Sunday, April 12, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૪)


પાછા શહેર જાઓ તો શું ભવિષ્ય છે?

   કોરોનાની આપદા તો કાલ ટળી જશે ને આવનારા પાછા શહેરની વાટ પકડશે. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ વખતે શહેરમાં જઈને ફરી ધંધા-ધાપા ગોઠવવા કે જે લોકો ખાનગી નોકરીઓ મુકીને આવ્યા છે એમને પાછી બીજી નોકરીઓ શોધવી એટલી સહેલી છે?” હરગીજ નથી. જે મજૂરો મો માંગ્યા ભાડા ચૂકવીને, કે પછી ઢોરની જેમ જે વાહન મળ્યું એમાં ભરાઈને કે નાછૂટકે સેંકડો કિલોમીટર ચાલતા પોતાના વતનની વાટ પકડી છે એ એટલા જલ્દી પાછા આવશે? મંદીના માહોલમાં જે થોડી-ઘણી મુડી હાથ ઉપર હતી તે વાપરીને બેઠા છીએ, નવી મૂડી ક્યાંથી આવશે? મૂડી અને મજુર, આ બે ધંધાના પાયા છે, બંને પાયા ડગમગતા હોય તો ગાડી કેવી ને કેટલું ચાલશે?
-     જે નોકરી મુકીને આવ્યા છે એમનું શું? નવી નોકરી કે બંધ પડેલા ધંધા ચાલુ થાય ત્યાં સુધી કેવી રીતે ટકશો? હવે શહેરમાં જઈએ તોય જલ્દી ‘બોરડી બે પાંદડે’ થાય એવું લાગતું નથી..!
-     પાછા જઈશું ત્યારે દીકરા-દીકરીની શાળાના સંચાલકો ફીની વા જોઇને જ ઉભા હશે, બાઈક/ગાડી/ઘરનો હપતો માથે ઉભો હશે, લાઈટ બીલ/મકાન વેરો, કેટ કેટલા બીલો બંધ બારણા નીચેથી આવીને વાટ જોતા પડ્યા હશે? મને નથી લાગતું કે આ વખતે શહેરમાં જઈને ઝટ બેઠા થવાય!
-     હાલ સમય મળ્યો છે તો થોડા લેખાં-જોખાં લઈએ, ગામ છોડીને શું પામ્યા, શું ખોયું? શેને માટે ગામ છોડ્યું હતું? જે કારણથી ગામ છોડ્યું હતું એનું આટલા વરસે નિરાકરણ થયું છે કે નહિ? ‘વિકાસ’ની વાતો વચ્ચે ગામમાં આટલા વરસે પાણીના તળ ઊંચા આવ્યા છે? જે પકવતા હતા અને આજેય પકવીએ છીએ એના ભાવમાં કેટલો અને કેવો વધારો થયો છે? ગામ છોડ્યું ત્યારે ઘરની, સરેરાશ વરસમાં જે આવક હતી એટલી જ છે કે વધી છે? ગામમાં એસટીની બસ, નિશાળ, દવાખાના જેવી સગવડો વધી છે? ગામની સહકારી મંડળી આજેય પહેલા જે કરતી હતી એ જ કરે છે કે કંઈ નવું કરે છે?
-     જો પરિસ્થિતિ સુધરી હોય તો સારું જ છે, તો તો ગામ રહેવાલાયક બન્યું છે. જો બગડી છે કે ચાલતું હતું એમ જ ચાલે છે તો એના માટે કોણ જવાબદાર? તટસ્થભાવે જાતનું, ગામનું મુલ્યાંકન કરવાનો આ સમય છે. જવાબ પોતાના આત્માને આપવાનો છે, પારકાની પરીક્ષામાં પાસ થવાનું નથી. ઈમાનદારીથી, જાતનું, ગામનું, પરિસ્થિતિનું, પોતાની પ્રગતિ/અધોગતીનું અને એના માટે જવાબદાર કોણ એનો વિચાર કરવાનો સમય મળ્યો છે. પોતે પહેલેથી જ ધારણા બાંધી લીધી હોય તો એને સાચી સાબિત કરવા માટે ખોટી દલીલો શોધીએ એને આત્મચિંતન ના કહેવાય, જાતને છેતરી કહેવાય દોસ્ત. જગતને છેતરવું સહેલું છે, જાત(અંતરાત્મા)ને છેતરવી અઘરી છે. હા એના માટે અંતરાત્મા જીવતો હોવો જોઈએ. જેનો અંતરાત્મા જ મારી પરવાર્યો હોય એના માટે તો જગત આખું મરી પરવાર્યા બરાબર છે. એટલે, આ તસ્દી એમણે જ લેવી જેનો અંતરાત્મા જીવતો હોય!!
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

No comments:

Post a Comment