડી એમાં નાખીએ છીએ, તો ગામમાં શહેર કરતા મોટો ખેતી-પશુપાલન આધારિત ઉદ્યોગ કેમ ના ચલાવી શકીએ? સવાલ માનસિકતાનો છે, તક નો નહિ. આપણ મનમાં શહેર પ્રત્યે એક અહોભાવ છે, શહેરના લોકો એટલે સુધારેલા, હોંશિયાર અને સુખી અને ગામડાના લોકો એટલે અભણ, ઓછી બુદ્ધિ, ગરીબ એવો ભ્રમ આપના મનમાં છે! શહેર એટલે સગવડો અને ગામડું એટલે અગવડો એવું સ્વીકારી લીધું છે. શહેરમાં જે છે એ જ સગવડો મારા ગામને સરકાર કેમ ના આપે એવો સવાલ કડી આપણા મનમાં ઉભો જ નથી થતો. આને જ ગુલામીની માનસિકતા કહેવાય છે, પોતાના વિષે હીનભાવ અને બીજા પ્રત્યે બિનજરૂરી અહોભાવ એ જ ગુલામ માનસિકતા..!
આપણે ભૂલી ગયા છીએ કે આજે માનવ સમાજ જ્યાં ઉભો છે એના પાયામાં ગામડું અને ખેતી છે. ભલે ચંદ્ર કે મંગળ પર પહોંચ્યા, એનો પાયો ગામડું અને ગામડિયા લોકો છે! આઝાદી આંદોલનના કેટલા નેતાઓ શહેરમાં જન્મ્યા અને ભણ્યા હતા? આજે શહેરોમાં જે મોટા ડોકટરો, એન્જીનીયરો, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ છે, રાજનેતાઓ, મોટાભાગના આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધિકારીઓનું મૂળ ગામડું છે, એમનો જન્મ અને ભણતર થયા છે ગામડામાં. તટસ્થ તપાસ કરો મારી વાત સાચી લાગશે. જેનામાં  ક્ષમતા છે એને મર્યાદાઓ બાંધી નથી શક્તિ. એ શહેરોમાં કેમ ગયા, શહેરોમાં જે હતું એ ગામડા સુધી કેમ ના લાવી શક્યા? એના મૂળમાં ગામડા પ્રત્યેનો છૂપો હીનભાવ અને શહેર પ્રત્યેનો અહોભાવ પડેલો છે એટલે શહેરની સુવિધાઓને પોતાના ગામ સુધી ખેંચી લાવવાના બદલે પોતે શહેર તરફ ખેંચાઈ ગયા. આ ઉછીની બુદ્ધી ને આવડતના બળે શહેરો વધારે ને વધારે મજબુત થતા ગયા ને ગામડાને ચૂસતા ગયા. શહેરોની આબાદી/સમૃદ્ધિ ગામડાના પરસેવા ને લોહીને આભારી છે એમ કહો તો ખોટું નહી! આવા આવડત/ક્ષમતાવાળા લોકો માટે વતનની માટીનું ઋણ ચુકવવાની આ તક છે, ઘણાએ ચુકવવાની કોશિશ કરી છે, જે બાકી છે એ કરે તો ગામડામાં રોજગાર કે સમૃદ્ધિનો કોઈ પર નહી રહે.
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Tuesday, April 14, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૬)


ખેતી ખરેખર ખોટનો વેપાર છે?

‘ખેતી ખોટનો વેપાર છે’, ‘ખેતી સબસીડી ઉપર જીવે છે.’ આવું બોલવાની આજકાલ ફેશન થઇ ગઈ છે. આવું બોલતા કોઈને સાંભળું ત્યારે એક ગામઠી કહેવત યાદ આવી જાય છે; “મોર કળા કરે ત્યારે રૂપાળો તો આગળથી દેખાય, પાછળથી જોનારને તો ઉઘાડો જ દેખાય.” આ કહેવત જે લોકો જાણ્યા-સમજ્યા વગર, અભ્યાસ કર્યા વગર અભિપ્રાય આપતા હોય એમને બિલકુલ બંધ બેસતી છે. એમની વાતો એમની બુદ્ધિ ને સમજણનું સ્તર ખુલ્લું કરતી હોય છે!! પરંતુ, ખરેખર ખેતી ખોટનો વેપાર અને ખેતી સબસીડી ઉપર જીવે છે, એ વાત સાચી છે? ના, હરગીજ નહી.
ખેતી ખોટનો વેપાર?: ખેતી જો ખરેખર ખોટનો વેપાર હોય તો દુનિયાની મોટી મોટી કંપનીઓ ખેતી-ઉપજના ધંધામાં શા માટે પડે? લેટીન અમેરિકા અને દક્ષીણ આફ્રિકાના દેશોમાં હજારો હેક્ટર ખેતીની જમીન શા માટે રાખે? કારણ, ખેતી નફાનો ધંધો છે અને કાયમ નફાનો ધંધો રહેવાનો છે. ખેડૂતને ખોટ એટલા માટે જાય છે કે એ મહેનત કરી ને સીધો એપીએમસીના વેપારીના ઓટલે ઢગલો કરી આવે છે, પોતે બજાર શોધતો નથી, કંપનીઓ નફો એટલા માટે કરે છે કે ખેડૂતે પકવેલો માલ એ ગ્રાહક સુધી પહોચાડે છે અને વચ્ચેનો નફો રળે છે. અથવા એમને જ્યાં કોન્ટ્રાકટથી ખેતી કરવી હોય કે જમીન રાખી હોય એનું ઉત્પાદન એ પોતે બજાર શોધીને ગ્રાહકના હાથમા મુકે છે. કારણ, એની પાસે મૂડી છે એના બળે એ ઉત્પાદનની સાફ-સફાઈ, એમાં મુલ્ય-વૃદ્ધિ અને આકર્ષક પેકિંગ, માલ સાચવવા માટે મોટા ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સગવડો છે. ખેડૂત પાસે મૂડી અને માળખાકીય સગવડોનો અભાવ છે. ખેતી અને ખેડૂત માટે જરૂરી માળખાકીય સગવડો આપવાની જવાબદારી સરકારોની હતી પરંતુ, ખેડૂતોએ કયારેય સરકારો પાસે માળખાકીય સગવડો માગી નહી અને સરકારો ને તો એ જ જોઈતું હતું. તમે રમતનાં સાધનો માટે, માતાના મઢ માટે. સમાજની વાડી માટે પૈસા માગો તો આપશે. પરંતુ, ખેત ઉપજનો પાકો માલ બનાવવાની મશીનરી માટે પૈસા માગો તો નહિ આપે! કારણ? કારણ એટલું જ કે તો પછી તમે જમીન વેચો નહી. તમારી જમીન વેચાવવા માટે જ તો સિંચાઈની સગવડો નથી વધારતા, પાક-વીમાના પૈસા નથી ચુક્વાતા, ઉપજના ભાવ નથી અપાવતા!! ખેતીને સરકારોએ ખોટનો વેપાર જાણી-જોઇને બનાવ્યો છે. તમે થાકો-હારો ને જમીન વેચો તો કંપનીઓને હજારો એકર જમીન મળે. થોડી તપાસ જાતે કરો, વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડો રૂપિયાના મૂડી-રોકાણો જાહેર કરી પાણીના ભાવે સરકાર પાસેથી હજારો એકર જમીન લેનારા ઉદ્યોગોએ કેટલા એકરમાં કારખાના બનાવ્યા, કેટલા લોકોને રોજગાર આપ્યો અને કેટલા એકરમાં ખેતી કરવા માંડ્યા? ગુજરાતના મોટા ખેડૂતો કોણ છે એની તપાસ કરી જોજો. જો ખેતી ખોટનો ધંધો હોય તો એ બધા કારખાનાઓને નામે ખેતી કેમ કરવા માંડ્યા? નેતાઓના ભાષણના ભરોશે ના રહેશો, જરા જાત-તપાસ પણ કરતા રહો.
ખેતી સબસીડી ઉપર જીવે છે?: આવું કહેવાવાળાઓ ક્યારેય રાજ્ય કે કેન્દ્ર સરકારના બજેટનો અભ્યાસ કરીને બોલે છે? ના. માત્ર જેના ટુકડા ઉપર જીવે છે એની વાત વહેતી કરે છે. માત્ર એક સાદી વાત સમજી લો. કોઈ પણ બજેટમાં ખેતી અને સંલગ્ન સેવાઓ માટે કેટલી રકમ ફાળવી અને એમાં કેટલા લોકોને રોજગારી મળે છે એનો ભાગાકાર કરી લો. સામી બાજુએ, ઉદ્યોગોને કેટલી રકમ સીધી ફાળવાઈ, કેટલી વેરા રાહતો અપાઈ, જમીન-પાણી-વીજળીમાં-આયાત-નિકાસમાં કેટલી રહતો અપાઈ તેનો સરવાળો કરો અને ઉદ્યોગોમાં રોજગાર મેળવનારા લોકો વડે ભાગાકાર કરી લો. બંને રકમ જોઈ લો, માથાદીઠ કોને વધારે સબસીડી અપાય છે? દરેક બજેટને ખેતી અને ગામડાલક્ષી એટલા માટે કહેવાય છે કે ખેડૂતો અને ગામડાના મત ચૂંટણી વખતે લેવાના છે. બાકી, મોટેભાગે કેન્દ્રના બજેટના ૨%ની આસપાસની રકમ ખેતી માટે ફાળવાય છે અને ગુજરાતના બજેટની ૪.૫%ની આસપાસની રકમ ખેતી માટે ફાળવાય છે. હા, યાદ રાખો, ખેતીમાં ૬૫% વસ્તી રોકાયેલી છે એને ૨ અને ૪ % રકમ ફાળવી ને બજેટને ખેતી અને ગામડાલક્ષી કહેવાની સાથે સાથે સબસીડી ઉપર જીવતા હોવાની ગાળ અપાય છે. અને, આપણે ભોળાભાવે માની લઈએ છીએ! ખરેખર તો ઉદ્યોગો અને શહેરો ખેતી અને ગામડાના ટુકડા ઉપર નભે છે, ખેતી કોઈના ટુકડા ઉપર નભતી નથી.
વારંવાર કહીએ છીએ કે, ‘શહેર ગામડાને નથી નભાવતા, ગામડા શહેરને નભાવે છે.’ ‘શહેરની મૂડી ગામડાની ખેતીમાં નથી રોકાતી, ગામડાની ખેતી-પશુપાલનની મુડીથી શહેરમાં ઘર, દુકાન, વાહન ખરીદાયએવા દાખલા વધારે છે! ગામડાની મૂડી શહેરના બજારોમાં તેજી-મંદી લાવે છે. એકલા શહેરની કમાણી પર શહેરમાં બે પાંદડે થયેલા કેટલા?
-     ગામડેથી આવતું અનાજ-કઠોળ-શાકભાજી-ઘી બંધ કરીને જોઈ લો શહેરમાં કેટલી બચત થાય છે?
-     પોતાની જાણકારી માટે પણ એક/બે/ત્રણ વર્ષનો હિસાબ રાખો કે તમે,
૧.  ગામડેથી શહેરમાં કેટલા ઘઉં, કઠોળ, ઘી, શાકભાજી મોકલ્યા, એની બજાર કિંમત કેટલી થાય?
૨.  કપાસ-મગફળી કે બીજી સીઝન વીત્યે કેટલા રોકડા મોકલ્યા?
૩.  પાક-ધિરાણ પૈકી કેટલી રકમ ખેતીમાં વાપરી અને કેટલી રકમ શહેરમાં મોકલી?
૪.  એ ઉપરાંત જે કોઈ વસ્તુ મોકલો એનું નામ અને બજાર કિંમત લખી રાખો,
આખા વર્ષનો સરવાળો કરો, સાથે સાથે,
૧.  શહેરમાંથી શું-શું ગામડે આવ્યું? નવું/જુનું ટી.વી., વોશિંગ મશીન, મિક્ષ્ચર, એની કિંમત કેટલી?
૨.  કેટલા રોકડા પાછા મોકલ્યા?      
મોકલેલી વસ્તુઓની રકમમાંથી આવેલી વસ્તુઓની રકમ બાદ કરી લો, ૩ વર્ષ સુધી હિસાબ રાખો, ખેતી શહેરને નભાવે છે કે શહેર ખેતીને નભાવે છે એનો પાકો હિસાબ મળી જશે.
આપણી સહુની તમાચા મારીને ગાલ લાલ રાખવાની ટેવ હોય કે બાંધી મુઠી લાખની રાખવાની ટેવને કારણે દરેકને કહેવાની તક મળી કે શહેર ખેતી-ગામડાને નભાવે છે, ખેતીમાં શું લેવાનું છે?” હકીકત ઉલટી છે. પરંતુ, સાબિત કરી શકાતું નથી, કારણ, આપણે ઘરની વાત ઘરમાં રાખવી છે!!
દુનિયાના શાશ્વત સંસાધનો, જમીન અને પાણી પડાવી લેવા માટે આપણને ખોટ કરાવવાની સાથે સાથે બદનામ પણ કરે છે! આપણે સહુથી પહેલા તો ગુલામ/દબાયેલી/ગરીબીની માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે.
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Monday, April 13, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૫)


ગામનો હાલનો અનુભવ, ગામમાં શું ખૂટતું લાગે છે?

હાલ જે લોકો ગામડે છે એ થોડું પોતાના ગામ વિષે વિચારે. શહેરમાં શું છે જે એમના ગામમાં નથી? ૨૪ કલાક વીજળી, પીવાનું પાણી, મોબાઈલની સુવિધા, ટીવી ચેનલો, ઈન્ટરનેટ, આ બધું જ છે? તો શું ખૂટે છે?

ગામમાં ખૂટે છે...

૧.      સિંચાઈનું પાણી,
૨.      બાળકોને ભણાવવા માટે સારી શાળા,
૩.      વડીલોની સારવાર માટે સારું દવાખાનું,
૪.      જેમને ખેતી નથી અથવા ઓછી છે એમના માટે પુરક કે પૂર્ણ રોજગાર.
આ ચાર પૈકી તમારા ગામમાં શું ખૂટે છે? જો ગામમાં ઉપર પૈકાના એકાદ બે કે બધું જ ખૂટતું હોય, તો કેવી રીતે ઉભા કરી શકાય? તમને લાગે છે કે આટલું હોય તો ગામમાં શહેર કરતા સારું જીવન છે? જયારે વિચારો ત્યારે હિસાબ જરૂર કરજો કે તમે શહેરમાં જે કમાવ છો તેમાંથી પેટ્રોલ, સ્કુલ-ફી, દવા અને ઘર ખર્ચ, વતન આવવા-જવાનો ખર્ચ બાદ કરતા કેટલું બચાવો છો, એની સામે તમે ગામમાં જે કમાવ તેમાંથી ઘર-ખર્ચ બાદ કરતા કેટલું બચે? જયારે બચત અને ખર્ચનો હિસાબ માંડો તો શહેરની પ્રદુષિત હવા, પાણી, શાકભાજી અને દૂધ, એની સામે ગામની હવા, પાણી, શાકભાજી અને દુધની ગુણવત્તા ધ્યાનમાં રાખજો. હિસાબ બતાવશે કે હવે પાછા શહેરમાં જઈને તમે નફો કરી રહ્યા છો કે ખોટનો વેપાર?

ખૂટતું ઉમેરાય, હોય એ નાખી ના દેવાય:

ગામમાં જે ખૂટે છે તે સિંચાઈનું પાણી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય આપવાની જવાબદારી સરકારની છે, રોજગાર સરકાર સાથે મળીને આપણે ઉભા કરી શકીએ. વટના માર્યા આપણે ઘર બાળીને તીરથ કરવા ટેવાઈ ગયા. કોઈ ચૂંટણીમાં ગામની નિશાળ, દવાખાના અને સિંચાઈના પાણીની તો વાત જ નથી કરતા. હવે એ કરીએ, સરકાર બધું આપશે, આપવા બંધાયેલી છે, આપણને લેતા આવડવું જોઈએ. જે કારણોએ વતન છોડાવ્યું હતું એ કારણોનો કાયમી ઉકેલ શોધીએ, સવાલોને ત્યાં જ જીવતા રાખીને બહાર ફાંફા મારવાથી પેઢીઓ નહી જ તરે.
સવાલોના કાયમી ઉકેલ માટે, સિંચાઈના પાણી માટે, પોતે ગામને સાથે લઈને વરસાદી પાણીને સંઘરવાના તમામ ઉપાયો અજમાવીએ, સરકારની અનેક યોજનાઓ છે તેનો લાભ લઈએ તો સિંચાઈનું પાણી અઘરું નથી જ. ગામનું પાણી સંઘરવા સાથે નજીકના ડુંગર, વેળા-વોકળા, ગૌચરનું પાણી પણ બચાવીએ.
એ ઉપરાંત, ગામમાં જે પાણી સંડાસ-બાથરૂમ વગેરે દૈનિક કાર્યોમાં વપરાય તેને થોડી ટ્રીટમેન્ટ કરીને ખેતીમાં વપરાવનું ગોઠવી શકાય, નરી નજરે નહી દેખાતું ઘણું પાણી તો ખેતી માટે ગામના વપરાશમાંથી જ મળી જશે. યાદ રાખીએ, પાણીનું દરેક ટીપું લોહીના ટીપા જેટલું જ કીમતી છે.
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Sunday, April 12, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૪)


પાછા શહેર જાઓ તો શું ભવિષ્ય છે?

   કોરોનાની આપદા તો કાલ ટળી જશે ને આવનારા પાછા શહેરની વાટ પકડશે. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ વખતે શહેરમાં જઈને ફરી ધંધા-ધાપા ગોઠવવા કે જે લોકો ખાનગી નોકરીઓ મુકીને આવ્યા છે એમને પાછી બીજી નોકરીઓ શોધવી એટલી સહેલી છે?” હરગીજ નથી. જે મજૂરો મો માંગ્યા ભાડા ચૂકવીને, કે પછી ઢોરની જેમ જે વાહન મળ્યું એમાં ભરાઈને કે નાછૂટકે સેંકડો કિલોમીટર ચાલતા પોતાના વતનની વાટ પકડી છે એ એટલા જલ્દી પાછા આવશે? મંદીના માહોલમાં જે થોડી-ઘણી મુડી હાથ ઉપર હતી તે વાપરીને બેઠા છીએ, નવી મૂડી ક્યાંથી આવશે? મૂડી અને મજુર, આ બે ધંધાના પાયા છે, બંને પાયા ડગમગતા હોય તો ગાડી કેવી ને કેટલું ચાલશે?
-     જે નોકરી મુકીને આવ્યા છે એમનું શું? નવી નોકરી કે બંધ પડેલા ધંધા ચાલુ થાય ત્યાં સુધી કેવી રીતે ટકશો? હવે શહેરમાં જઈએ તોય જલ્દી ‘બોરડી બે પાંદડે’ થાય એવું લાગતું નથી..!
-     પાછા જઈશું ત્યારે દીકરા-દીકરીની શાળાના સંચાલકો ફીની વા જોઇને જ ઉભા હશે, બાઈક/ગાડી/ઘરનો હપતો માથે ઉભો હશે, લાઈટ બીલ/મકાન વેરો, કેટ કેટલા બીલો બંધ બારણા નીચેથી આવીને વાટ જોતા પડ્યા હશે? મને નથી લાગતું કે આ વખતે શહેરમાં જઈને ઝટ બેઠા થવાય!
-     હાલ સમય મળ્યો છે તો થોડા લેખાં-જોખાં લઈએ, ગામ છોડીને શું પામ્યા, શું ખોયું? શેને માટે ગામ છોડ્યું હતું? જે કારણથી ગામ છોડ્યું હતું એનું આટલા વરસે નિરાકરણ થયું છે કે નહિ? ‘વિકાસ’ની વાતો વચ્ચે ગામમાં આટલા વરસે પાણીના તળ ઊંચા આવ્યા છે? જે પકવતા હતા અને આજેય પકવીએ છીએ એના ભાવમાં કેટલો અને કેવો વધારો થયો છે? ગામ છોડ્યું ત્યારે ઘરની, સરેરાશ વરસમાં જે આવક હતી એટલી જ છે કે વધી છે? ગામમાં એસટીની બસ, નિશાળ, દવાખાના જેવી સગવડો વધી છે? ગામની સહકારી મંડળી આજેય પહેલા જે કરતી હતી એ જ કરે છે કે કંઈ નવું કરે છે?
-     જો પરિસ્થિતિ સુધરી હોય તો સારું જ છે, તો તો ગામ રહેવાલાયક બન્યું છે. જો બગડી છે કે ચાલતું હતું એમ જ ચાલે છે તો એના માટે કોણ જવાબદાર? તટસ્થભાવે જાતનું, ગામનું મુલ્યાંકન કરવાનો આ સમય છે. જવાબ પોતાના આત્માને આપવાનો છે, પારકાની પરીક્ષામાં પાસ થવાનું નથી. ઈમાનદારીથી, જાતનું, ગામનું, પરિસ્થિતિનું, પોતાની પ્રગતિ/અધોગતીનું અને એના માટે જવાબદાર કોણ એનો વિચાર કરવાનો સમય મળ્યો છે. પોતે પહેલેથી જ ધારણા બાંધી લીધી હોય તો એને સાચી સાબિત કરવા માટે ખોટી દલીલો શોધીએ એને આત્મચિંતન ના કહેવાય, જાતને છેતરી કહેવાય દોસ્ત. જગતને છેતરવું સહેલું છે, જાત(અંતરાત્મા)ને છેતરવી અઘરી છે. હા એના માટે અંતરાત્મા જીવતો હોવો જોઈએ. જેનો અંતરાત્મા જ મારી પરવાર્યો હોય એના માટે તો જગત આખું મરી પરવાર્યા બરાબર છે. એટલે, આ તસ્દી એમણે જ લેવી જેનો અંતરાત્મા જીવતો હોય!!
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Saturday, April 11, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૩)


વધારે ને વધારે સુખની લાલસા ને શહેરમાંથી સ્થળાંતર!
-     દુનિયા આખીમાં વધતું ઔદ્યોગિક પ્રદુષણ અને સજીવ કચરો અનેક પ્રકારના રોગ ફેલાવતા જીવાણુઓને જન્મ આપે છે અને શહેરની ગીચતા એને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. છેલ્લા ૨૦ વર્ષમાં એઇડ્સ, સરસ, એચ૧એન૧ અને હવે કોરોના (કોવિદ-૧૯) જેવી બીમારીઓએ દુનિયા આખીને ભરડો લીધો. બીમારીઓ, દરિયાઈ વાવાઝોડા અને વરસાદી પ્રકોપો બદલાતા વાતાવરણ, બદલાયેલી જીવનશૈલી અને વિચાર્યા વગરના વિકાસની ભુખનું પરિણામ છે. જેમ બિન-જરૂરી વિકાસની ભુખ વધશે એમ આવી પ્રકૃતિ પ્રેરિત આપદાઓ વધશે.
-     અનિચ્છાએ પણ લાદવા પડેલા લોકડાઉનથી કેટલાક લાંબાગાળાના ફાયદા દેખાયાના સમાચારો આવતા રહે છે. જેમ કે જલંધરથી હિમાલયની પર્વતમાળાના દેખાવી, ગંગા, યમુના અને નર્મદાના પાણી શુદ્ધ થવા, ગબ્બરનું શિખર દુરથી દેખાવા માંડવું કે આકાશ સાફ દેખાવું.
-     વિચારવા જેવી વાત છે કે વાતે વાતે દવાખાને દોડતા લોકો બંધ થયા છે, અચાનક જ નાની બીમારીઓ – બી.પી. વધવું/ઘટવું-અપેન્ડીક્ષ-બાયપાસ-વાતે વાતે લેબોરેટરીના ટેસ્ટ – બધું સાવ બંધ જેવું થયું છે. એમ્બુલન્સોની ચીસો સંભળાતી બંધ થઇ છે. કેમ બધાને એપેન્ડીક્ષ મટી ગયા, લોહીની નસો સાફ થઇ ગઈ, બી.પી. બરાબર થઇ ગયા કે દુખાવા મટી ગયા? કે પછી આ આખું આર્થિક ચક્કર હતું જેમાં બિન-જરૂરી, ડરાવીને દાખલ કરતા હતા જેની જરૂર જ નહોતી? ડરાવીને બાય-પાસ કરાતી હતી? તપાસ કરો તમારી આસપાસ આ દિવસોમાં કેટલા લોકો દવાખાને ગયા? કેટલા લોકોને દાખલ કર્યા? કેટલાને બાયપાસ કરવી પડી? કોની એપેન્ડીક્ષ શરીરમાં જ ફાટી ને માણસ ગુજરી ગયું? આ ડરાવી ડરાવીને કરતા વેપાર, પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો, જેના ઉત્પાદન વગર આપણે મજાથી અત્યારે જીવી રહ્યા છીએ, એનાથી થતી પૈસાની હેરફેર એટલે જી.ડી.પી.! જેમ જેમ જરૂરી કે બિન-જરૂરી નાણાકીય વહેવારો વધે એ વધતો જી.ડી.પી.!! એટલું સમજો કે વધતા શહેરો કે વધતો જી.ડી.પી. માણસના સુખની નિશાની નથી જ નથી. વધતો જી.ડી.પી. સામાન્ય જનતાને સુખી કરે જ એવું નથી. સામાન્ય જનતાને બીમાર પાડીને, પ્રદુષણ ફેલાવીને, જમીનો વેચીને, ખનીજો ખોદીને જી.ડી.પી. વધારાય છે.!! એટલા માટે જ કહીએ છીએ કે જી.ડી.પી. શું છે એ પહેલા સમજીએ ને પછી હઈશો હઈશો કુટીએ...! જી.ડી.પી. નીચો રાખીને માણસ/સમાજ વધારે સુખી અને સ્વસ્થ થઇ જ શકે છે..! સામાન્ય જનતાના સુખ અને જી.ડી.પી.ને કોઈ સંબંધ નથી.
-     સામાન્ય સમાજે સરકારો પાસે સુખ માંગવાનું છે, જી.ડી.પી. નહી...! ભલે સરકારે કોઈ પણ પક્ષની હોય.
-     જી.ડી.પી. પ્રકૃતીનું સંતુલન બગાડે છે, જયારે હદથી વધારે સંતુલન ખોરવાય ત્યારે પ્રાકૃતિક વિપદા આવે છે. પ્રાકૃતિક વિપદા જીવનની ક્ષણ-ભંગુરતાની જેમ જ શહેરની ઝાકમઝોળની ક્ષણ-ભંગુરતા દેખાડી દે છે. ‘વિકાસનું તકલાદીપણું’ તરી આવે છે, અસ્તિત્વનો સવાલ ઉભો થાય ત્યારે શહેર દગો દઈ દે છે, વતનનું ગામ યાદ આવે છે. વતનમાં જ સલામતીનો, પોતાપણાનો સાદ સંભળાય છે. એટલે, કંઈ ના મળે તો ચાલતાય વાટ તો વતનની જ પકડાઈ જાય છે. સુરતની જ વાત કરીએ તો તાપીની રેલ હોય, હીરામાં મંદી હોય, પ્લેગ હોય કે કોરોના, છેલ્લે હાથ પકડીને સલામતી અને સધિયારો તો વતનનું ગામ-ખોરડું જ આપે છે જ્યાં જી.ડી.પી. ઓછો પરંતુ, સુખ-સલામતી-પર્યાવરણ (પ્રકૃતિ) વધારે હોય છે. આવનારા સમયમાં વતનના ગામ-ખોરડે સધિયારો શોધવો પડે એવી ઘટનાઓ વારંવાર બનશે. કારણ, શહેરો હવે થાક્યા છે, વધારે બોજ સહન કરી શકે એવી એમની સ્થિતિ જ નથી, ચાહે સાફ-સફાઈ-રહેઠાણ-આરોગ્ય-શિક્ષણ-પરિવહન-સલામતી-રોજગાર કે કમાણી આપવાની હોય! શહેરોની ક્ષમતા પૂરી થઇ એટલે હવે વળતા વતનની વાત પકડવાના દિવસો આવશે જ.
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Friday, April 10, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૨)


શહેરો હવે થાક્યા છે!

આજે, આટલા વરસે શહેરોમાં અગાઉની એ પરિસ્થિતિ રહી નથી. આપણા જેવા જ વખાના માર્યા ગુજરાત બહારથી પણ લોકો ગુજરાતના શહેરો તરફ વળ્યા. એમ, સ્થાનિક, રાજ્યના અને રાજ્ય બહારના મળીને અનેક લોકો જુદા જુદા બજારો પર કબજો જમાવવા માંડ્યા. હવે શહેર વધારે માણસોને સમાવી શકે, કામ, રોજગાર ને રહેઠાણ આપી શકે એટલું ગજું નથી. એટલે, પાછળથી, દેખા-દેખી ને સામાજિક મોભો જાળવવા માટે શહેરમાં જનારાઓ માટે શહેર વધારે કાઠું બન્યું છે. હવે શહેરમાં કામ-ધંધા માટે બહારના સાથે હરીફાઈ ઓછી ને પોતાના જ વતન તરફથી આવેલા, પોતાના જ લોકો સાથે હરીફાઈ વધવા માંડી છે. કપરી હરીફાઈમાં નફા કપાવા માંડ્યા.
શહેરો હવે વસ્તીથી ફાટ-ફાટ થઇ રહ્યા છે, શહેરોમાં ખુબ ઓછું હવે સરકારી બચ્યું છે. રહેવા માટે ઘર ખરીદવું હોય તોય મોંઘુ ને ભાડે લેવું હોય તોય મોંઘુ. નોકરી મળે નહી, મળે તો પગાર ઓછા, ધંધો કરવો હોય તો મૂડી મોટી જોઈએ. બાળક ભણાવવા ઢંગની સરકારી નિશાળ નહી, ખાનગીમાં ભણાવો તો બે છેડા ના મળે, ‘સાત સાંધતા તેર તૂટે’ વાળો ઘાટ છે. બીમાર પડો તો સારા સરકારી દવાખાના નહી, ખાનગી દવાખાનાના ખર્ચને પહોચી ના વળાય. બસોના ઠેકાણા નહી ને બાઈકના પેટ્રોલ મોંઘા. આ બધામાં શહેરમાં ઘર ચલાવવું હવે નથી પોસાતું. ગામડે પાછા જતા સામાજિક શરમ કે બંધનો નડે ને શહેરમાં છેડા મળતા નથી એટલે નાના ધંધાદરીઓના સપરિવાર આપઘાતના બનાવો બનવા માંડ્યા...! જે શહેરોએ મુસીબતમાં આશરો આપ્યો એ શહેરો હવે સાચવી/સંઘરી શકે એમ નથી. સરકાર પોતાની પ્રાથમિક જવાબદારીઓમાંથી છટકતી ગઈ, ખાનગી નિશાળો એન ખાનગી દવાખાના, ગાંઠના ખર્ચીને વાહન લીધું એને જ ગુજરાતનો વિકાસ સમજ્યા! બીજી બાજુ આપણને તો ભણાવી જ દીધું છે કે સરકાર બિચારી શું કરે? અરે કેમ ના કરે એવું પૂછવા જેટલી આવડત કે હિંમત આપણામાં બચવા જ નથી દીધી! જો સરકાર સારી નિશાળ-કોલેજો, સારા દવાખાના, સિંચાઈની સગવડો, મધ્યમવર્ગને સારી રીતે જીવવા જરૂરી સગવડો ના આપી શકે તો સરકારનું કામ શું એ પૂછવા જેટલી હિંમત કે અક્કલ લાવવી ક્યાંથી? ગાંધી-સરદાર-રવિશંકર મહારાજ કે ઇન્દુચાચા જેવા ખમીરવંતા પૂર્વજોનો વારસો ધરાવતો ગુજરાતી સમાજ કયારે “રાજકીય ઘેટાં”માં ફેરવાઈ ગયો એ એને ખુદને જ ખબર ના પડી! અહી, કોઈ પક્ષની વાત નથી, જે જનતાનું હિત ના સાચવી શકે એ પક્ષ કે નેતાને જાકારો આપવાની (તળપદી ગામઠી ભાષામાં કહું તો ‘લાત મારવાની’) જે સમાજ (અહી, જ્ઞાતિ નહી, ગુજરાતી તરીકે લેવું.)માં સમજણ ના હોય એ છેલ્લે માનસિક ગુલામીમાં સબડવા સર્જાયો હોય છે. આવો નાહિંમત ને નાસમજ લોક-સમૂહ નાછૂટકે, ડરપોક માણસ જે કરે તે આપણે કરવા માંડ્યા, કર્મ-નસીબ-ભગવાનને સોપી દીધું! આપણે શું કરીએ?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
(વધુ આવતી કાલે...)

અમને વ્હાલી વતનની માટી!! (૧)


ગામ કેમ છોડવા પડ્યા?
ગુજરાતમાં વર્ષ ૧૯૮૫-૮૬-૮૭, એમ સળંગ ૩ દુકાળ પડ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત માટે ખુબ કપરો સમય હતો. સળંગ ૩ દુકાળના વરસોમાં પાણીની અછતે ખેડૂતો, ગામડાના અર્થતંત્રને ભાંગી નાખ્યું હતું. ઉગરવાનો કોઈ આરો દેખાતો નહોતો એવો કપરો સમય હતો. જીવથી વધારે વ્હાલા જાનવરો – ગાય-બળદ-ભેંસ-ને રેઢાં છોડી દેવા પડ્યા હતા. સળંગ ૩ દુકાળની ઝીંક ના ઝીલી શક્યા એવા લોકો રોજી-રોટીની શોધમાં અમદાવાદ અને દક્ષીણ ગુજરાત તરફ હિજરત કરી ગયા. જે લોકો શરૂઆતમાં શહેરોમાં જઈને વસ્યા એમાં મોટા ભાગનાએ મજબુરીમાં હિજરત કરી હતી. ગામડે જેને પોષણ હતું એવા કોઈએ હિજરત નહોતી કરી.
એ વાતને વર્ષો વીતી ગયા, ગુજરાતમાં ત્યારે અને અત્યારે પાણીની સ્થિતિ શું છે એ જરા જોઈએ. આટલા વર્ષોમાં આપને કેટલી પ્રગતિ/વિકાસ કર્યો એના ઉપર નજર કરીએ. ગુજરાત મહારાષ્ટ્રથી છુટું પડ્યું એ પછી ૧૯૬૧માં ગુજરાતમાં માથાદિઠ પાણીની ઉપલબ્ધતા ૨૪૬૮ ઘનમીટર પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષ હતી, વર્ષ ૨૦૧૫માં એ ઘટીને ૭૩૮ ઘનમીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ બચી છે.

વર્ષ ૨૦૦૧માં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ/ઘનમીટર ના આંકડા....
મધ્ય અને દક્ષીણ ગુજરાત   ૧૮૮૦  ઘનમીટર
કચ્છ                          ૭૩૦    ઘનમીટર
ઉત્તર ગુજરાત                 ૫૪૩  ઘનમીટર
સૌરાષ્ટ                        ૫૪૦  ઘનમીટર
૫૪૦ અને ૫૪૩ ઘનમીટર પાણી હતું ત્યાંથી આપણામાંના મોટાભાગના ક્યાં જઈને વસ્યા? જ્યાં ૧૮૮૦ ઘનમીટર પ્રતિ વ્યક્તિ પાણી હતું. એટલે કે, જ્યાંથી નીકળ્યા એના કરતા જ્યાં વસ્યા ત્યાં પ્રતિ વ્યક્તિ ૧૩૪૦ ઘનમીટર પાણી વધારે હતું.
ડૉ. એમ ફાલ્કાનમાંર્કનો અભ્યાસ કહે છે કે “વાપરી શકાય એવા પાણીનો પુરવઠો માથાદીઠ ૧૦૦૦ ઘનમીટર કરતા નીચો જાય તો, પાણી પુરવઠો આરોગ્ય, આર્થિક વિકાસ અને માનવ હિતોને નુકશાન પહોચાડવાનું શરુ કરે છે!”
આની સીધી અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સ્થળાંતરમાં દેખાય છે! ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ફરક એ છે કે, ભલે ઊંડું અને ક્ષારયુક્ત પણ પેટાળમાં પાણી છે. સૌરાષ્ટ્રની ધરતી નીચે પથરાળ હોવાથી સારું કે ખરાબ, એક હદથી નીચે પાણી જ નથી. પાણીના અભાવે જેમને માત્ર જીવવા માટે હિજરત કરવી પડી તેમના માટે તો શહેરમાં રૂપિયા રળવા એ જ એકમાત્ર કામ હતું, કોઈ સુખ-સુવિધા કે એશો-આરામની નહી, જીવી જવાની, ટકી રહેવાની મથામણ હતી. એટલે, સારા-નરસા, નૈતિક-અનૈતિક કે છોછ-શરમમાં પડ્યા વગર જેને જે કામ મળ્યું એ કરવા માંડ્યું.
એ વખતે શહેરોમાં માણસોની અછત હતી, શહેરને માણસો જોઈતા હતા એટલે જે ગયા એ બધાને નાનું-મોટું કામ મળવા માંડ્યું, જેમ જેમ કામ મળવાના સમાચાર વતન પહોચવા માંડ્યા એમ વતન તરફથી શહેર તરફ હિજરત વધવા માંડી.
બીજી બાજુ, જેની ફરજ છે આ કામ કરવાની છે એ સરકારે શું કર્યું? ગુજરાતના ડેમોની જે સિંચાઈ ક્ષમતા છે એના માંડ ૫૦% જેટલો જ ઉપયોગ થાય છે. નહેરો તૂટ્યા પછી ભાગ્યે જ રીપેર થાય છે, નર્મદાના નીર હજુ ખેતરો સુધી પુરા પહોચતા નથી. સિંચાઈ યોજનાઓનું પાણી ઉદ્યોગો તરફ વળાઈ રહ્યું છે, સિંચાઈ વિસ્તાર ઘટાડતો જાય છે. વિકાસની હરણફાળ પછી આજે પણ ગુજરાતમાં નહેરથી થતી સિંચાઈ ૨૫%ની આસપાસ જ છે, જે ૧૯૯૫મ હતી, કોઈ વધારો થયો નથી, નર્મદાનું પાણી આવ્યું તો સામે એટલું બીજું પાણી સરકાર બરાબર બાદ કરી લીધું છે. કુલ સિંચાઈ, તળાવો, ટ્યુબવેલો, કુવા અને નદીઓના પાણીથી થતી સિંચાઈ ઉમેરીએ તો ૪૮% છે. આટલા વરસોના વિકાસ પછી પણ ગુજરાતનો સિંચાઈ વિસ્તાર કેમ વધતો નથી એવો સવાલ આપના મનમાં આવતો જ નથી! વાસ્તવિકતાનો વિચાર કરવાને બદલે ઉલટા આપણે તો “ગુજરાતી એટલે મહાન વેપારી પ્રજા” અને “ગુજરાત એટલે નંબર-૧”ના નશામાં ઝૂમી રહ્યા છીએ. આપણી સ્થિતિ દેશમાં કેટલામાં નંબરે છે એ ખબર જ નથી, જાણી જોઈને નથી પડવા દેવાતી. વિકાસના નશામાં બરબાદીના રસ્તે સર-સરાટ દોડી રહ્યા છીએ, બરબાદીને જ વિકાસ માનીએ છીએ એટલા ‘રાજકીય અભણ’ લોકો છીએ આપણે!! રાજકારણ શું અને શેના માટે છે એ જ ખબર નથી, હઈશો-હઈશોને રાજકારણ સમજીએ છીએ..! રાજકારણ એટલે જનતાનું ભલું, અને જનતાનું ભલું એટલે સારી નિશાળો, સારા દવાખાના, સિંચાઈની બીજી માળખાકીય સગવડો, પરીવહનની સગવડો, નાગરિકોની સલામતી, તમામ નાગરિકોને ગૌરવપૂર્વક જીવવા માટે જરૂરી રોજગાર અને સલામતી સાચવવા માટે હોય છે એ જ આપણે ખબર નથી. આપણને તો પોપટપાઠ ભણાવી દીધો કે, મારી નાતનો ને મારા ધર્મનો એટલે નેતા, એને ગમેતેમ કરી જીતાડવો એટલે રાજકારણ. પછી એ ભલેને ભૂખ ભેગા જ કરે..! એમાં લાયકાતનું ક્યાં કામ છે?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા