ગામનો હાલનો અનુભવ, ગામમાં શું ખૂટતું લાગે છે?
હાલ જે લોકો ગામડે છે એ થોડું પોતાના
ગામ વિષે વિચારે. શહેરમાં શું છે જે એમના ગામમાં નથી? ૨૪ કલાક વીજળી, પીવાનું
પાણી, મોબાઈલની સુવિધા, ટીવી ચેનલો, ઈન્ટરનેટ, આ બધું જ છે? તો શું ખૂટે છે?
ગામમાં ખૂટે છે...
૧. સિંચાઈનું
પાણી,
૨. બાળકોને
ભણાવવા માટે સારી શાળા,
૩. વડીલોની
સારવાર માટે સારું દવાખાનું,
૪. જેમને
ખેતી નથી અથવા ઓછી છે એમના માટે પુરક કે પૂર્ણ રોજગાર.
આ ચાર પૈકી તમારા ગામમાં શું ખૂટે છે? જો
ગામમાં ઉપર પૈકાના એકાદ બે કે બધું જ ખૂટતું હોય, તો કેવી રીતે ઉભા કરી શકાય? તમને
લાગે છે કે આટલું હોય તો ગામમાં શહેર કરતા સારું જીવન છે? જયારે વિચારો ત્યારે
હિસાબ જરૂર કરજો કે તમે શહેરમાં જે કમાવ છો તેમાંથી પેટ્રોલ, સ્કુલ-ફી, દવા અને ઘર
ખર્ચ, વતન આવવા-જવાનો ખર્ચ બાદ કરતા કેટલું બચાવો છો, એની સામે તમે ગામમાં જે કમાવ
તેમાંથી ઘર-ખર્ચ બાદ કરતા કેટલું બચે? જયારે બચત અને ખર્ચનો હિસાબ માંડો તો શહેરની
પ્રદુષિત હવા, પાણી, શાકભાજી અને દૂધ, એની સામે ગામની હવા, પાણી, શાકભાજી અને
દુધની ગુણવત્તા ધ્યાનમાં રાખજો. હિસાબ બતાવશે કે હવે પાછા શહેરમાં જઈને તમે નફો
કરી રહ્યા છો કે ખોટનો વેપાર?
ખૂટતું ઉમેરાય, હોય એ નાખી ના દેવાય:
ગામમાં જે ખૂટે છે તે સિંચાઈનું પાણી,
ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય આપવાની જવાબદારી સરકારની છે, રોજગાર સરકાર સાથે
મળીને આપણે ઉભા કરી શકીએ. વટના માર્યા આપણે ઘર બાળીને તીરથ કરવા ટેવાઈ ગયા. કોઈ ચૂંટણીમાં
ગામની નિશાળ, દવાખાના અને સિંચાઈના પાણીની તો વાત જ નથી કરતા. હવે એ કરીએ, સરકાર
બધું આપશે, આપવા બંધાયેલી છે, આપણને લેતા આવડવું જોઈએ. જે કારણોએ વતન છોડાવ્યું
હતું એ કારણોનો કાયમી ઉકેલ શોધીએ, સવાલોને ત્યાં જ જીવતા રાખીને બહાર ફાંફા
મારવાથી પેઢીઓ નહી જ તરે.
સવાલોના કાયમી ઉકેલ માટે, સિંચાઈના
પાણી માટે, પોતે ગામને સાથે લઈને વરસાદી પાણીને સંઘરવાના તમામ ઉપાયો અજમાવીએ,
સરકારની અનેક યોજનાઓ છે તેનો લાભ લઈએ તો સિંચાઈનું પાણી અઘરું નથી જ. ગામનું પાણી સંઘરવા
સાથે નજીકના ડુંગર, વેળા-વોકળા, ગૌચરનું પાણી પણ બચાવીએ.
એ ઉપરાંત, ગામમાં જે પાણી સંડાસ-બાથરૂમ
વગેરે દૈનિક કાર્યોમાં વપરાય તેને થોડી ટ્રીટમેન્ટ કરીને ખેતીમાં વપરાવનું ગોઠવી
શકાય, નરી નજરે નહી દેખાતું ઘણું પાણી તો ખેતી માટે ગામના વપરાશમાંથી જ મળી જશે.
યાદ રાખીએ, પાણીનું દરેક ટીપું લોહીના ટીપા જેટલું જ કીમતી છે.
- સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...
No comments:
Post a Comment