Wednesday, April 15, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૭)


પરંપરાગત વ્યવસાયો અને  રોજગાર:


દુનિયાના સૌથી જુના કોઈ વ્યવસાય હોય જેમાં માણસને રોજગારી મળ્યો હોય તો એ છે ખેતી, પશુપાલન, જંગલ પેદાશો અને માછીમારી. પહેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી એમાં મશીન માણસને કામમાં મદદરૂપ થયું, માણસનો શ્રમ મશીને હળવો કર્યો. એ પછી ક્રમશઃ મશીન સ્વચાલિત (ઓટોમેટીક) થવા માંડ્યા. મશીનનું સ્વચાલિત થવું એ રોજગારની દ્રષ્ટીએ માણસ માટે પડતીની શરૂઆત હતી. એ પછી કૃત્રિમ બુદ્ધિ Artificial intelligence)ની શોધ થઇ. મશીન અને કૃત્રિમ-બુદ્ધિના મિલનથી માણસ માટે રોજગારીની તકો ઘટવાની શરુઆત થઇ. દા.ત. ડ્રાઈવર વગરની બસ અને કાર ચાલવી, ડ્રોનથી માલ ઘર સુધી પહોચાડવો, કારખાનાઓમાં રોબોટનો વધતો ઉપયોગ, ઓનલાઈન વેપાર, ઓનલાઈન મેડીકલ અને કાનૂની સલાહ, અરે આઈટી ઇન્ડસ્ટ્રીમાં આઈટી એન્જીનીયરો માટે પણ બેરોજગાર થવાની નોબત આવવા માંડી. ભવિષ્યમાં આવનારી આ મોટી આફતોને ધ્યાનમાં રાખી થોડા વખત પહેલા વિશ્વ બેન્કે દુનિયાના દેશોમાં આવનારા વરસોમાં બે-રોજગારીનો દર શું હશે તેનો એક અભ્યાસ કરાવ્યો. જુદા જુદા દેશોમાં ઓટોમેશન અને  Artificial intelligenceને કારણે બેરોગરીના જુદા જુદા દરો ધ્યાનમાં આવ્યા. ભારત માટે એ અભ્યાસનું તારણ આવ્યું કે, આવનારા વર્ષોમાં, મશીનો અને કૃત્રિમ બુદ્ધિના વધતા વપરાશના કારણે ભારતમાં ૬૬% લોકો બે-રોજગાર હશે. એટલે કે, ૧૦૦માં ૬૬ બેરોજગાર!! આ વાત એકલી નોકરીની નથી, મોટા ઉદ્યોગગૃહો જેમ જેમ નાના વેપાર-ધંધાઓમાં આવતા જાય છે, દા.ત. મોટા મોટા શોપિંગ મોલ, ઘેર બેઠા પાર્સલથી સામાન પહોચાડતી વિશાળકાય કંપનીઓ, કારખાનાઓમાં રોબોટ અને સર્વિસ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિનો વપરાશ વધતો જાય છે તે નાના ધંધા અને નોકરીઓને ખાઈ જશે, ૧૦૦માંથી ૬૬ ને નવરા કરી દેશે. જો આમ થાય તો દેશની સ્થિતિ કેવી થાય? એમાંથી ઉગારવાનો આરો શું? વિશ્વબેન્કના અભ્યાસ પછીની ચિંતામાંથી ઉપાયો શોધવાની જે કસરત થઇ તેના તારણરૂપે વિશ્વબેંક પોતે (જે પહેલા વિકાસ કરવા માટે ઉદ્યોગો સ્થાપવાની, મૂડી રોકાણ કરવાની, જીડીપી વધારવાની, જમીનો સંપાદન કરવાની સલાહ આપતી હતી!!) તે હવે સલાહ આપે છે કે જી.ડી.પી., વિકાસ ભૂલી જાવ. કોઈ પણ સરકાર હોય, હવે દુનિયા સામે સૌથી મોટો પ્રશ્ન લોકોને રોજગાર આપવાનો, ખાલી (નવરા) હાથોને કામ આપવાનો છે.ઉદ્યોગોમાંથી નોકરીઓ ઉગવાની નથી. હવે ધંધા રોજગાર માટે દુનિયાના સૌથી જુના, પરંપરાગત ધંધા ખેતી, પશુપાલન, માછીમારી અને જંગલો માં મૂડી રોકાણ કરો, લોકોને કામ એમાંથી મળશે.
ધરતીનો છેડો ઘર જેવી વાત છે, વિકાસ માટે ઔદ્યોગીકરણની સલાહ આપી આપીને જમીન-પાણી-ખનીજો પડાવી લીધા, એમની સલાહ માનીને આપણે વિકાસ પાછળ દોટ મૂકી હતી. એની જ સલાહ માનીને જ ગામડા બરબાદ કર્યા. હવે પાછા ગામડે જવાનો વારો આવ્યો! સવારનો ભૂલ્યો સાંજે ઘેર પાછો આવે તો એ ભૂલ્યો નથી કહેવાતો, એમ જ સમયસર પાછા વળી જઈએ. આપણા ગામના પાક પ્રમાણે એમાંથી પાકો માલ બનાવવા માટેના ખેતી આધારિત ઉદ્યોગો, સહકારી મંડળી કે ઉત્પાદક કંપની બનાવીને ઉભા કરીએ. આપણી ખેત ઉપજના વધારે ભાવ ઉપજશે, જેની પાસે જમીન નથી કે ઓછી છે તેમને રોજગાર આપી શકાશે. આપણી ખેત ઉપજ કાચી વેચવાને બદલે તૈયાર ઉત્પાદન, પેકિંગ કરીને વેચીએ, ખેતરથી ગ્રાહક સુધીની શ્રુંખલા (ચેઈન) ઉભી કરીએ. ગામથી બહાર શહેર, બીજા રાજ્યો અને વિદેશમાં નિકાસ કરીએ, ખુબ તગડો નફો થશે, આજે જેના ૫/- રૂપિયે કિલો ઉપજાવતા ફાંફા પડે છે એના ૧૦૦/- રૂપિયા ઉપજશે.
જે કામ વેપારી કરી શકે એ કામ ખેડૂતના ભણેલા દીકરા/દીકરી કેમ ના કરી શકે? આપણે શહેરમાં જઈને નાની નાની દુકાનો કે નાના કારખાના કરવાનું વિચારીએ છીએ, ખેતીની મૂડી એમાં નાખીએ છીએ, તો ગામમાં શહેર કરતા મોટો ખેતી-પશુપાલન આધારિત ઉદ્યોગ કેમ ના ચલાવી શકીએ? સવાલ માનસિકતાનો છે, તક નો નહિ. આપણ મનમાં શહેર પ્રત્યે એક અહોભાવ છે, શહેરના લોકો એટલે સુધારેલા, હોંશિયાર અને સુખી અને ગામડાના લોકો એટલે અભણ, ઓછી બુદ્ધિ, ગરીબ એવો ભ્રમ આપના મનમાં છે! શહેર એટલે સગવડો અને ગામડું એટલે અગવડો એવું સ્વીકારી લીધું છે. શહેરમાં જે છે એ જ સગવડો મારા ગામને સરકાર કેમ ના આપે એવો સવાલ કડી આપણા મનમાં ઉભો જ નથી થતો. આને જ ગુલામીની માનસિકતા કહેવાય છે, પોતાના વિષે હીનભાવ અને બીજા પ્રત્યે બિનજરૂરી અહોભાવ એ જ ગુલામ માનસિકતા..!
આપણે ભૂલી ગયા છીએ કે આજે માનવ સમાજ જ્યાં ઉભો છે એના પાયામાં ગામડું અને ખેતી છે. ભલે ચંદ્ર કે મંગળ પર પહોંચ્યા, એનો પાયો ગામડું અને ગામડિયા લોકો છે! આઝાદી આંદોલનના કેટલા નેતાઓ શહેરમાં જન્મ્યા અને ભણ્યા હતા? આજે શહેરોમાં જે મોટા ડોકટરો, એન્જીનીયરો, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ છે, રાજનેતાઓ, મોટાભાગના આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધિકારીઓનું મૂળ ગામડું છે, એમનો જન્મ અને ભણતર થયા છે ગામડામાં. તટસ્થ તપાસ કરો મારી વાત સાચી લાગશે. જેનામાં  ક્ષમતા છે એને મર્યાદાઓ બાંધી નથી શક્તિ. એ શહેરોમાં કેમ ગયા, શહેરોમાં જે હતું એ ગામડા સુધી કેમ ના લાવી શક્યા? એના મૂળમાં ગામડા પ્રત્યેનો છૂપો હીનભાવ અને શહેર પ્રત્યેનો અહોભાવ પડેલો છે એટલે શહેરની સુવિધાઓને પોતાના ગામ સુધી ખેંચી લાવવાના બદલે પોતે શહેર તરફ ખેંચાઈ ગયા. આ ઉછીની બુદ્ધી ને આવડતના બળે શહેરો વધારે ને વધારે મજબુત થતા ગયા ને ગામડાને ચૂસતા ગયા. શહેરોની આબાદી/સમૃદ્ધિ ગામડાના પરસેવા ને લોહીને આભારી છે એમ કહો તો ખોટું નહી! આવા આવડત/ક્ષમતાવાળા લોકો માટે વતનની માટીનું ઋણ ચુકવવાની આ તક છે, ઘણાએ ચુકવવાની કોશિશ કરી છે, જે બાકી છે એ કરે તો ગામડામાં રોજગાર કે સમૃદ્ધિનો કોઈ પર નહી રહે.
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

No comments:

Post a Comment