નર્મદ અને મેઘાણી ય પત્રકાર હતા, ગુજરાતની એ પરંપરા આમ તો થોડી ઉજળી કહી શકાય એવી. હર એક કામમાં ઉતાર -ચડાવ આવવા સહજ છે એમ જ પત્રકારત્વમાં પણ થયું. પણ, સૌ 'નામુ' નથી નંખાયી ગયું એનો અહેસાસ વચ્ચે વચ્ચે કેટલાક પત્રકાર મિત્રો કરાવતા રહે છે. અહીં નામોલ્લેખ એટલા વાસ્તે ટાળું છું કે બધા જ "પત્રકારો"ને ઓળખાવાનો હું દાવો ના કરી શકું અને કોઈ સાચો 'પત્રકાર' રહી જાય એ ઇચ્છવા યોગ્ય નથી.
ઇલેક્ટ્રોનિક મીડિયાના ગ્લેમરમાં ઘણીવાર 'પત્રકાર' ખોવાયાનો ભાસ થતો એમાં હમણાં હમણાં વેબ-પોર્ટલના માધ્યમથી જે વાંચવા મળે છે એ જાણી સવાલ થાય કે જો "વગદારો"ના જ હાથમાં પ્રસાર માધ્યમો રહ્યા હોત તો આ બધું સામે આવી શકત ખરું? કોઈ પ્રકાશક છાપવા તૈયાર થાત ખરો?
નજર સામેની સ્થિતિ, પડદા પાછળની હકીકતો અને પરિણામો/દુષ્પરિણામોની જાણકારી છતાં કશું ના કરી શકવાની પીડા, બાળપણના સંઘર્ષો પછી વ્યવસાયિક સંઘર્ષો, ધીરે ધીરે મરતી સંવેદનાઓ, આ બધું પીડાયક હોય છે. જાણવા છતાં બોલી પણ ના શકવાની મજબુરીની વ્યથા કોને કહે? તો સામે પક્ષે લોકો/સમાજની પત્રકાર પાસેની અપેક્ષાઓનો ભાર!
છતા, અપેક્ષાઓના ભાર અને કંઈ ના કરી શકવાની મજબૂરી વચ્ચે પણ માર્ગ કાઢવાની મથામણ જ કોઈ સુખદ સમાધાન તરફ નહીં તો લોક જાગૃતિ તો ચોક્કસ લાવે છે. આઝાદી આવતા ઘણા વર્ષો લાગ્યા હતા, ક્રાંતિની વાતો ઇન્સ્ટન્ટ હોય છે, ક્રાંતિ નહીં. પરિવર્તન સમય માંગે છે તો સામે પીડા આપે છે.
પંડે પીડા વેઠીને પણ 'પત્રકાર' બની રહેવા બદલ, પત્રકારત્વની મશાલ જલતી રાખવા બદલ સલામ દોસ્તો...
- સાગર રબારી
No comments:
Post a Comment