Sunday, April 19, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૧૦)


૧૦: ગામની રાજકીય તાકાત વધારીએ:

આપણામાંના ઘણા બધાએ પોતાના મતદાર કાર્ડ, આધાર કાર્ડ શહેરના બનાવી લીધા હશે, એનું નુકશાન જાણો છો? તમે ગામડાના હોવા છતાં, ગામડા અને ખેતી ઉપર સીધા કે આડકતરા નભતા હોવા છતાં ખેતી ઉપર નભતી વસ્તીમાં ઘટાડો નોધાયો, ગામની વસ્તી એટલી ઘટી. વસ્તી ઘટી એટલે ગામની ગ્રાન્ટ ઘટી, સગવડો ઘટી, સરકારે ખેતી માટે જે ફાળવવું જોઈએ તે ફાળવવામાંથી સરકાર છટકી! કારણ, ગામના મત ઘટતા આપણી રાજકીય તાકાત ઘટી. તમે જેને મત આપતા હો તેને આપો પરંતુ મતદાર તરીકે તો ગામમાં નોંધણી કરાવો, ગામના સરપંચ, તાલુકા-જીલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભામાં મત તો ગામડેથી જ આપો. ગામડે મતદાર બનવાથી દરેક ઘરમાં ૪-૫-૬ મતદાર હોય તો ખોરડાની રાજકીય તાકાત વધશે તો ગામની રાજકીય તાકાત આપોઆપ વધશે. તમારું રાજકીય વજન વધશે, તમારી વાત સંભાળશે, તમારા કામો થશે અને ગામ સમગ્રને લાભ થશે જ. સાથે સાથે, દર વખતે ગામમાં આવશો એટલે તમારો ને તમારા સંતાનોનો વતનની માટી સાથેની લાગણીનો તંતુ વધારે મજબુત થશે. વધેલી રાજકીય તાકાતનો ઉપયોગ ગામડાની માળખાકીય સગવડો વધારવામાં, ખેતી અને પશુપાલનને નફાકારક બનાવવામાં કરો.
રાજકીય પક્ષોને ફરજ પાડો કે જુદી-જુદી સરકારી યોજનાઓ અંતર્ગત ગામની જરૂરિયાત મુજબ ગામમાં;
૧.      પાણી સંગ્રહ માટે ગામ તળાવ ઊંડુ કરાવે, ના હોય તો પડતર જમીનમાં નવું તળાવ બનાવે,
૨.      ગામમાં જરૂરિયાત મુજબ ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ બનાવે,
૩.      ગામના પાકો અનુસારના નાના ઉદ્યોગો લાવે, (મોટા કોર્પોરેટ ઉદ્યોગોની શાખાઓ હરગીજ ના લાવવા દેવા. મોટા ઉદ્યોગ-ગૃહો તો ખેતી આધારિત ઉદ્યોગોમાં આવવા આતુર જ છે, એમને તો ગામની આપની આજીવિકા પગ પેસારો ના જ કરવા દેશો.)
૪.      ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધુનિક કરે, એમાં ડોક્ટર-નર્સની ૨૪ કલાકની હાજરી પાક્કી કરે,
૫.      ગામની આંગણવાડી, પ્રાથમિક શાળા અને મોટું ગામ હોય ત્યાં હાઇસ્કુલ, એમાં પૂરો સ્ટાફ હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે, અને ગામ તરીકે એની દેખરેખની જવાબદારી વહેંચી લો. શિક્ષણ જ સમૃદ્ધિનો પાયો છે.
૬.      ગામમાં શક્ય હોય તો પાક-આધારિત ઉદ્યોગો માટેના ટેકનીકલ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાવો,
૭.      બેંકની શાખા અથવા ઓછામાં ઓછું એ.ટી.એમ. લાવવાની વ્યવસ્થા કરાવો.

ગામમાં આટલું ઉબલબ્ધ હોય તો વિચારો કે શહેર અને ગામમાં શું ફરક રહ્યો? આટલું કરવાથી, સરવાળે પ્રકૃતિ આધારિત, સર્વસમાવેશક, ટકાઉ વિકાસ થશે જે આપણા સહુના હિતમાં હશે. આ આફતમાંથી કાયમી ઉકેલ તરફ જઈએ, વતનની માટીને કાયમી આઝાદ, આબાદ કરવાની દિશામાં આગળ વધીએ.
હા, ગાયમાતાની પૂજા તો કરીએ છીએ પરંતુ એના માટે વરસો પહેલા ફાળવાયેલા, ગૌચરની સ્થિતિ ગામમાં કેવી છે એ ક્યારેય જોયું/વિચાર્યું છે? ફુરસદ છે તો જરા જોજો, વિચારજો, એને કેમ સુધારી શકાય. જો ગામના ગૌચરમાં રસ લેશો તો ખેતરોમાં રખડતા હરાયા ઢોર, નીલગાય અને ભૂંડના ત્રાસથી રાતોના ઉજાગરા કરવા પડે છે એમાં ગામડે રહેતાં માવતરને રાહત થશે. એ બધા ‘હરાયા’ ગૌચરમાં નભી જશે. ગામની હવા ચોખ્ખી એ ગૌચર જ રાખશે ને પાણી સંઘરસે એ નફામાં. ગૌચર માટે સરકારની અનેક યોજનાઓ છે એનો લાભ તમારી પંચાયતના માધ્યમથી લો, પંચાયતમાં આવતી ગ્રાન્ટોના વપરાશમાં રસ લો, ગામમાં પરિવર્તન આવતા વાર નહી જ લાગે.
‘ગરજ મટી કે વૈધ વેરી’ જેવું, શહેરમાં થોડી ચહલ-પહલ શરુ થઇ કે, ‘ગામડે તો કંઈ નથી’ કહીને પાછા શહેરની વાટ પકડવા જેટલા મતલબી તો નહી બનીએ ને?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
સંપૂર્ણ.

સાથીઓ,
લોક ડાઉનમાં પુરા ૧૦ દિવસ સહન કરવા બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર. આખી પીડીએફ આવતી કાલે મોકલી આપીશું જેથી તમારે સાથે વાંચવી હોય, કોઈને મોકલવી હોય તો અનુકુળ રહે.
કોઈને ક્યાય છાપવું હોય તો અમે કોઈ કોપીરાઈટ રાખતા નથી, સમાજનું છે ને સમાજને અર્પણ. માત્ર જાણ કરશો, છાપ્યા કોપી મોકલશો તો આનંદ થશે.
-     લેખકો

No comments:

Post a Comment