Thursday, February 28, 2019

ખેડૂત એકતા મંચ (ગુજરાત)
ખેત ભવન, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ-380027

જાહેર પત્ર
તા. 28 ફેબ્રુઆરી, 2019

પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
સચિવાલય, ગાંધીનગર।

વિષય: સર્વોચ્ય અદાલતનો આદેશ, રીવ્યુ પિટિશન અને ગુજરાતમાં આદિવાસીઓના સવાલો.

માનનીયશ્રી વિજયભાઈ,

સસ્નેહ નમસ્કાર.
તા. 26મીના અખબારોમાં સમાચાર આવ્યા કે સર્વોચ્ય અદાલતે જે આદિવાસીઓના જંગલ જમીન પરના દાવાઓ રદ થયા છે તેમને ખસેડવાનો હુકમ કર્યો તેની સામે સરકાર રીવ્યુ પિટિશન કરશે. જાણી આનંદ થયો, આનંદની સાથે જ આગામી ચૂંટણીનો ભાસ પણ થયો. કોર્ટમાં વકિલો હાજર રાખવાની તસ્દી ના લેનાર આપણે હુકમ જોઈને રાજકીય લાભાલાભની ગણતરીએ ઘાંઘા થયા. ખેર, રીવ્યુ પિટિશન માટે આપણે જે ત્વરિતતા દાખવી એવી ઝડપ આપણે 'પેસા એક્ટ'ના અમલીકરણમાં કેમ ના દાખવી શકયા? કેન્દ્ર સરકારે 2009માં 'પેસા એક્ટ'ના નિયમો બનાવવા કહ્યું તે છતાં ગુજરાત સરકારે 2017ની ચૂંટણીઓ સુધી કાયદાનું અમલીકરણ ના કર્યું. સામે વિધાનસભાની ચૂંટણી આવી એટલે 'પેસા એક્ટ' યાદ આવ્યો અને છેક 8 ફેબ્રુઆરી 2017ના રોજ 'પેસા એક્ટ'ના નિયમો ઘડ્યા. આટલા વર્ષ સુધી આદિવાસીઓને અન્યાય કોણે અને કેમ કર્યો એનો જવાબ કોણ આપશે?

ગુજરાતના આદિવાસીઓના રીવ્યુ પિટિશન ઉપરાંત બીજા કેટલાક સવાલો તાત્કાલિક ઉકેલ માંગે છે તેની પણ ચિંતા સરકાર કરે એવી વિનંતી છે.

  1. પેસા એક્ટનો અક્ષરશઃ અમલ કરવામાં આવે, આદિવાસી ગ્રામસભાઓને પુરા અધિકાર આપવામાં આવે. કેવડિયા ડેમની નીચેવાસ, ગરુડેશ્વ વિયર આસપાસના ગામોના આદિવાસીઓ પર જે રીતે પોલીસ કેસ અને અત્યાચારો થઇ રહ્યા છે તે તરત રોકાય. એમના વિકાસનું આયોજન કરતા પહેલા એમને વિશ્વાસમાં લેવાય.
  2. ગુજરાત સરકારના આદિવાસી વિભાગની (https://tribal.gujarat.gov.in/status-of-implementation, છેલ્લો ઉપડેટ, તા. 23 ફેબ્રુઆરી, 2019) વેબસાઈટ અનુસાર કુલ 1,82,869 અરજીઓ મળી હતી તે પૈકી માત્ર 73,921 (40.42%)નો જ સ્વીકાર થયો છે. 108,948 (આશરે 60%) અરજીઓ નામંજૂર થઇ છે, તેનું ગુજરાત સરકાર શું કરશે તેનો કોઈ ખુલાસો આવ્યો નથી. આ અરજીઓ તરત તટસ્થ રીતે ચકાસાય અને જંગલવાસીઓને ન્યાય મળે તે જોવા વિનંતી.
  3. જંગલ જમીન અધિકાર કાયદા અનુસાર જેટલી જમીન પર કબ્જો હોય એટલી અથવા વધુમાં વધુ 4 હેકટર જમીન આપવાની જોગવાઈ છે તેની સામે ગુજરાતમાં મંજૂર થયેલી અરજીઓની સરેરાશ જમીન ફાળવણી માત્ર 1.5 એકર (0.6 હેકટર) જ છે. આવું કેમ થયું તેની તપાસ થવી જોઈએ. 
  4. ગુજરાતમાં આદિવાસીઓને જમીન અધિકારને નામે માત્ર 'આદેશપત્ર' આપવામાં આવ્યો છે, ખેડૂત તરીકેનો અધિકાર નહીં. જંગલ જમીન પર ખેતી કરવા છતાં ખેડૂત તરીકે 7/12 નહીં મળવાથી સરકારની ધિરાણ, પાકવીમો કે બીજી કોઈ યોજનાઓનો લાભ લઇ શકતા નથી. આ તે કેવો આદિવાસી પ્રેમ છે?
  5. એવી જ રીતે સામુહિક વનઅધિકાર માટેની 7,224 અરજીઓ મળી હતી તે પૈકી માત્ર  4,597 (63.6%) અરજીઓ મંજૂર થઇ અને એમને સરેરાશ માત્ર 236 એકર (94.4 હેકટર) જમીન પર અધિકાર મળ્યો છે. જે 36.4 % અરજીઓ નામંજૂર થઇ તેમનું શું એ ગુજરાત સરકારે તરત કહેવું જોઈએ.
  6. સરદાર સરોવર ડેમનું કામ પૂરું થવા છતાં, ડેમની નીચેવાસ દાયકાઓ પહેલાં સંપાદિત થયેલી જમીન, 2013ના કાયદા અનુસાર એમને પરત કરવાને બદલે એક યા બીજા બહાને, વિકાસને નામે પડાવાઈ રહી છે તે તરત રોકી એ જમીન એમને પાછી આપવી જોઈએ.
  7. નર્મદા નદી અને કેનાલને કાંઠે વસતા આદિવાસીઓને આપણે  સિંચાઈ માટે પાણી આપી શકતા નથી. એમને સિંચાઇનું પાણી આપી શકીયે તો આપણી લાગણી દીપી ઉઠે.

આદિવાસીઓના સવાલોનો સંતોષકારક ઉકેલ થાય તો જ આદિવાસીઓને વિશ્વાસ બેસે કે સરકાર ખરેખર તેમની હિતેચ્છુ છે, નહિતર આખી વાત માત્ર ચૂંટણીના ગતકડાંમાં ખપી જશે.

આશા છે આદિવાસીઓના મૂળભૂત સવાલોના ઉકેલની દિશામાં ગુજરાત સરકાર ઘટતાં તમામ પગલાં તાત્કાલિક ભરશે

સકુશળતા ઈચ્છતો,
સાગર રબારી
પ્રમુખ