Friday, July 19, 2019

કરવા જેવું કામ: અભિનંદન



હું વ્યક્તિગત અને સંગઠનની રીતે ઘણા વખતથી માંગણી કરતો આવ્યો છું, આઈ.બી.ના લોકોને પણ વિગતે સમજાવતો રહ્યો છું. એવી એક માંગણી એટલે ખેડૂતોનું ઉત્પાદન રાખવા માટેના સરકારી ગોડાઉનો અને એ ગોડાઉનોમાં મુકેલા ખેડૂતના માલ પર બૅંકમાંથી સીધું નીચા વ્યાજનું ધિરાણ આપવાની વ્યવસ્થા.

બજારમાં જયારે ભાવો નીચા હોય ત્યારે પણ ખેડૂતે કા તો સાચવવાની સગવડના અભાવે કે પછી પૈસાની જરૂરતને કારણે પોતાનો માલ વેચી દેવો પડે છે. જો ખેડૂતને, વેપારીઓને મળે છે તેમ, પોતાના ઉત્પાદનની સામે નીચા વ્યાજનું ધિરાણ મળે તો ખેડૂત વેપારીઓના શોષણમાંથી બચી શકે. એટલા માટે આ કરવા જેવું કામ છે.

આમ કરવાથી....
1.   બજાર ભાવ નીચા હોય તો ખેડૂત પોતાનો માલ સાચવી શકે અને પૈસાની જરૂરિયાત પુરી થાય,
2.   માલ સાચવવાની સગવડ મળે તો સીઝન પછી વધેલા ભાવે ખેડૂત પોતાનો માલ વેચી વધારે નફો કમાઈ શકે.
3.   ખેડૂત વેપારીઓનો મોહતાઝ ના રહે,

ગઈકાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીઓની સમિતિની બેઠકમાં આ સૂચન મૂક્યું. એમને અભિનંદન. પરંતુ વાત સૂચન માત્રથી અટકી ના જાય અને રાષ્ટ્રીય કક્ષાએ એનો અમલ થાય એ જોવા વિનંતી.

માત્ર વાતો નહીં પરંતુ ગોડાઉનો બાંaધવા માટે પૂરતું બજેટ ફાળવવામાં આવે અને બેન્કોને "માલની રસીદ" સામે તાત્કાલિક ધિરાણ આપવાની સમયસર સૂચનાઓ આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો અવશ્ય થઇ શકે.
- સાગર રબારી.
ખેડૂત એકતા મંચ.

Wednesday, June 5, 2019

સાચો "વિશ્વ પર્યાવરણ દિવસ."


આપણ ખેડૂતોને તો રોજ પર્યાવરણ દિવસ: શહેરી ફેશનેબલો માટે આજે "વિશ્વ પર્યાવરણ દિવસ".

આજે મુખ્યમંત્રીશ્રી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી કહેતા રિવરફ્રન્ટ સાફ કરવા આવ્યા. તમાશાને તો તેડું ના હોય, તમાશો થઇ ગયો. તમાશા થકી એટલું તો સ્વીકાર્યું કે શહેરમાં જ સાબરમતી ગંદી છે. શહેરથી નીચેવાસના તો હાલ ના પૂછશો. નદી ગંદી કોના પાપે થઇ એ નહીં  પૂછવાનું. અધિકારીઓ ને નેતાઓ, સહુનો "વિકાસ" કરવો હોય તો નદી ગંદી થવા દેવી પડે, કમાણી તો જ થાય ભાઈ. પછી સફાઈના નામે "વિકાસ" કરવાનો, થયો ને સહુનો "વિકાસ"!

દુનિયામાં પર્યાવરણ રક્ષા માટે એક વિશેષ જોગવાઈ થઇ છે, દરેક દેશની વસ્તી ને વિસ્તાર પ્રમાણે, વિકાસની ગતિ પ્રમાણે એની "કાર્બન લિમિટ" નક્કી થઇ છે. જે દેશ એને મળેલી છૂટ કરતા ઓછો કાર્બન છોડે એ દેશ બચત "લિમિટ' બીજા દેશ, જેણે એની મર્યાદા કરતા વધારે કાર્બન છોડ્યો હોય તેને પોતાની કાર્બન લિમિટ વેચી શકે, ટૂંકમાં પૈસા કમાઈ શકે. અમેરિકા અને બીજા જે દેશો પોતાના જીવન ધોરણ સાથે બાંધછોડ કરવા નથી માંગતા તેમને ગરીબ દેશો, જે ઓછું પ્રદુષણ કરે તેમની પાસેથી કાર્બન ખરીદવો પડે. જે દેશ કાર્બન (પ્રદુષણ) ઓછું કરે તેને "વળતર" મળે. ઉદ્યોગોને પણ એ પ્રમાણે ઓછા પ્રદુષણ બદલ વળતર મળે.

આ જ બાબત ખેડૂતો સાથે જોડવા માટે લડત ચાલે છે. ખેડૂતો પ્રદુષણ કરતા નથી પરંતુ પોતાના વાવેતર થકી વાયુ-મંડળમાં ઓક્સિજનનો વધારો કરે છે. એટલે એ દ્રષ્ટિએ એમને, પાક પ્રમાણે, ગણતરી કરીને છોડેલા ઓક્સીજનનું વળતર મળવું જોઈએ. એનાથી ખેડૂતોને વધારે ઓક્સિજન પેદા કરતા પાકો વાવવા પ્રોત્સાહન મળે, શેઢા પાળે વધારે વૃક્ષો વાવે તેથી હવામાનમાં ઓક્સીજનનું પ્રમાણ ખુબ વધે.

ઓક્સીજનનું પ્રમાણ વધતા લોકોને શુદ્ધ હવા મળે, બીમારીઓ ઘટે, દવાખાનાના ખર્ચ ઘટે, સરકારને પણ ખર્ચ ઘટતાં ફાયદો થાય. અને, ખેડૂતોની આવક વધે તેથી ખેતીમાં થતું નુકસાન ઘટે, ખેતી ફાયદારૂપ થાય તો ખેડૂત બે પાંદડે થાય.

એટલે, આપણે માટે તો, જે દિવસે ખેડૂતને કાર્બન ક્રેડિટનું રોકડું વળતર મળતું થાય, આપણી આવક વધે એ દિવસે આપણો સાચો "વિશ્વ પર્યાવરણ દિવસ."

- સાગર રબારી,
પ્રમુખ,
ખેડૂત એકતા મંચ (ગુજરાત)

Sunday, May 12, 2019

ટેક્સ-પેયરોના પૈસા...!

પ્રિય ભાઈશ્રી,

આપની પોસ્ટના જવાબમાં ગઈ કાલે એક પોસ્ટ કરી હતી, આશા છે આપના સુધી પહોંચી હશે. થોડી વધુ વિગતો આ પ્રમાણે.

આપે ઇન્કમટેક્સ ભરતા કરદાતાઓના પૈસાના વેડફાટની વાત કરી હતી.  થોડા આંકડા જોઈ લઈએ તો...
દેશની કુલ વેરાની આવક: 22,71,241 કરોડ રૂપિયા (બજેટમાં અંદાજી.)
એમાં આવક વેરાની રકમ: 05,29,000 કરો9 રૂપિયા (બજેટમાં અંદાજી.)  કુલ આવકના 23.29 % થાય.
હવે જે બાકીની 76.71% આવક છે તેમાં જી.એસ.ટી.ની આવક (જે દેશનો દરેક નાગરિક ભરે છે - ખેડૂત ખરો જ) તે રકમ છે 7,43,900 કરોડ અંદાજિત, એટલે કે કુલ આવકના 32.75 % થાય. તમે જે કરદાતાઓ તરીકે છાજીયા લો છો તે બજેટ ઉપાડીને જોઈ લો. તમારા કરતા દેશનો સામાન્ય માણસ (ખેડૂત-મજુર) જે આડકતરી રીતે ઘણો વેરો ભરે છે તે ક્યારેય તમને શહેરમાં અપાતી સેવાઓ - રોડ-વીજળી-પાણી-દવાખાના-શાળાઓ-કોલેજો વગેરે પાછળ વપરાતા પૈસા માટે તમારી જેમ રો-કકળ કરતો નથી. ઉલટું, રાજી થાય છે. તમે ટેક્સ પેયરોં બજારમાં જાવ ત્યારે બજાર-વેરો ભરો છો? ખેડૂત તો એની ઉપજ વેચવા જાય ત્યારે, વસ્તુ વેચવા બદલ 'એપીએમસી સેસ' પણ ભરે છે.

હવે એ જાણો કે તમારે કકળાટ ક્યાં કરવો જોઈએ...
  1. જયારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની "ના" છતાં ગુજરાત સરકારે પાવર પ્લાન્ટોને વીજળીના ભાવ વધારી આપ્યા ત્યારે કેમ ટાઢાબોળ થઈને બેસી રહ્યા? એ બિલ તો દર બે મહિનો નીચી મૂંડીએ ભરી આવો છો!
  2. પાક-વીમામાં સરકાર ખેડૂતોને નામે કંપનીઓને, એરંડા જેવા પાકનું 60% પ્રીમિયમ આપે અને તોય કંપની પાસે દુષ્કાળમાં વળતર ના અપાવી શકે ત્યારે જાણવું કે ટેક્સના પૈસા સરકારે વેડફ્યા.
  3. જે કામો - શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, રોજગાર - માટે સરકારે વેરા ઉઘરાવે છે તેનું ખાનગીકરણ કરીને લોકોને "ફી" ભરતા કરી દે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  4. નહેરમાં ગાબડાં પડે ને ખેડૂતનો ઉભો પાક સુકાય ત્યારે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  5. રોડ પર ભુવા પડે ને લોકો ખાડામાં પડે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  6. ગામડામાં રોડ-રસ્તા-નિશાળ-દવાખાનું-સિંચાઇનું પાણી- કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉનોની સગવડ ના મળે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  7. પીવાના પાણીની લાઈનો પથરાય ને પાણી ના આવે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
  8. કૃષિ યુનિવર્સીટીઓ નવા સંશોધનો કરવામાં નિસ્ફળ જાય ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા. આ યાદી હજી લાંબી થઇ શકે, નથી કરતો.

તમારે ખેતી જ કરવી છે તો આવોને ભાગે કે ભાડે જમીન અપાવું. તમારી આવડત બતાવો. નફાકારક ખેતી કરી બતાવો. પેપ્સી-કોક તો ખેતીનો વેપાર કરીને નફો કરે છે. હું પણ કહું છું કે ખેત-ઉપજના વેપાર જેટલો નફાકારક ધંધો આ દુનિયામાં બીજો એકેય નથી, નફો શોષણમાંથી જન્મે અને શોષણ ખેડૂત કરતો નથી. તમે જે ટાર્ગેટ પુરા ના કરી શકવાના કારણે આપઘાત કરતા યુવાનોની વાત કરી, કે ફ્લેટ ધારકોની વાત કરી એ ગામડેથી જ ગયા છે.

એમને ગામડે નફાકારક ખેતી કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું હોત તો એ ગામડે મજા કરતા હોત, શહેરના ફ્લેટમાં ગુંગળાતા ના હોત, કે ટાર્ગેટ પૂરો કરી ના શકવાને કારણે આપઘાત કરતા ના હોત. 

એમને એ સ્થિતિમાં મુકનાર "તમારા ટેક્સના પૈસા" વેડફનારી સરકાર અને શોષણખોર કોર્પોરેટો છે. એમની રમતનાં પ્યાદા (બની બેઠેલા બૌધિકો) બદલાતા રહે છે, માલિક તો એ જ રહે છે.

ખેતીને ખોટનો ધંધો ગણતરીપૂર્વક બનાવવામાં આવે છે, સિંચાઈ ના આપવી, ભાવ ના આપવો, વિમાની રકમ ના આપવી, ગામમાં સારી નિશાળ ના આપવી, સારું દવાખાનું ના આપવું જેથી એ પોતાનું ગામ/ખેતી/જંગલ છોડીને નીકળી જાય તો "શાશ્વત સંસાધનો" - પાણી-જમીન-જંગલ-ખનીજો- ઉપર કબ્જો જમાવી શકાય અને પછી "મોનોપોલી માર્કેટમાં" કહેવાતા સુખી "ટેક્સ પેયરોં" ને ઘાણીએ પીલી/નીચોવી શકાય....

હા, ક્યારેક વખત મળે તો તમારા ટેક્સ પેયરોં અને ખેડૂતોના એન.પી.એ. (ટૂંકમાં ડૂબેલા કે ડુબાડેલા પૈસા)ની વાત પણ ક્યારેક કરીશ.

શુભેચ્છાઓ....
- સાગર રબારી.
પ્રમુખ, ખેડૂત એકતા મંચ


નોંધ: અહીં  બન્ને લિંક છે, જરા આંકડા જોઈ લેજો, વધારે જરૂર હોય તો નિઃસંકોચ કહેજો. 

Budget: https://www.indiabudget.gov.in/budget2018-2019/ub2018-19/rec/allrec.pdf

Income tax collection Source:  https://www.moneycontrol.com/news/business/economy/exclusive-total-direct-tax-collections-for-fy18-19-fall-short-by-rs-83000-crore-3749991.html

Monday, April 29, 2019

નર્મદાનું પાણી ક્યાં ખોવાયું?


તા. 29-4-2019

ખુલ્લો પત્ર

શ્રી વિજયભાઈ રૂપાણી,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય, સચિવાલય,
ગાંધીનગર.

વિષય: પાણીની અછત બાબત.
માનનીય મુખ્યમંત્રીશ્રી,
સસ્નેહ નમસ્કાર.
આ પત્ર રાજકીય પક્ષ-પક્ષીથી ઉપર ઉઠી જોવા વિનંતી, મારો કોઈ પક્ષ નથી, સિવાય, ગુજરાતના ખેડૂતો અને ગુજરાતનું હિત.

આપ જાણો છો કે પાણી - શિયાળે સિંચાઈ અને ઉનાળે પીવાના-ને લઈને હાલ પ્રિન્ટ, ઇલેક્ટરોનીક  અને સોસીઅલ મીડિયામાં સરકાર પર પસ્તાળ પડી રહી છે. સરકાર ઓછો વરસાદ અને નર્મદાના ઓછા પાણીનો બચાવ આગળ કરે છે જે લોકોના ગળે ઉતરતો નથી, કારણ, આંકડા કંઈક જુદું કહે છે.

આ વર્ષે ઓછા વરસાદની વાત કરીને આપણે ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી  15મી ફેબ્રુઆરીથી બન્ધ કરી દીધું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, જેમના માટે નર્મદા યોજના બની હતી તેમને શિયાળુ પાક બચાવવા માટે આંદોલન કરવાની ફરજ  પડી. જયારે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીના મહિનાવાર આંકડા કહે છે કે...
જુલાઈ 2018 :                 240.93
ઑગસ્ટ 2018 :               524.61
સપ્ટેમ્બર 2018 :         1588.80
ઓક્ટોબર 2018 :        1165.27
નવેમ્બર 2018 :             854.42
ડિસેમ્બર 2018 :            977.52
જાન્યુઆરી 2019 :         673.34
ફેબ્રુઆરી 2019 :            570.69
માર્ચ 2019 :                    920.92
એપ્રિલ 2019 :                354.73        (તારીખ 16 સુધી)
કુલ :                              7871.23        (પાણીના બધા આંકડા એમસીએમમાં છે.)

એટલે કે ગુજરાતને નર્મદામાંથી મળતા વાર્ષિક 90,00,000 એકર ફૂટ પૈકી 60, 38,127 એકર ફૂટ પાણી મળી ચૂક્યું છે. વધારામાં હાલ પણ મધ્યપ્રદેશમાંથી  પાણીની આવક ચાલુ છે, આજે  ડેમની સપાટી 119.50 મીટર છે, આજનો જથ્થો 1147 એમસીએમ એટલે કે 92,988 એકર ફૂટ છે, ડેમની સપાટી સતત વધી રહી છે.

ગુજરાતના ભાગે આટલું પાણી આવ્યું છે. બીજી બાજુ આપણે પુરા 17,92,000 હેક્ટરને સિંચાઈ આપવાને બદલે માત્ર 6,40,000 હેક્ટરને જ (એટલે કે લગભગ ત્રીજા ભાગને જ) સિંચાઈ આપીએ છીએ.

આમ, હિસાબ જોઈએ તો 90,00,000 એકર ફૂટ પાણીમાંથી 10,00,000 એકરફુટ પીવા અને ઉદ્યોગોનું બાદ કરીએ એટલે, 80,00,000 એકરફુટ પાણીથી આપણે 17,92,000 હેક્ટરને સિંચાઈ આપવાનું આયોજન કર્યું હતું. એ હિસાબે હાલના 6,40,000ને, બન્ને સીઝન પુરી સિંચાઈ આપવા માટે 28,57,142.8571 એકરફુટ પાણી વપરાય. આમ,
10,00,000 એકરફુટ પીવા અને ઉદ્યોગો માટે,
28,57,142 એકરફુટ સિંચાઈ માટે જોઈએ,
-------------------------------------------------
38,57,142 એકરફુટ કુલ પાણીની જરૂર પડે. એની સામે ગુજરાતને,
63,38,272 એકરફુટ પાણી મળ્યું, અત્યાર સુધીમાં,
24,81,130 એકરફુટ પાણી વધવું જોઈએ, તો ઘટ કેમ પડે છે??

બે બાબત નથી સમજાતી તે આપની પાસેથી ગુજરાતની જનતા જાણવા/ માંગે છે કે-
1. નર્મદામાંથી પીવાના હેતુ માટે તો 10,00,000 એકર ફૂટ પાણી જ વપરાય છે તો પછી બાકીનું પાણી ક્યાં જાય છેપીવાના પાણીની અછત કેમ?

2. સિંચાઇના પાણીની ઘટ કેવી રીતે ઉભી થઇ? શા માટે 15 ફેબ્રુઆરીએ પાણી બંધ કરવું પડ્યું?

આશા રાખું છું કે પાણીની બરબાદી અને સરકારની બદનામી રોકવા માટે, કરોડોના ખર્ચે નિભાવાતું નિગમ પાણીનો સાચો હિસાબ ગુજરાતની જનતા સામે રજૂ કરશે.

નર્મદાના પાણીનો પારદર્શી હિસાબ નહીં મુકાય ત્યાં સુધી સરકાર બદનામીથી બચી નહીં શકે. જનમાનસમાં સાચી કે ખોટી, હાલની સરકારની છાપ એવી છે કે ચૂંટાયેલી પાંખનો વહીવટી પાંખ પર કાબુ નથી. નર્મદાના પાણીનો સામાન્ય નાગરિક સમજી શકે એવો સાદો હિસાબ સરકારની શાખ સુધારી કે બગાડી શકશે.

પત્ર  લાંબો થયો છે, ગુજરાતના હિતની વાત છે, ક્ષમા કરશો.

લી
સાગર રબારી
નોંધ: હિસાબમાં કોઈ ભૂલ હોય તો ખુલ્લા દિલે સ્વીકારવા અને સમજવાની પુરી તૈયારી છે.

નકલ:
ચેરમેનશ્રી,
સરદાર સરોવર નર્મદા નિગમ,
બ્લોક ન. 12, સચિવાલય, ગાંધીનગર.

Monday, March 11, 2019

કલ્પસર : પાણીને નામે થતી છેતરપિંડી.

મામલો ઘણો ગંભીર છે...

ગુજરાત સરકાર ક્યારેક 'નર્મદા', ક્યારેક 'કલ્પસર', ક્યારેક 'સૌની' તો ક્યારેક દરિયાનું પાણી મીઠું બનાવવાની વાર્તાઓ કરે રાખે છે. આપણે સમજવાની જરૂર છે કે ખરેખર સરકાર જે કહે અને કરે છે તેમાંથી શું નીકળશે.

ગુજરાતમાં પાણીની સ્થિતિ સમજવી હોય તો કેટલાક આંકડા જાણવા જરૂરી છે.

વર્ષ 1961 ગુજરાતની વસ્તી 2.06 કરોડ હતી અને માથાદીઠ વાર્ષિક પાણીનો જથ્થો 2468 ઘનમીટર હતો. વર્ષ 2015માં વસ્તી વધીને 6.78 કરોડ થઇ અને માથાદીઠ પાણીનો જથ્થો  ઘટીને 738 ઘનમીટર થયો, 2025માં એ ઘટીને 601 ઘનમીટર થઇ જશે.

ગુજરાતના વિસ્તારો પ્રમાણે, 2001માં માથાદીઠ પાણીની વહેંચણી જોઈએ તો,  કચ્છ પાસે 730 ઘનમીટર, ઉત્તર ગુજરાત 543 ઘનમીટર, સૌરાષ્ટ્ર 540 ઘનમીટર, મધ્ય અને દક્ષિણ ગુજરાત 1880 ઘનમીટર છે. એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા લગભગ 3 ઘણું પાણી છે. ડો. એમ ફાલ્કનના અભ્યાસ અનુસાર માથાદીઠ વાર્ષિક પાણીની ઉપલબ્ધતા જો 1000 ઘનમીટર કરતા ઓછી હોય તો આરોગ્ય, આર્થિક વિકાસ અને માનવહિતોને નુકશાન પહોંચવાનું શરૂ થાય છે.

સૌરાષ્ટ્રની વાસ્તવિકતા જોઈએ તો, કુલ ભૌગોલિક વિસ્તાર 64 લાખ હેકટર છે એ પૈકી 42 લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે, એ પૈકી નહેર, કુવા, બોર, તળાવ બધું મળીને કુલ સિંચાઈ વિસ્તાર 15 લાખ હેકટર છે. 27 લાખ હેકટર માત્ર વરસાદ આધારિત છે. સૌરાષ્ટ્રના કુલ ખેતીલાયક વિસ્તારનો 64% વિસ્તાર વરસાદ આધારિત ખેતી કરે છે. એટલે જ કદાચ સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાત અને સ્થળાંતર વધારે થાય છે. સુરતમાં વધતી સૌરાષ્ટ્રની સંખ્યા (વસ્તી)ને પાણી સાથે સીધો સંબંધ છે જ.

બીજી બાજુ, નર્મદામાં પાણી ઘટતું જાય છે, ગયે વર્ષે 15 માર્ચથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ બંધ કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં જ સિંચાઈ બન્ધ કરવી પડી. જો કમાન્ડ વિસ્તાર (એય 17 લાખ 92 હજાર હેકટર પૂરો નહીં, માત્ર 6 લાખ 40 હજાર હેક્ટરને પુરી સિંચાઈ નથી આપી શકતી, તો જયારે 17 લાખ 92 હજાર હેક્ટરને પુરી સિંચાઈ અપાશે ત્યારે 'સૌની' માટે પાણી ક્યાંથી આવશે?

બીજી બાજુ, 6 જિલ્લાના, 39 તાલુકાના 10 લાખ 54 હજાર હેકટર જમીનને સિંચાઈ આપવા અને સૌરાષ્ટ્રના હયાત નાના-મોટા 60 ડેમ ભરવાની યોજના હતી તે 'કલ્પસર'ને હવે ઉદ્યોગોના લાભાર્થે ભુલાવી દેવું છે એટલે 'સૌની'નો વધારે ને વધારે જોરથી પ્રચાર કરે છે.

સૌરાષ્ટ્રે બચવું હોય તો 'કલ્પસર' માંગવું પડશે, જોરશોરથી માંગવું પડશે, સૌરાષ્ટ્ર 'કલ્પસર' માંગવામાં શરમાશે તો કાયમ માટે કરમાસે, આવનારી પેઢીઓ માફ નહીં કરે. દરિયાના પાણી મીઠા કરે સૌરાષ્ટ્રની તરસ છીપાશે નહીં.

Monday, March 4, 2019

અમે તો 'અચ્છે દિન' લેવા ગયા....

અમે તો 'અચ્છે દિન' લેવા ગયા તા ને 'બુરે દિન' લઇ આવ્યા!!!


સેન્ટ્રલ સ્ટેસ્ટિક ઑફિસના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2017-18નો કૃષિ વિકાસ દર 5%  હતો તે હવે વર્ષ 2018-19માં કૃષિ વિકાસ દર ઘટીને 2.7% થશે. સીધો 46%નો ઘટાડો! વાત તો 2022માં અમારી આવક બમણી કરવાની હતી, આ તો ઘટવા મંડી!

કૃષિ વિકાસ દરના અંદાજો બીજા આંકડાઓની સરખામણીમાં વધારે બદલાતા રહેતા હોય છે, કારણ, વિકાસની ગમે તેટલી વાતો કરીએ, આજેય 52% વાવેતર વિસ્તાર તો વરસાદ આધારિત જ છે. કહો ને કે કુદરતને આશરે છે. ગુજરાતમાં પણ વાવેતર વિસ્તારના 52% જેટલો વિસ્તાર વરસાદ આશરે જ છે. વિકાસ કોનો થયો તેની પળોજણમાં ના પડીએ તોય, સિંચાઈઓનો તો નથી જ થયો એટલું તો સરકારી આંકડા કહે જ છે. સરકારો (વડાપ્રધાન)ના કાર્યકાલ પ્રમાણે કૃષિ-વિકાસના આંકડાઓ લઈએ. 1991 - જ્યારથી આર્થિક સુધારાનો અમલ દેશમાં શરૂ થયો ત્યારથી ગણીએ, એમાં 1996 - 1998 જેમાં 3 વડાપ્રધાન બદલાઈ ગયા - એને બાદ કરતા,  1998 થી 2003-04ની એનડીએ (અટલબિહારી વાજપેયીની સરકાર), 2003-04 થી 2008-09 યુપીએ-1 (મનમોહનસિંઘની સરકાર),  2009-10 થી 2013-14 યુપીએ-2 (મનમોહનસિંઘની સરકાર) અને 2014 -15 થી 2018 -19 (મોદી સરકાર), આ સરકારોના કાર્યકાળમાં કૃષિ-વિકાર દર આ પ્રમાણે રહ્યો છે:
નરસિમ્હા રાવ સરકાર : 2.4 %
વાજપેયી સરકાર : 2.9 %
મનમોહનસિંહ સરકાર-1: 3.1 %
મનમોહનસિંહ સરકાર-2: 4.3 %
નરેન્દ્ર મોદી સરકાર: 2.9 %
આ કેન્દ્ર સરકારની સંસ્થા સેન્ટ્રલ સ્ટેસ્ટિક ઑફિસના આંકડાઓ કહે છે.

મોદી સરકારનો આ કૃષિ-વિકાસ દર એમના ખુબ ઊંચા લક્ષ્ય - 2022માં ખેડૂતોની આવક બમણી થશે- ને ધ્યાનમાં રાખીએ તો, એમણે જયારે આવક બમણી કરવાની જાહેરાત કરી અને શ્રી અશોક દલવાઈની અધ્યક્ષતામાં જે કમિટી નીમી એનું કહેવું હતું કે, 2015-16 ને પાયાનું વર્ષ ગણીએ તો 2022માં ખેડૂતની આવક બમણી કરવા માટે10.4 %ના દરે કૃષિ વિકાસ કરવો પડે. 10.4% તો દૂરની વાત, આ તો 4.3% થી ઘટીને 2.9% એ આવીની ઉભો! એ ગણતરી પ્રમાણે તો હવે વાર્ષિક 15% ના દરે કૃષિ વિકાસ કરીએ તો 2022માં આવક બમણી થાય! 3% પુરા ના કરી શક્યા એ 15% (5 ઘણા) કરી શકે એવા લક્ષણ દેખાય છે?

બમણી આવક ભુલાવવા માટે તો વાર્ષિક 6000/-નું ગતકડું નથીને? લેવા ગયા 'તા અચ્છે દિન ને લઇ આવ્યા બુરે દિન...! એટલે જ કહ્યું છે..." લાલચ બુરી બલા છે" સંભાળજો.

(આધાર: શ્રી અશોક ગુલાટી અને રંજના રોયના તા. 4-3-19નો ઇન્ડિયન એક્સપ્રેસનો લેખ. http://epaper.indianexpress.com/2053604/Ahmedabad/March-04-2019#page/9/3)

Thursday, February 28, 2019

ખેડૂત એકતા મંચ (ગુજરાત)
ખેત ભવન, ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ-380027

જાહેર પત્ર
તા. 28 ફેબ્રુઆરી, 2019

પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
સચિવાલય, ગાંધીનગર।

વિષય: સર્વોચ્ય અદાલતનો આદેશ, રીવ્યુ પિટિશન અને ગુજરાતમાં આદિવાસીઓના સવાલો.

માનનીયશ્રી વિજયભાઈ,

સસ્નેહ નમસ્કાર.
તા. 26મીના અખબારોમાં સમાચાર આવ્યા કે સર્વોચ્ય અદાલતે જે આદિવાસીઓના જંગલ જમીન પરના દાવાઓ રદ થયા છે તેમને ખસેડવાનો હુકમ કર્યો તેની સામે સરકાર રીવ્યુ પિટિશન કરશે. જાણી આનંદ થયો, આનંદની સાથે જ આગામી ચૂંટણીનો ભાસ પણ થયો. કોર્ટમાં વકિલો હાજર રાખવાની તસ્દી ના લેનાર આપણે હુકમ જોઈને રાજકીય લાભાલાભની ગણતરીએ ઘાંઘા થયા. ખેર, રીવ્યુ પિટિશન માટે આપણે જે ત્વરિતતા દાખવી એવી ઝડપ આપણે 'પેસા એક્ટ'ના અમલીકરણમાં કેમ ના દાખવી શકયા? કેન્દ્ર સરકારે 2009માં 'પેસા એક્ટ'ના નિયમો બનાવવા કહ્યું તે છતાં ગુજરાત સરકારે 2017ની ચૂંટણીઓ સુધી કાયદાનું અમલીકરણ ના કર્યું. સામે વિધાનસભાની ચૂંટણી આવી એટલે 'પેસા એક્ટ' યાદ આવ્યો અને છેક 8 ફેબ્રુઆરી 2017ના રોજ 'પેસા એક્ટ'ના નિયમો ઘડ્યા. આટલા વર્ષ સુધી આદિવાસીઓને અન્યાય કોણે અને કેમ કર્યો એનો જવાબ કોણ આપશે?

ગુજરાતના આદિવાસીઓના રીવ્યુ પિટિશન ઉપરાંત બીજા કેટલાક સવાલો તાત્કાલિક ઉકેલ માંગે છે તેની પણ ચિંતા સરકાર કરે એવી વિનંતી છે.

  1. પેસા એક્ટનો અક્ષરશઃ અમલ કરવામાં આવે, આદિવાસી ગ્રામસભાઓને પુરા અધિકાર આપવામાં આવે. કેવડિયા ડેમની નીચેવાસ, ગરુડેશ્વ વિયર આસપાસના ગામોના આદિવાસીઓ પર જે રીતે પોલીસ કેસ અને અત્યાચારો થઇ રહ્યા છે તે તરત રોકાય. એમના વિકાસનું આયોજન કરતા પહેલા એમને વિશ્વાસમાં લેવાય.
  2. ગુજરાત સરકારના આદિવાસી વિભાગની (https://tribal.gujarat.gov.in/status-of-implementation, છેલ્લો ઉપડેટ, તા. 23 ફેબ્રુઆરી, 2019) વેબસાઈટ અનુસાર કુલ 1,82,869 અરજીઓ મળી હતી તે પૈકી માત્ર 73,921 (40.42%)નો જ સ્વીકાર થયો છે. 108,948 (આશરે 60%) અરજીઓ નામંજૂર થઇ છે, તેનું ગુજરાત સરકાર શું કરશે તેનો કોઈ ખુલાસો આવ્યો નથી. આ અરજીઓ તરત તટસ્થ રીતે ચકાસાય અને જંગલવાસીઓને ન્યાય મળે તે જોવા વિનંતી.
  3. જંગલ જમીન અધિકાર કાયદા અનુસાર જેટલી જમીન પર કબ્જો હોય એટલી અથવા વધુમાં વધુ 4 હેકટર જમીન આપવાની જોગવાઈ છે તેની સામે ગુજરાતમાં મંજૂર થયેલી અરજીઓની સરેરાશ જમીન ફાળવણી માત્ર 1.5 એકર (0.6 હેકટર) જ છે. આવું કેમ થયું તેની તપાસ થવી જોઈએ. 
  4. ગુજરાતમાં આદિવાસીઓને જમીન અધિકારને નામે માત્ર 'આદેશપત્ર' આપવામાં આવ્યો છે, ખેડૂત તરીકેનો અધિકાર નહીં. જંગલ જમીન પર ખેતી કરવા છતાં ખેડૂત તરીકે 7/12 નહીં મળવાથી સરકારની ધિરાણ, પાકવીમો કે બીજી કોઈ યોજનાઓનો લાભ લઇ શકતા નથી. આ તે કેવો આદિવાસી પ્રેમ છે?
  5. એવી જ રીતે સામુહિક વનઅધિકાર માટેની 7,224 અરજીઓ મળી હતી તે પૈકી માત્ર  4,597 (63.6%) અરજીઓ મંજૂર થઇ અને એમને સરેરાશ માત્ર 236 એકર (94.4 હેકટર) જમીન પર અધિકાર મળ્યો છે. જે 36.4 % અરજીઓ નામંજૂર થઇ તેમનું શું એ ગુજરાત સરકારે તરત કહેવું જોઈએ.
  6. સરદાર સરોવર ડેમનું કામ પૂરું થવા છતાં, ડેમની નીચેવાસ દાયકાઓ પહેલાં સંપાદિત થયેલી જમીન, 2013ના કાયદા અનુસાર એમને પરત કરવાને બદલે એક યા બીજા બહાને, વિકાસને નામે પડાવાઈ રહી છે તે તરત રોકી એ જમીન એમને પાછી આપવી જોઈએ.
  7. નર્મદા નદી અને કેનાલને કાંઠે વસતા આદિવાસીઓને આપણે  સિંચાઈ માટે પાણી આપી શકતા નથી. એમને સિંચાઇનું પાણી આપી શકીયે તો આપણી લાગણી દીપી ઉઠે.

આદિવાસીઓના સવાલોનો સંતોષકારક ઉકેલ થાય તો જ આદિવાસીઓને વિશ્વાસ બેસે કે સરકાર ખરેખર તેમની હિતેચ્છુ છે, નહિતર આખી વાત માત્ર ચૂંટણીના ગતકડાંમાં ખપી જશે.

આશા છે આદિવાસીઓના મૂળભૂત સવાલોના ઉકેલની દિશામાં ગુજરાત સરકાર ઘટતાં તમામ પગલાં તાત્કાલિક ભરશે

સકુશળતા ઈચ્છતો,
સાગર રબારી
પ્રમુખ