ખેતી ખરેખર ખોટનો વેપાર છે?
‘ખેતી ખોટનો
વેપાર છે’, ‘ખેતી સબસીડી ઉપર જીવે છે.’ આવું બોલવાની આજકાલ ફેશન થઇ ગઈ છે. આવું
બોલતા કોઈને સાંભળું ત્યારે એક ગામઠી કહેવત યાદ આવી જાય છે; “મોર કળા કરે ત્યારે
રૂપાળો તો આગળથી દેખાય, પાછળથી જોનારને તો ઉઘાડો જ દેખાય.” આ કહેવત જે લોકો
જાણ્યા-સમજ્યા વગર, અભ્યાસ કર્યા વગર અભિપ્રાય આપતા હોય એમને બિલકુલ બંધ બેસતી છે.
એમની વાતો એમની બુદ્ધિ ને સમજણનું સ્તર ખુલ્લું કરતી હોય છે!! પરંતુ, ખરેખર ખેતી
ખોટનો વેપાર અને ખેતી સબસીડી ઉપર જીવે છે, એ વાત સાચી છે? ના, હરગીજ નહી.
ખેતી ખોટનો વેપાર?: ખેતી જો ખરેખર ખોટનો વેપાર હોય તો દુનિયાની મોટી મોટી કંપનીઓ
ખેતી-ઉપજના ધંધામાં શા માટે પડે? લેટીન અમેરિકા અને દક્ષીણ આફ્રિકાના દેશોમાં
હજારો હેક્ટર ખેતીની જમીન શા માટે રાખે? કારણ, ખેતી નફાનો ધંધો છે અને કાયમ નફાનો
ધંધો રહેવાનો છે. ખેડૂતને ખોટ એટલા માટે જાય છે કે એ મહેનત કરી ને સીધો એપીએમસીના
વેપારીના ઓટલે ઢગલો કરી આવે છે, પોતે બજાર શોધતો નથી, કંપનીઓ નફો એટલા માટે કરે છે
કે ખેડૂતે પકવેલો માલ એ ગ્રાહક સુધી પહોચાડે છે અને વચ્ચેનો નફો રળે છે. અથવા એમને
જ્યાં કોન્ટ્રાકટથી ખેતી કરવી હોય કે જમીન રાખી હોય એનું ઉત્પાદન એ પોતે બજાર
શોધીને ગ્રાહકના હાથમા મુકે છે. કારણ, એની પાસે મૂડી છે એના બળે એ ઉત્પાદનની
સાફ-સફાઈ, એમાં મુલ્ય-વૃદ્ધિ અને આકર્ષક પેકિંગ, માલ સાચવવા માટે મોટા ગોડાઉન અને કોલ્ડ
સ્ટોરેજ જેવી માળખાકીય સગવડો છે. ખેડૂત પાસે મૂડી અને માળખાકીય સગવડોનો અભાવ છે.
ખેતી અને ખેડૂત માટે જરૂરી માળખાકીય સગવડો આપવાની જવાબદારી સરકારોની હતી પરંતુ,
ખેડૂતોએ કયારેય સરકારો પાસે માળખાકીય સગવડો માગી નહી અને સરકારો ને તો એ જ જોઈતું
હતું. તમે રમતનાં સાધનો માટે, માતાના મઢ માટે. સમાજની વાડી માટે પૈસા માગો તો આપશે.
પરંતુ, ખેત ઉપજનો પાકો માલ બનાવવાની મશીનરી માટે પૈસા માગો તો નહિ આપે! કારણ? કારણ
એટલું જ કે તો પછી તમે જમીન વેચો નહી. તમારી જમીન વેચાવવા માટે જ તો સિંચાઈની
સગવડો નથી વધારતા, પાક-વીમાના પૈસા નથી ચુક્વાતા, ઉપજના ભાવ નથી અપાવતા!! ખેતીને
સરકારોએ ખોટનો વેપાર જાણી-જોઇને બનાવ્યો છે. તમે થાકો-હારો ને જમીન વેચો તો
કંપનીઓને હજારો એકર જમીન મળે. થોડી તપાસ જાતે કરો, વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડો
રૂપિયાના મૂડી-રોકાણો જાહેર કરી પાણીના ભાવે સરકાર પાસેથી હજારો એકર જમીન લેનારા
ઉદ્યોગોએ કેટલા એકરમાં કારખાના બનાવ્યા, કેટલા લોકોને રોજગાર આપ્યો અને કેટલા
એકરમાં ખેતી કરવા માંડ્યા? ગુજરાતના મોટા ખેડૂતો કોણ છે એની તપાસ કરી જોજો. જો
ખેતી ખોટનો ધંધો હોય તો એ બધા કારખાનાઓને નામે ખેતી કેમ કરવા માંડ્યા? નેતાઓના
ભાષણના ભરોશે ના રહેશો, જરા જાત-તપાસ પણ કરતા રહો.
ખેતી સબસીડી ઉપર જીવે છે?: આવું કહેવાવાળાઓ ક્યારેય રાજ્ય કે કેન્દ્ર સરકારના બજેટનો અભ્યાસ
કરીને બોલે છે? ના. માત્ર જેના ટુકડા ઉપર જીવે છે એની વાત વહેતી કરે છે. માત્ર એક
સાદી વાત સમજી લો. કોઈ પણ બજેટમાં ખેતી અને સંલગ્ન સેવાઓ માટે કેટલી રકમ ફાળવી અને
એમાં કેટલા લોકોને રોજગારી મળે છે એનો ભાગાકાર કરી લો. સામી બાજુએ, ઉદ્યોગોને
કેટલી રકમ સીધી ફાળવાઈ, કેટલી વેરા રાહતો અપાઈ, જમીન-પાણી-વીજળીમાં-આયાત-નિકાસમાં
કેટલી રહતો અપાઈ તેનો સરવાળો કરો અને ઉદ્યોગોમાં રોજગાર મેળવનારા લોકો વડે ભાગાકાર
કરી લો. બંને રકમ જોઈ લો, માથાદીઠ કોને વધારે સબસીડી અપાય છે? દરેક બજેટને ખેતી
અને ગામડાલક્ષી એટલા માટે કહેવાય છે કે ખેડૂતો અને ગામડાના મત ચૂંટણી વખતે લેવાના
છે. બાકી, મોટેભાગે કેન્દ્રના બજેટના ૨%ની આસપાસની રકમ ખેતી માટે ફાળવાય છે અને
ગુજરાતના બજેટની ૪.૫%ની આસપાસની રકમ ખેતી માટે ફાળવાય છે. હા, યાદ રાખો, ખેતીમાં
૬૫% વસ્તી રોકાયેલી છે એને ૨ અને ૪ % રકમ ફાળવી ને બજેટને ખેતી અને ગામડાલક્ષી
કહેવાની સાથે સાથે સબસીડી ઉપર જીવતા હોવાની ગાળ અપાય છે. અને, આપણે ભોળાભાવે માની
લઈએ છીએ! ખરેખર તો ઉદ્યોગો અને શહેરો ખેતી અને ગામડાના ટુકડા ઉપર નભે છે, ખેતી
કોઈના ટુકડા ઉપર નભતી નથી.
વારંવાર કહીએ છીએ કે,
‘શહેર ગામડાને નથી નભાવતા, ગામડા શહેરને
નભાવે છે.’ ‘શહેરની મૂડી ગામડાની ખેતીમાં નથી રોકાતી, ગામડાની ખેતી-પશુપાલનની
મુડીથી શહેરમાં ઘર, દુકાન, વાહન ખરીદાય’ એવા દાખલા વધારે છે! ગામડાની મૂડી શહેરના બજારોમાં તેજી-મંદી લાવે
છે. એકલા શહેરની કમાણી પર શહેરમાં બે પાંદડે થયેલા કેટલા?
-
ગામડેથી આવતું અનાજ-કઠોળ-શાકભાજી-ઘી
બંધ કરીને જોઈ લો શહેરમાં કેટલી બચત થાય છે?
-
પોતાની જાણકારી માટે પણ એક/બે/ત્રણ
વર્ષનો હિસાબ રાખો કે તમે,
૧. ગામડેથી શહેરમાં કેટલા ઘઉં, કઠોળ, ઘી, શાકભાજી મોકલ્યા, એની બજાર કિંમત
કેટલી થાય?
૨. કપાસ-મગફળી કે બીજી સીઝન
વીત્યે કેટલા રોકડા મોકલ્યા?
૩. પાક-ધિરાણ પૈકી કેટલી રકમ
ખેતીમાં વાપરી અને કેટલી રકમ શહેરમાં મોકલી?
૪. એ ઉપરાંત જે કોઈ વસ્તુ
મોકલો એનું નામ અને બજાર કિંમત લખી રાખો,
આખા વર્ષનો સરવાળો કરો, સાથે સાથે,
૧. શહેરમાંથી શું-શું ગામડે આવ્યું? નવું/જુનું
ટી.વી., વોશિંગ મશીન, મિક્ષ્ચર, એની કિંમત કેટલી?
૨. કેટલા રોકડા પાછા મોકલ્યા?
મોકલેલી વસ્તુઓની રકમમાંથી આવેલી વસ્તુઓની રકમ બાદ કરી લો, ૩ વર્ષ સુધી
હિસાબ રાખો, ખેતી શહેરને નભાવે છે કે શહેર ખેતીને નભાવે છે એનો પાકો હિસાબ મળી
જશે.
આપણી સહુની ‘તમાચા મારીને ગાલ લાલ રાખવા’ની ટેવ હોય કે ‘બાંધી મુઠી
લાખની રાખવાની ટેવ’ને કારણે દરેકને કહેવાની તક મળી કે “શહેર ખેતી-ગામડાને નભાવે છે, ખેતીમાં શું
લેવાનું છે?” હકીકત ઉલટી છે. પરંતુ, સાબિત કરી શકાતું નથી, કારણ, આપણે ઘરની વાત
ઘરમાં રાખવી છે!!
દુનિયાના શાશ્વત સંસાધનો, જમીન અને પાણી પડાવી લેવા માટે આપણને ખોટ
કરાવવાની સાથે સાથે બદનામ પણ કરે છે! આપણે સહુથી પહેલા તો ગુલામ/દબાયેલી/ગરીબીની
માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે.
-
સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...
No comments:
Post a Comment