Monday, April 6, 2020

મરવાનીય ફુરસદ નથી ભાઈ...!


ઘણાને મોઢે સાંભળતા હતા, ‘હાલ તો મરવાનીય ફુરસદ નથી એટલું કામ છે’, એમાં ગામડે જવાની ક્યાં માંડો છો?? જઈને શું કાઢી લેવાનું? ખેતર સરખા કરાવીએ, નવી માટી નખાવીએ, ખાતર-દવા-બિયારણ, ભાગીયાને ઉપાડ, ખેતીમાં મૂડી નાખી નાખીને લેવાનું શું? એના કરતા અહી ધંધામાં રોકીએ તો બે પૈસા કમાઈએ..!
જેને મરવાનો ય ટાઇમ નહોતો એ અત્યારે જીવ બચાવવા ગામ/ખેતરે એકલા નવરાધૂપ બેઠા છે, માણસને માણસની બીક લાગે છે એવો સમય આવ્યો ત્યારે બે પૈસા રળી આપતા શહેરે તો રસ્તો દેખાડી જ દીધો ને?
હું વારંવાર કહું છું કે, ‘શહેર ગામડાને નથી નભાવતા, ગામડા શહેરને નભાવે છે.’ ‘શહેરની મૂડી ગામડાની ખેતીમાં નથી રોકાતી, ગામડાની ખેતીની મુડીથી શહેરમાં ઘર ખરીદાય છે, દુકાન ખરીદાય છે, વાહન ખરીદાય છે,’ એવા દાખલા વધારે છે! એકલા શહેરની કમાણી પર શહેરમાં બે પાંદડે થયેલા કેટલા?
ગામડેથી આવતું અનાજ-કઠોળ-શાકભાજી-ઘી બંધ કરીને જોઈ લો શહેરમાં કેટલી બચત થાય છે?
દરેકને પોતાના સંતાનોની ‘બાંધી મુઠી લાખની’ રાખવી છે એટલે કોઈ આંકડા આપતા નથી, મેં ઘણાને વિનંતી કરી જોઈ કે એક/બે/ત્રણ વર્ષનો હિસાબ રાખો કે તમે,
૧.  ગામડેથી શહેરમાં કેટલા ઘઉં, કઠોળ, ઘી, શાકભાજી મોકલ્યા, એની બજાર કિંમત કેટલી થાય?
૨.  કપાસ-મગફળી કે બીજી સીઝન વીત્યે કેટલા રોકડા મોકલ્યા?
૩.  પાક-ધિરાણ પૈકી કેટલી રકમ ખેતીમાં વાપરી અને કેટલી રકમ શહેરમાં મોકલી?
૪.  એ ઉપરાંત જે કોઈ વસ્તુ મોકલો એનું નામ અને બજાર કિંમત લખી રાખો,
આખા વર્ષનો સરવાળો કરો, સાથે સાથે,
૧.  સંતાનોએ શહેરમાંથી શું-શું મોકલ્યું? નવું/જુનું ટી.વી., વોશિંગ મશીન, એની કિંમત કેટલી?
૨.  કેટલા રોકડા પાછા મોકલ્યા?
મોકલેલી વસ્તુઓની રકમમાંથી આવેલી વસ્તુઓની રકમ બાદ કરી લો, ૩ વર્ષ સુધી હિસાબ રાખો, ખેતી શહેરને નભાવે છે કે શહેર ખેતીને નભાવે છે એનો પાકો હિસાબ મળી જશે.
આપણી સહુની ‘તમાચા મારીને ગાલ લાલ રાખવા’ની ટેવ હોય કે ‘બાંધી મુઠી લાખની રાખવાની ટેવ’ને કારણે દરેકને કહેવાની તક મળી કે “શહેર ખેતી-ગામડાને નભાવે છે, ખેતીમાં શું લેવાનું છે?” હકીકત ઉલટી છે પરંતુ સાબિત કરી શકાતું નથી, કારણ, દરેકને પોતાના સંતાનોની મુઠ્ઠી બાંધેલી રાખવી છે?
હાલ જીવ બચાવવાના હવાતિયા મારતા નિરાંતે બેઠા છો તો થોડું શાંતિતી વિચારી લો કે:
૧.  ખેતીમાં થોડું વધારે ધ્યાન આપીએ, થોડું મૂડી રોકાણ કરવામાં માવતરને મદદ કરીએ,
૨.  સરકારની રાહ જોવા કરતા ખુદ પાણી બચાવવા-સંઘરવાની સગવડો વધારવામાં મદદ કરીએ,
૩.  પોતાના પાકને કાચો એપીએમસીમાં વેચવા કરતા, એની કિંમત વધે એવા ઉપાયો સુઝાડીએ, ગયા રહીએ છીએ ત્યાં શહેરમાં એના માટે બઝાર ઉભું કરીએ,
૪.  પોતાના ખેતર-ગામમાં પાકતા મુખ્ય પાકોના પેકેજીંગ અને બજાર વ્યવસ્થા ગોઠવવાનું વિચારીએ,
૫.  ગામમાં એગ્રો યુનિટ/સહકારી મંડળી/ઉત્પાદક કંપનીઓ ઉભી કરવામાં અને સંચાલનમાં મદદ કરીએ,
૬.  દર-મહીને શહેરની ભાગદોડમાંથી ૪-૫ દિવસ સળંગ ગામમાં રહેવાનું ગોઠવીએ, આપણા વગર શહેર ચાલશે, અત્યારે ચાલે જ છે, મારા વગર શું થશે એવા ભ્રમમાંથી નીકળી જવાની તક છે!
૭.  પછીની પેઢીનો ગામ, ખેતર સાથે સંબંધ વધારીએ, નહિતર હાલની પેઢી ગયા પછી ખેતર નોંધારા થઇ જશે, નવી પેઢીને લાગણીનું જોડાણ નહી હોય તો વેચીને તરત રોકડા ગણી લેશે!
ફરી વિનંતી, નામ અને ગામ ખાનગી રાખવાની પૂરી ખાતરી, જરૂર હોય તો લેખિત આપીને પણ, છે કોઈ તૈયાર જે ગામડેથી શું લઇ ગયા અને ગામડે શું મોકલ્યું એનો ઈમાનદાર હિસાબ ૩ વર્ષનો રાખી શકે? જો ખેતીને ‘સબસીડી ઉપર જીવતી,’ ‘ખોટનો વેપાર’ અને ‘કોઈને કરવી નથી’ એવું કહેવાવાળાઓને જડબાતોડ જવાબ આપવો હોય તો આંકડા જોઈએ, એ તો તમારે જ આપવા પડે, હું તો મહેનત કરી શકું.
આ મહામારીએ સાબિત કર્યું છે કે “ખેતી અને પશુપાલન જ શાશ્વત ધંધા છે, જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી એ ધંધા ચાલવાના જ છે.” પેટ્રોલ-કેમિકલ-રમકડા-ઈલેક્ટ્રોનિક એમ દરેક વગર માણસ ચલાવી લેશે, દૂધ-અનાજ-કઠોળ-શાકભાજી વગર ના ચલાવી શક્યો છે, ના ચલાવી શકશે. એટલે વારંવાર કહું છું, જમીન છોડશો નહી, એકવાર પોતાની જમીન ઉપરથી પગ ઉઠી ગયો તો તમારા માટે દુનિયામાં ક્યાય પગ મુકવાની જગ્યા નથી એટલું લખી રાખો.
જાતે કરશો, આવડતી હશે તો ખેતી છે, જો આવડે જ નહી, બીજા પાસે જ કરાવવી હોય તો જ ખેતી ફજેતી છે.! ફજેતીથી બચવું હોય તો ખેતી તરફ વળો.!
સાગર રબારી,
પ્રમુખ, ખેડૂત એકતા મંચ.

No comments:

Post a Comment