Sunday, December 30, 2018

પત્રકારત્વ 'પેટિયું' રળવાનું માધ્યમ માત્ર જ નથી...


નર્મદ અને મેઘાણી ય પત્રકાર હતા, ગુજરાતની એ પરંપરા આમ તો થોડી ઉજળી કહી શકાય એવી. હર એક  કામમાં ઉતાર -ચડાવ આવવા સહજ છે એમ જ પત્રકારત્વમાં પણ થયું. પણ, સૌ 'નામુ' નથી નંખાયી ગયું એનો અહેસાસ વચ્ચે વચ્ચે કેટલાક પત્રકાર મિત્રો કરાવતા રહે છે. અહીં નામોલ્લેખ એટલા વાસ્તે ટાળું છું કે બધા જ "પત્રકારો"ને ઓળખાવાનો હું દાવો ના કરી શકું અને કોઈ સાચો 'પત્રકાર' રહી જાય એ ઇચ્છવા યોગ્ય નથી.

ઇલેક્ટ્રોનિક મીડિયાના ગ્લેમરમાં ઘણીવાર 'પત્રકાર' ખોવાયાનો ભાસ થતો એમાં હમણાં હમણાં વેબ-પોર્ટલના માધ્યમથી જે વાંચવા મળે છે એ જાણી સવાલ થાય કે જો "વગદારો"ના જ હાથમાં પ્રસાર માધ્યમો રહ્યા હોત તો આ બધું  સામે આવી શકત ખરું? કોઈ પ્રકાશક છાપવા તૈયાર થાત ખરો?

નજર સામેની સ્થિતિ, પડદા પાછળની હકીકતો અને પરિણામો/દુષ્પરિણામોની જાણકારી છતાં કશું ના કરી શકવાની પીડા, બાળપણના સંઘર્ષો પછી વ્યવસાયિક સંઘર્ષો, ધીરે ધીરે મરતી સંવેદનાઓ, આ બધું પીડાયક હોય છે. જાણવા છતાં બોલી પણ ના શકવાની મજબુરીની વ્યથા કોને કહે? તો સામે પક્ષે લોકો/સમાજની પત્રકાર પાસેની અપેક્ષાઓનો ભાર!

છતા, અપેક્ષાઓના ભાર અને કંઈ ના કરી શકવાની મજબૂરી વચ્ચે પણ માર્ગ કાઢવાની મથામણ જ કોઈ સુખદ સમાધાન તરફ નહીં તો લોક જાગૃતિ તો ચોક્કસ લાવે છે. આઝાદી આવતા ઘણા વર્ષો લાગ્યા હતા, ક્રાંતિની વાતો ઇન્સ્ટન્ટ હોય છે, ક્રાંતિ નહીં. પરિવર્તન સમય માંગે છે તો સામે પીડા આપે છે.

પંડે પીડા વેઠીને પણ 'પત્રકાર' બની રહેવા બદલ, પત્રકારત્વની મશાલ જલતી રાખવા બદલ સલામ દોસ્તો...

- સાગર રબારી

Thursday, December 27, 2018

ખેડૂતની દેણા માફીમાંએ અદેખાઈ...!

ચારેબાજુએથી ભીંસાયેલા ખેડૂતો પર ચૂંટણીના સમયે રાજકીય પક્ષો મહેરબાન થાય, સઘળા મતદારોની જેમ સૌથી મોટા મતદાતા વર્ગ એવા ખેડૂતની સૌથી મુંઝવતી સમસ્યા કહો કે લાચારી, લીધેલા કરજ ચૂકવવાનો વેંત ના હોવો એને ઉજાગર કરે...

વચનોની લાલચે લૂંટાતો સમાજ ખેડૂતને કોઈ થોડી રાહત આપે  એય નથી જોઈ શકતો, 'જેનું અન્ન ખાય એનું જ ખોદે' કહેવત જેવો ઘાટ કરી મૂકે.

ગુજરાતનો ખેડૂત છેલ્લા અહેવાલ પ્રમાણે, 82608 કરોડ (47318 કરોડનું પાક ધિરાણ અને 35290 કરોડના મુદ્દતી ધિરાણ)ના દેવામાં ફસાયેલો છે. છેલ્લા 4 વર્ષથી વરસાદના ઠેકાણા નથી, 22 વર્ષથી સત્તામાં બેઠેલો પક્ષ હજી ગુજરાતના પાક વિસ્તારના 99 લાખ હેક્ટરના 50% સુધીય સિંચાઈ પહોંચાડી શક્યો નથી, નર્મદાની નહેરો બાંધી શક્યો નથી, કલ્પસરને અભેરાઈ ચડાવી બેઠો છે, શિક્ષણ અને આરોગ્યનું ખાનગીકરણ કરી બેઠો છે એની મોકાણ માંડવાને બદલે ખેડૂતોને આપશો તો  "અર્થતંત્ર ડૂબી જાય" ની કાગારોળ કરી મેલે છે - જાણે એના બાપનાં સાતેય જહાજ મધદરિયે ડૂબી ગયા હોય એમ...

અને કહેવાતા અર્થશાસ્ત્રીઓ, મૂળે તો અનર્થશાસ્ત્રીઓ કે પછી મૂડીપતિઓ અને સત્તાધીશોની કૃપા ઝંખતા લાલચુઓ, સાગમટે અર્થતંત્રના મરશિયા ગાવા બેસી જશે. ગુજરાતના 48 લાખથી વધારે ખેડૂતોના 82,608 કરોડ માફ થાય કે આખા દેશના 80-85 કરોડ ખેડૂતોના 4 લાખ કરોડ માફ થાય તો એમની તો જાણે સાતેય પેઢી પાયમાલ થઇ ગઈ હોય એટલા મરશિયા ગાવા માંડે..!
એમની આવનારી પેઠીઓ ઉદ્યોગપતિઓને અપાતી દેવામાફી, રાહતો કે ગુજરાત સરકાર વીજળી કમ્પનીઓને વગર માંગે હજારો કરોડની રાહત આપે ત્યારે તો બરબાદ થઇ નથી જતી. ત્યારે તો જાણે એમને ઘેર ઘરડે ઘડપણ પારણું બંધાણું હોય એમ અર્થતંત્રની તેજીનાં લગનગીતો ગાવા માંડે છે. એમને વાંધો જ ખેડૂત/ગરીબ/જરૂરિયાતમંદ સામે છે. અમીરોને આપો તો એમને બટકું મળે, ગરીબ ખુદ ખાય કે એમને બટકું ધરે?

કેટલાક તો ઘરની લોન માફ કરાવવા, દુકાનની લોન માફ કરાવવાના ત્રાગા કરવા માંડે.

અરે અક્ક્લમઠાંઓ, ઈશ્વરે તમને બુદ્ધિ ના આપી એમાં ખેડૂત શું કરે? થોડું તો વિચારો...

  • વરસાદ પર ખેડૂતનો કાબુ છે?
  • બિયારણ, ખાતર, દવા, મજૂરીના ભાવ ખેડૂતના કાબુમાં છે?
  • વાતાવરણ - કુદરત ખેડૂતના કાબુમાં છે?
  • ઉત્પાદનના ભાવ નક્કી કરવા ખેડૂતના હાથમાં છે?
  • ખેડૂતને સસ્તી જમીન સરકાર આપે છે?


અને તમે જેના બટકે કુદો છો એમના તો..
  • વરસાદ પ્રમાણે એમનું ઉત્પાદન વધ-ઘટ થતું નથી,
  • એમની વપરાશની વસ્તુઓના વધતા ભાવ/ખર્ચ પ્રમાણે એ પોતે ભાવ નક્કી કરે છે,
  • એના ઠેકાણા સુધી સરકાર વીજળી-રોડ-પાણી 24 કલાકમાં પહોંચાડે છે,
  • એને ટેક્ષમાં રાહત આપે છે,
  • એને સરળતાથી લોન આપે છે,
  • એને નિકાસ પર સીધી સબસીડી આપે છે,
  • એને મફતના ભાવે, સસ્તા જમીન-પાણી સરકાર આપે છે,
  • અને સૌથી મોટું - ઉઠમણું કરવાની સગવડેય આપે છે - બેન્ક માંડવાળ કરે છે.


દર વર્ષે 80-85 કરોડ ખેડૂતો કરતા વધારે તો આ થોડાક હજાર ઉદ્યોગપતિઓ બજેટમાંથી લઇ જાય છે, પણ વાંચે તો ખબર પડેને? અકલેય જોઈએને ભાઈ?
એમને તો માવતર ખાનગી દવાખાને લૂંટાય ને છોકરાં  ખાનગી નિશાળે કુટાય તો વાંધો નહીં, ફિક્સ પગારે વૈતરું કરે તોય વાંધો નહીં. બસ, ખેડૂતનું દેવું માફ ના થવું જોઈએ કેમ અકક્લમઠાંઓ? 
- સાગર રબારી
પ્રમુખ, ગુજરાત ખેડૂત એકતા મંચ.