આપણ ખેડૂતોને તો રોજ પર્યાવરણ દિવસ: શહેરી ફેશનેબલો માટે આજે "વિશ્વ પર્યાવરણ દિવસ".
આજે મુખ્યમંત્રીશ્રી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી કહેતા રિવરફ્રન્ટ સાફ કરવા આવ્યા. તમાશાને તો તેડું ના હોય, તમાશો થઇ ગયો. તમાશા થકી એટલું તો સ્વીકાર્યું કે શહેરમાં જ સાબરમતી ગંદી છે. શહેરથી નીચેવાસના તો હાલ ના પૂછશો. નદી ગંદી કોના પાપે થઇ એ નહીં પૂછવાનું. અધિકારીઓ ને નેતાઓ, સહુનો "વિકાસ" કરવો હોય તો નદી ગંદી થવા દેવી પડે, કમાણી તો જ થાય ભાઈ. પછી સફાઈના નામે "વિકાસ" કરવાનો, થયો ને સહુનો "વિકાસ"!
દુનિયામાં પર્યાવરણ રક્ષા માટે એક વિશેષ જોગવાઈ થઇ છે, દરેક દેશની વસ્તી ને વિસ્તાર પ્રમાણે, વિકાસની ગતિ પ્રમાણે એની "કાર્બન લિમિટ" નક્કી થઇ છે. જે દેશ એને મળેલી છૂટ કરતા ઓછો કાર્બન છોડે એ દેશ બચત "લિમિટ' બીજા દેશ, જેણે એની મર્યાદા કરતા વધારે કાર્બન છોડ્યો હોય તેને પોતાની કાર્બન લિમિટ વેચી શકે, ટૂંકમાં પૈસા કમાઈ શકે. અમેરિકા અને બીજા જે દેશો પોતાના જીવન ધોરણ સાથે બાંધછોડ કરવા નથી માંગતા તેમને ગરીબ દેશો, જે ઓછું પ્રદુષણ કરે તેમની પાસેથી કાર્બન ખરીદવો પડે. જે દેશ કાર્બન (પ્રદુષણ) ઓછું કરે તેને "વળતર" મળે. ઉદ્યોગોને પણ એ પ્રમાણે ઓછા પ્રદુષણ બદલ વળતર મળે.
આ જ બાબત ખેડૂતો સાથે જોડવા માટે લડત ચાલે છે. ખેડૂતો પ્રદુષણ કરતા નથી પરંતુ પોતાના વાવેતર થકી વાયુ-મંડળમાં ઓક્સિજનનો વધારો કરે છે. એટલે એ દ્રષ્ટિએ એમને, પાક પ્રમાણે, ગણતરી કરીને છોડેલા ઓક્સીજનનું વળતર મળવું જોઈએ. એનાથી ખેડૂતોને વધારે ઓક્સિજન પેદા કરતા પાકો વાવવા પ્રોત્સાહન મળે, શેઢા પાળે વધારે વૃક્ષો વાવે તેથી હવામાનમાં ઓક્સીજનનું પ્રમાણ ખુબ વધે.
ઓક્સીજનનું પ્રમાણ વધતા લોકોને શુદ્ધ હવા મળે, બીમારીઓ ઘટે, દવાખાનાના ખર્ચ ઘટે, સરકારને પણ ખર્ચ ઘટતાં ફાયદો થાય. અને, ખેડૂતોની આવક વધે તેથી ખેતીમાં થતું નુકસાન ઘટે, ખેતી ફાયદારૂપ થાય તો ખેડૂત બે પાંદડે થાય.
એટલે, આપણે માટે તો, જે દિવસે ખેડૂતને કાર્બન ક્રેડિટનું રોકડું વળતર મળતું થાય, આપણી આવક વધે એ દિવસે આપણો સાચો "વિશ્વ પર્યાવરણ દિવસ."
- સાગર રબારી,
પ્રમુખ,
ખેડૂત એકતા મંચ (ગુજરાત)
Thank you sagarbhai
ReplyDeleteTame tv dibet ma sari information apo so
Friends Visit this website all information available here :- https://www.allinformation.in