વધારે ને વધારે સુખની લાલસા ને શહેરમાંથી સ્થળાંતર!
- દુનિયા આખીમાં વધતું ઔદ્યોગિક પ્રદુષણ અને સજીવ કચરો અનેક પ્રકારના રોગ
ફેલાવતા જીવાણુઓને જન્મ આપે છે અને શહેરની ગીચતા એને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે.
છેલ્લા ૨૦ વર્ષમાં એઇડ્સ, સરસ, એચ૧એન૧ અને હવે કોરોના (કોવિદ-૧૯) જેવી બીમારીઓએ
દુનિયા આખીને ભરડો લીધો. બીમારીઓ, દરિયાઈ વાવાઝોડા અને વરસાદી પ્રકોપો બદલાતા
વાતાવરણ, બદલાયેલી જીવનશૈલી અને વિચાર્યા વગરના વિકાસની ભુખનું પરિણામ છે. જેમ બિન-જરૂરી
વિકાસની ભુખ વધશે એમ આવી પ્રકૃતિ પ્રેરિત આપદાઓ વધશે.
-
અનિચ્છાએ પણ લાદવા પડેલા લોકડાઉનથી
કેટલાક લાંબાગાળાના ફાયદા દેખાયાના સમાચારો આવતા રહે છે. જેમ કે જલંધરથી હિમાલયની
પર્વતમાળાના દેખાવી, ગંગા, યમુના અને નર્મદાના પાણી શુદ્ધ થવા, ગબ્બરનું શિખર
દુરથી દેખાવા માંડવું કે આકાશ સાફ દેખાવું.
-
વિચારવા જેવી વાત છે કે વાતે વાતે
દવાખાને દોડતા લોકો બંધ થયા છે, અચાનક જ નાની બીમારીઓ – બી.પી. વધવું/ઘટવું-અપેન્ડીક્ષ-બાયપાસ-વાતે
વાતે લેબોરેટરીના ટેસ્ટ – બધું સાવ બંધ જેવું થયું છે. એમ્બુલન્સોની ચીસો સંભળાતી
બંધ થઇ છે. કેમ બધાને એપેન્ડીક્ષ મટી ગયા, લોહીની નસો સાફ થઇ ગઈ, બી.પી. બરાબર થઇ
ગયા કે દુખાવા મટી ગયા? કે પછી આ આખું આર્થિક ચક્કર હતું જેમાં બિન-જરૂરી, ડરાવીને
દાખલ કરતા હતા જેની જરૂર જ નહોતી? ડરાવીને બાય-પાસ કરાતી હતી? તપાસ કરો તમારી
આસપાસ આ દિવસોમાં કેટલા લોકો દવાખાને ગયા? કેટલા લોકોને દાખલ કર્યા? કેટલાને
બાયપાસ કરવી પડી? કોની એપેન્ડીક્ષ શરીરમાં જ ફાટી ને માણસ ગુજરી ગયું? આ ડરાવી
ડરાવીને કરતા વેપાર, પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો, જેના ઉત્પાદન વગર આપણે મજાથી
અત્યારે જીવી રહ્યા છીએ, એનાથી થતી પૈસાની હેરફેર એટલે જી.ડી.પી.! જેમ જેમ જરૂરી
કે બિન-જરૂરી નાણાકીય વહેવારો વધે એ વધતો જી.ડી.પી.!! એટલું સમજો કે વધતા શહેરો કે
વધતો જી.ડી.પી. માણસના સુખની નિશાની નથી જ નથી. વધતો જી.ડી.પી. સામાન્ય જનતાને
સુખી કરે જ એવું નથી. સામાન્ય જનતાને બીમાર પાડીને, પ્રદુષણ ફેલાવીને, જમીનો
વેચીને, ખનીજો ખોદીને જી.ડી.પી. વધારાય છે.!! એટલા માટે જ કહીએ છીએ કે જી.ડી.પી.
શું છે એ પહેલા સમજીએ ને પછી હઈશો હઈશો કુટીએ...! જી.ડી.પી. નીચો રાખીને માણસ/સમાજ
વધારે સુખી અને સ્વસ્થ થઇ જ શકે છે..! સામાન્ય જનતાના સુખ અને જી.ડી.પી.ને કોઈ
સંબંધ નથી.
-
સામાન્ય સમાજે સરકારો પાસે સુખ
માંગવાનું છે, જી.ડી.પી. નહી...! ભલે સરકારે કોઈ પણ પક્ષની હોય.
-
જી.ડી.પી. પ્રકૃતીનું સંતુલન બગાડે છે,
જયારે હદથી વધારે સંતુલન ખોરવાય ત્યારે પ્રાકૃતિક વિપદા આવે છે. પ્રાકૃતિક વિપદા
જીવનની ક્ષણ-ભંગુરતાની જેમ જ શહેરની ઝાકમઝોળની ક્ષણ-ભંગુરતા દેખાડી દે છે. ‘વિકાસનું
તકલાદીપણું’ તરી આવે છે, અસ્તિત્વનો સવાલ ઉભો થાય ત્યારે શહેર દગો દઈ દે છે,
વતનનું ગામ યાદ આવે છે. વતનમાં જ સલામતીનો, પોતાપણાનો સાદ સંભળાય છે. એટલે, કંઈ ના
મળે તો ચાલતાય વાટ તો વતનની જ પકડાઈ જાય છે. સુરતની જ વાત કરીએ તો તાપીની રેલ હોય,
હીરામાં મંદી હોય, પ્લેગ હોય કે કોરોના, છેલ્લે હાથ પકડીને સલામતી અને સધિયારો તો
વતનનું ગામ-ખોરડું જ આપે છે જ્યાં જી.ડી.પી. ઓછો પરંતુ, સુખ-સલામતી-પર્યાવરણ
(પ્રકૃતિ) વધારે હોય છે. આવનારા સમયમાં વતનના ગામ-ખોરડે સધિયારો શોધવો પડે એવી
ઘટનાઓ વારંવાર બનશે. કારણ, શહેરો હવે થાક્યા છે, વધારે બોજ સહન કરી શકે એવી એમની
સ્થિતિ જ નથી, ચાહે સાફ-સફાઈ-રહેઠાણ-આરોગ્ય-શિક્ષણ-પરિવહન-સલામતી-રોજગાર કે કમાણી
આપવાની હોય! શહેરોની ક્ષમતા પૂરી થઇ એટલે હવે વળતા વતનની વાત પકડવાના દિવસો આવશે
જ.
- સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...
No comments:
Post a Comment