ગામ કેમ છોડવા પડ્યા?
ગુજરાતમાં વર્ષ
૧૯૮૫-૮૬-૮૭, એમ સળંગ ૩ દુકાળ પડ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર
ગુજરાત માટે ખુબ કપરો સમય હતો. સળંગ ૩ દુકાળના વરસોમાં પાણીની અછતે ખેડૂતો,
ગામડાના અર્થતંત્રને ભાંગી નાખ્યું હતું. ઉગરવાનો કોઈ આરો દેખાતો નહોતો એવો કપરો
સમય હતો. જીવથી વધારે વ્હાલા જાનવરો – ગાય-બળદ-ભેંસ-ને રેઢાં છોડી દેવા પડ્યા હતા.
સળંગ ૩ દુકાળની ઝીંક ના ઝીલી શક્યા એવા લોકો રોજી-રોટીની શોધમાં અમદાવાદ અને
દક્ષીણ ગુજરાત તરફ હિજરત કરી ગયા. જે લોકો શરૂઆતમાં શહેરોમાં જઈને વસ્યા એમાં મોટા
ભાગનાએ મજબુરીમાં હિજરત કરી હતી. ગામડે જેને પોષણ હતું એવા કોઈએ હિજરત નહોતી કરી.
એ વાતને વર્ષો વીતી ગયા, ગુજરાતમાં ત્યારે અને અત્યારે પાણીની સ્થિતિ
શું છે એ જરા જોઈએ. આટલા વર્ષોમાં આપને કેટલી પ્રગતિ/વિકાસ કર્યો એના ઉપર નજર
કરીએ. ગુજરાત મહારાષ્ટ્રથી છુટું પડ્યું એ પછી ૧૯૬૧માં ગુજરાતમાં માથાદિઠ પાણીની
ઉપલબ્ધતા ૨૪૬૮ ઘનમીટર પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષ હતી, વર્ષ ૨૦૧૫માં એ ઘટીને ૭૩૮
ઘનમીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ બચી છે.
વર્ષ ૨૦૦૧માં
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ/ઘનમીટર ના આંકડા....
મધ્ય અને દક્ષીણ ગુજરાત ૧૮૮૦ ઘનમીટર
કચ્છ ૭૩૦ ઘનમીટર
ઉત્તર ગુજરાત ૫૪૩ ઘનમીટર
સૌરાષ્ટ ૫૪૦ ઘનમીટર
૫૪૦ અને ૫૪૩
ઘનમીટર પાણી હતું ત્યાંથી આપણામાંના મોટાભાગના ક્યાં જઈને વસ્યા? જ્યાં ૧૮૮૦
ઘનમીટર પ્રતિ વ્યક્તિ પાણી હતું. એટલે કે, જ્યાંથી નીકળ્યા એના કરતા જ્યાં વસ્યા
ત્યાં પ્રતિ વ્યક્તિ ૧૩૪૦ ઘનમીટર પાણી વધારે હતું.
ડૉ. એમ ફાલ્કાનમાંર્કનો
અભ્યાસ કહે છે કે “વાપરી શકાય એવા પાણીનો
પુરવઠો માથાદીઠ ૧૦૦૦ ઘનમીટર કરતા નીચો જાય તો, પાણી પુરવઠો આરોગ્ય, આર્થિક વિકાસ
અને માનવ હિતોને નુકશાન પહોચાડવાનું શરુ કરે છે!”
આની સીધી અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સ્થળાંતરમાં દેખાય છે! ઉ.
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ફરક એ છે કે, ભલે ઊંડું અને ક્ષારયુક્ત પણ પેટાળમાં
પાણી છે. સૌરાષ્ટ્રની ધરતી નીચે પથરાળ હોવાથી સારું કે ખરાબ, એક હદથી નીચે પાણી જ
નથી. પાણીના અભાવે જેમને માત્ર જીવવા માટે હિજરત કરવી પડી તેમના માટે તો શહેરમાં
રૂપિયા રળવા એ જ એકમાત્ર કામ હતું, કોઈ સુખ-સુવિધા કે એશો-આરામની નહી, જીવી જવાની,
ટકી રહેવાની મથામણ હતી. એટલે, સારા-નરસા, નૈતિક-અનૈતિક કે છોછ-શરમમાં પડ્યા વગર
જેને જે કામ મળ્યું એ કરવા માંડ્યું.
એ વખતે શહેરોમાં માણસોની અછત હતી, શહેરને માણસો જોઈતા હતા એટલે જે
ગયા એ બધાને નાનું-મોટું કામ મળવા માંડ્યું, જેમ જેમ કામ મળવાના સમાચાર વતન પહોચવા
માંડ્યા એમ વતન તરફથી શહેર તરફ હિજરત વધવા માંડી.
બીજી બાજુ, જેની ફરજ છે આ કામ કરવાની છે એ સરકારે શું કર્યું?
ગુજરાતના ડેમોની જે સિંચાઈ ક્ષમતા છે એના માંડ ૫૦% જેટલો જ ઉપયોગ થાય છે. નહેરો
તૂટ્યા પછી ભાગ્યે જ રીપેર થાય છે, નર્મદાના નીર હજુ ખેતરો સુધી પુરા પહોચતા નથી.
સિંચાઈ યોજનાઓનું પાણી ઉદ્યોગો તરફ વળાઈ રહ્યું છે, સિંચાઈ વિસ્તાર ઘટાડતો જાય છે.
વિકાસની હરણફાળ પછી આજે પણ ગુજરાતમાં નહેરથી થતી સિંચાઈ ૨૫%ની આસપાસ જ છે, જે
૧૯૯૫મ હતી, કોઈ વધારો થયો નથી, નર્મદાનું પાણી આવ્યું તો સામે એટલું બીજું પાણી
સરકાર બરાબર બાદ કરી લીધું છે. કુલ સિંચાઈ, તળાવો, ટ્યુબવેલો, કુવા અને નદીઓના
પાણીથી થતી સિંચાઈ ઉમેરીએ તો ૪૮% છે. આટલા વરસોના વિકાસ પછી પણ ગુજરાતનો સિંચાઈ
વિસ્તાર કેમ વધતો નથી એવો સવાલ આપના મનમાં આવતો જ નથી! વાસ્તવિકતાનો વિચાર કરવાને
બદલે ઉલટા આપણે તો “ગુજરાતી એટલે મહાન વેપારી પ્રજા” અને “ગુજરાત એટલે નંબર-૧”ના
નશામાં ઝૂમી રહ્યા છીએ. આપણી સ્થિતિ દેશમાં કેટલામાં નંબરે છે એ ખબર જ નથી, જાણી
જોઈને નથી પડવા દેવાતી. વિકાસના નશામાં બરબાદીના રસ્તે સર-સરાટ દોડી રહ્યા છીએ,
બરબાદીને જ વિકાસ માનીએ છીએ એટલા ‘રાજકીય અભણ’ લોકો છીએ આપણે!! રાજકારણ શું અને
શેના માટે છે એ જ ખબર નથી, હઈશો-હઈશોને રાજકારણ સમજીએ છીએ..! રાજકારણ એટલે જનતાનું
ભલું, અને જનતાનું ભલું એટલે સારી નિશાળો, સારા દવાખાના, સિંચાઈની બીજી માળખાકીય
સગવડો, પરીવહનની સગવડો, નાગરિકોની સલામતી, તમામ નાગરિકોને ગૌરવપૂર્વક જીવવા માટે
જરૂરી રોજગાર અને સલામતી સાચવવા માટે હોય છે એ જ આપણે ખબર નથી. આપણને તો પોપટપાઠ
ભણાવી દીધો કે, મારી નાતનો ને મારા ધર્મનો એટલે નેતા, એને ગમેતેમ કરી જીતાડવો એટલે
રાજકારણ. પછી એ ભલેને ભૂખ ભેગા જ કરે..! એમાં લાયકાતનું ક્યાં કામ છે?
-
સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વાહ સાહેબ ખૂબ સરસ છે ગામડાને ભાંગવા માં મોટો હાથ રાજકારણ નો છે
ReplyDelete