૮: સહકારી ખેતી એક ઉપાય:
આવનારા દિવસો
જુદા જુદા વ્યવસાયોમાં રોકાયેલા ઉત્પાદકોની પ્રોડ્યુસર્સ કંપનીઓ, એફ.પી.ઓ., સહકારી
મંડળીઓનો છે. જેમની પાસે જમીન ઓછી હોય કે માણસ ઓછા પડતા હોય તે ભેગા મળીને સહકારી
ખેતી શરુ કરી શકે, એમાં જમીનની માલિકી પોતાની અકબંધ રહે છે. સામટી ૨૦૦-૫૦૦ વીઘા
જમીનમાં વૈજ્ઞાનિક ઢબે, મોટા પાયે ખેતી કરી શકાય. એને આધારિત પાકો માલ બનાવવાની નાની
મશીનરી વસાવી શકાય, પોતે જ પેકિંગ અને માર્કેટિંગ દ્વારા નવા રોજગાર ઉભા કરી શકાય.
દુનિયાની મોટામાં મોટી કંપનીઓ ખેત-ઉત્પાદનોના વેપારમાં જ છે અને મબલક કમાય છે. ખેતી નફાકારક હતી, છે અને હમેશા રહેશે.
ખેતી કરતા આવડે તો નફાકારક જ છે, ના આવડે તો જ ખેતી ફજેતી છે. યુવાનો માટે હવે
ખેતી-પશુપાલન સિવાય કોઈ ભવિષ્ય નથી જ નથી એ આવનારો સમય સિદ્ધ કરી આપશે. આપણે જેટલા
વહેલા જાગીને ખેતી અને ખેતી આધારિત ઉદ્યોગો જાતે વિકસાવવા માંડશું એટલા સમય કરતા
આગળ રહીશું. સમય કરતા આગળ ચાલનારા જ હમેશા સુખી થતા હોય છે. એટલે, જો જમીન ઓછી
પડતી હોય તો સહકારી ખેતી તરફ વળો.
વડીલોનો વારસો, બચત સાચવો:
ગામમાં ‘પાણી
નથી’, ‘કંઈ પાકતું નથી’ એમ કહીને ગામડે જમીન વેચનારાને મુળે તો શહેરમાં ટકવા માટે
પૈસાની જરૂર હોય છે. એટલે, ખોટેખોટા બહાના બનાવતા હોય છે કે પાકતું નથી, અરે ભાઈ,
પાકતું નથી તો એ સામે ક્યાં તારી પાસે ખાવા કે પહેરવા કપડા માંગે છે, બિચારી મૂંગી
મૂંગી પડી છે ને મૂંગા પશુઓ માટે ઘાસ તો ઉગાડે છે ને? તારું નહી તો કોકનું પેટ તો
ભરે છે ને? છાનોમાનો કે’ ને કે રૂપિયા ખૂટ્યા છે, આવક ઘટી છે એટલે હવે વડીલોનો
વારસો વેચીને વટ મારવો છે!
આપણે સરકાર પાસે એમની ખુરશી નથી માગવાની, જે ૫ જરૂરતો –
નિશાળ-દવાખાનું-સિંચાઈ-સંરક્ષણ-રોજગાર માંગીએ છીએ એ આપવા માટે તો સરકાર બનાવીએ
છીએ, નહિતર સરકારનું કામ શું છે? અને એના માટે એ જેટલું શહેરો ને ઉદ્યોગોને આપે છે
એટલું તો જોઇશે પણ નહિ. ઉદ્યોગો અને શહેરોને આપે છે એના કરતા ગણી ઓછી રકમમાં તો
ગુજરાતના દરેક ગામને સારામાં સારી શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિંચાઈ અને ખેતી
આધારિત ઉદ્યોગોમાં રોજગારી આપી જ શકાય છે. એટલા માટે તો, આપણો જે હક છે તે
“બજેટમાં ૫૦%” માંગીએ છીએ, ખેતીની માળખાકીય સગવડો માંગીએ છીએ.
જમીનનું તો એવું છે કે આજે ગમે તેટલા ઊંચા ભાવે વેચો તો પણ બે વરસ
પછી સસ્તામાં વેચી દીધાનો પસ્તાવો થાય જ. કારણ, રોજે રોજ ઉપયોગી જમીન ઘટતી જાય છે.
વિસ્તરતા શહેરો, પહોળા થતા રોડ-રસ્તા, નવી નવી રેલ લાઈનો, ખોદાતી ખાણો, આગળ વધતો,
ને કિનારો ધોતો દરિયો, રોજની હજારો હજારો હેક્ટર જમીન આપણને ખબરેય ના પડે એમ ઘટતી
જાય છે, એની સામે વસ્તી અને વસ્તીની જરુરીઆતો વધતી જાય છે. એટલે જમીનના ભાવો તો
વધવાના જ. તમારા દાદાને જયારે જમીન વારસામાં મળી હશે ત્યારે એ માંડ ૧૦૦-૧૫૦
રૂપિયાનો વીઘો હશે, તમારા બાપુજીને મળી ત્યારે
૮-૧૦ હજારનો વીઘો હશે, તમને મળી ત્યારે એ લાખોનો વીઘો છે અને તમારા દીકરાને
મળશે ત્યારે કરોડોનો વીઘો હશે. જીવનમાં ભલે બીજું કંઈ ના કમાવો, ના બચાઓ, વારસાના
વીઘા બચાવશો તો પણ કરોડો-અબજો સંતાનોને વારસામાં આપશો, વેચસો તો સંતાનો દેવાળિયા માવતર તરકે વગોવશે. પસંદ કરી લો, સંતાનો કેવી રીતે યાદ કરે એમ ઈચ્છો છો? આપણને
વારસામા જે મળ્યું એ આપણા સંતાનોનું છે, આપણે એના ટ્રસ્ટી માત્ર છીએ, વેચીને વટ
મારવા માટે નથી. શહેરમાં નાનું ખોરડું ખરીદવા માટે વતનની માટી ના વેચશો દોસ્તો.
પેટ તો કુતરાનું ય ભરાય જ છે! પેલી કહેવત તો સાંભળી જ હશે, ‘ઊંટને મોત નજીક આવે
એટલે મોઢું મારવાડ તરફ ફેરવે.’ આ કહેવત પ્રાણીની વતન તરફની લાગણી દર્શાવવા માટે
છે, આપણે તો માણસ છીએ. ગામનું ઘર ને સીમનું ખેતર આવનારી પેઢીઓની શાસ્વત સલામતી છે.
આજે આપણે ઉચાળા લઈને ગામડે આવ્યા એમ ક્યારેક માની લો કે સંતાનોને શહેરે ઉચાળા
ભરાવ્યા તો ક્યાં જશે? થોડો ભવિષ્યનો વિચાર કરશો?
-
સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...
No comments:
Post a Comment