Friday, April 17, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૯)


આભાસી ‘વિકાસ’ની વાસ્તવિકતા:

આપણને રાત-દિવસ જે નશામાં રખાયા એ ‘વિકાસ’ની વાસ્તવિકતા શું છે એ જરા સરકારી આંકડાઓથી ચકાસીએ. આંકડા નીતિ આયોગના છે એટલે કોઈની લાગણી દુભાય તો સાથે લીંક આપેલી છે એ ખોલીને ચેક કરી લેવા, નાહક મૂંઝાવું નહી. ‘વિકાસ’ નો મૂળ પાયો એટલે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર. લાંબી વાત ના કરીએ તો, આટલા વરસો એકધારી વિકાસની વાતો સાંભળી, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો-
૧.   ખેડૂતોની આવકની દ્રષ્ટીએ ગુજરાત આખા દેશમાં ૯મા નંબરે ઉભું છે. ગુજરાતના ખેડૂત પરિવારની માસિક આવક ૩૫૭૩/- રૂપિયા છે.
ગુજરાત કરતા આગળ હોય એવા રાજ્યો છે: પંજાબ- ૧૬૩૪૯/- રૂપિયા, હરિયાણા-૧૦૯૧૬/- રૂપિયા, કર્નાટક- ૫૧૨૯/- રૂપિયા; આસામ-૪૪૦૯/- રૂપિયા; તેલંગાણા- ૪૩૯૯/- રૂપિયા, મધ્યપ્રદેશ – ૪૨૫૪/- રૂપિયા, મહારાષ્ટ્ર – ૪૦૨૧/- રૂપિયા અને કેરલ – ૩૬૦૨/- રૂપિયા.
દોસ્તો, આપને મહાન વેપારી પ્રજા છીએ એટલે ખેતીની આવકની ચિંતા નહી કરતા. પરંતુ જેમને ખેતી સિવાય બીજી કોઈ આવક નથી એવા પરિવારોની શું દશા આપના ‘વિકાસે’ કરી છે એ તો જરા વિચારો!
૨.      ગુજરાત દેશમાં, રૂપિયા ૧૯૯૪૬૩/- સાથે વાર્ષિક માથાદીઠ ઉત્પાદન (આવક)માં ૧૦માં નંબરે છે. ગુજરાત કરતા આગળના ક્રમે ગોવા- ૪૬૧૯૪૬/- રૂપિયા, દિલ્હી ૩૬૨૭૯૦/- રૂપિયા, સિક્કિમ ૩૫૯૭૯૮/- રૂપિયા, ચંડીગઢ ૩૩૩૬૬૭/- રૂપિયા, હરિયાણા ૨૨૫૧૧૦/- રૂપિયા, પુડુચેરી ૨૨૨૧૧૪/- રૂપિયા, કર્નાટક ૨૦૫૮૧૩/- રૂપિયા, કેરલ ૨૦૩૦૯૩/- રૂપિયા, ઉત્તરાખંડ ૨૦૨૨૮૪/- રૂપિયા સાથે ગુજરાત કરતા આગળ છે. (સોર્સ: http://statisticstimes.com/economy/gdp-capita-of-indian-states.php આંકડા ૨૦૧૭-૧૮ના લીધા છે. કારણ, બીજા રાજ્યોના આંકડા તો છે પરંતુ “વિકસિત ગુજરાત”ના ૨૦૧૮-૧૯ના આંકડા મુકવાનો સમય રાજ્યને મળ્યો નથી, કારણ, બધી મશીનરી રાજ્યના વિકાસમાં રોકાયેલી છે!!!)
૩.    શિક્ષણની દ્રષ્ટીએ દેશના મોટા રાજ્યોમાં કેરલ, રાજસ્થાન, કર્નાટક અને આંધ્રપ્રદેશ પછી ગુજરાત ૪થા નંબરે ઉભુ છે. (Read more at:
http://timesofindia.indiatimes.com/articleshow/72284769.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst)
૪.  આરોગ્યની બાબતમાં કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ૪થા નંબરે છે. (https://www.indiatoday.in/india/story/niti-aayog-helth-index-list-states-union-territories-kerala-tops-1556163-2019-06-26)
૫.     ગુજરાતમાં બેરોજગારીનો દર, માર્ચ ૨૦૨૦માં ૬.૭% છે. 
૬.     માથાદીઠ રાજ્ય સકલ ઉત્પાદન સ્ટેટ જીડીપી માં ગુજરાત દેશના પહેલા ૫ રાજ્યોમાં પણ નથી!! (https://www.jagranjosh.com/general-knowledge/per-capita-income-of-indian-states-1468997157-1)
૭.      હાલની કોરોનાની વાત કરીએ તો ૧૧.૨૫ વાગ્યાના ‘ફર્સ્ટ પોસ્ટ’ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ૧૨૭૨ દર્દીઓ નોધાયા તે પૈકી ૪૮નુ અવસાન થયું. ટકાવારીમાં મૃત્યુ દર ૩.૭૭% થાય, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. કારણ, આપને વિકસિત રાજ્ય છીએ. (સોર્સ: https://www.firstpost.com/health/coronavirus-outbreak-live-updates-covid-19-india-death-cases-lockdown-latest-news-today-delhi-maharashtra-2-8272301.html)
જો શિક્ષણમાં આગળ નથી, આરોગ્યમાં આગળ નથી, રોજગારીમાં આગળ નથી અને માથાદીઠ જીડીપીમાં આગળ નથી, નહેરની સિંચાઈમાં વિકાસ નથી કર્યો તો સાદો સીધો સવાલ એટલો જ છે કે આપણે વિકાસ શેમાં કર્યો? પરંતુ, આપણાથી તો એવું વિચારાય જ નહી ને! કારણ, આપણે તો ‘મહાન વેપારી પ્રજા’ છીએ ને! સમય પાકી ગયો છે ‘મહાનતા’ અને ‘વિકાસ’ના નશામાંથી નીકળીને વાસ્તવિકતા સ્વીકારવાનો. યોગ્ય સવાલો પૂછવાનો, સત્તા પાસે જવાબ માગવાનો. ટકાઉ અને સાચો વાસ્તવિક વિકાસ કરવાનો, જેમાં દરેક હાથને કામ મળે, ને સ્વમાનભર્યું જીવન, સમૃદ્ધ ખેતી હોય, બાળકોને શિક્ષણ મળે, બીમારને સારી સારવાર મળે, સરકારી, ખાનગી નહી!! સમજ્યા વગરના ધર્મ અને ખબર વગરના વિકાસે ગુજરાતને બરબાદી સિવાય કંઈ નથી આપ્યું. વાઈબ્રન્ટના તાયાફામાં લુંટતા ગુજરાતના જમીન-જંગલ-પાણી-ખનીજોને બચાવવા માથનારાઓને ‘વિકાસ વિરોધી’ કહી કહી ઘણા વગોવ્યા. હવે, સમય છે જરા વિચારવાનો, તમે કોનો સાથે અત્યાર સુધી આપ્યો અને આગળ કોનો સાથ આપવો છે? હજી સમય છે ચેતી જવાનો, સમાજ અને રાજ્યને ‘સંભાળી’ લેવાનો. જાગીશું? ચેતી જઈશું? સાચા વિકાસને સમજીશું? કે, હજી જ્ઞાતિ-ધર્મ-વિકાસના આભાસી નશામાં જ જીવવું છે?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા

વધુ આવતી કાલે...

No comments:

Post a Comment