Tuesday, October 30, 2018

એમ તે કંઈ જમીન મળતી હશે ?

હા, રાજકીય નેતાઓ થોડા છેટા રેજો, અમે બિનરાજકીય - ખેડૂત છીએ.

દેશમાં ક્યાંય નહોતો એવો સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન એક્ટ ગુજરાત સરકારે ઘડ્યો. એમાં ખેડૂતોને પૂછ્યા વગર, વળતર આપ્યા વગર 20% થી લઈને 50% જમીન સીધી કપાત તરીકે લઇ લેવાનો અધિકાર ટાઉન પ્લાનિંગ અધિકારીને આપી દીધો. જમીન પેઢીઓથી વાવનારા ખેડૂતની અને આપી દેવાની ઉદ્યોગપતિઓને...! આવું તો ગુજરાતની સરકાર જ કરી શકે. સરકારનું  ચાલે તો એને તો બધું પડાવીને એના 5-10 ને પધરાવી દેવું છે પણ એમ કંઈ ખેડૂતો છોડે થોડા? સરકારે તો આવા 14 સર કરવા ધાર્યા હતા પણ ખેડૂતોના વિરોધને કારણે એક  પછી એક રદ થતા ગયા. હવે આવીને ડોળો ધોલેરા પર અટક્યો છે.

આ વિસ્તારના 22 ગામોની 92000 હેકટર જમીન સરકારને પડાવી લેવી છે, 50 % કપાતમાં અને ખેડૂતોને દૂર દૂર ફાઇનલ પ્લોટ આપીને ખેતીમાંથી નવરા કરી કાઢી મુકવા છે. ગ્રામપંચાયતો, ગ્રામસભાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારોય પડાવી લેવા છે.

સરકાર પડાવવા આવી તો ખેડૂતોએ લડત ચાલુ કરી, નર્મદાનું પાણી માગ્યું... વાયદા સાકાર કરવા દબાણ કર્યું. હાઇકોર્ટમાં ગયા અને મનાઈ હુકમ મળ્યો.. આમ, સરકારના બદઇરાદા ઉપર ખેડૂતોએ અંકુશ મુક્યો. 2015થી મનાઈ હુકમ ચાલુ છે છતાં હવે સરકાર પડાવી લેવા રઘવાઈ થઇ છે. એને જગપ્રસિદ્ધ ભાલીયા ઘઉં, જીરું અને કપાસ પકવતી જમીન "ખારાપાટ"ને નામે પડાવી લેવી છે. ક્યાંક ખારોપાટ હોય તો વારે વારે ઇઝરાઈલની વાર્તાઓ કરતા તમે ઇઝરાયેલની પદ્ધતિએ ખારપાટની હરિયાળો કેમ નથી કરતા? બસ, પડાવી જ લેવું છે ને મામકાઓને પધરાવી જ દેવું છે?

વાઇબ્રન્ટ નજીક આવતા તાયફાંપ્રેમી સરકાર અધીરી થઇ છે. ગુજરાત હાઇકોર્ટે મનાઈ હુકમ આપવા છતાં સરકારે નોટિસો આપવાનો પ્રયત્ન કરી જોયો, જમીન માપણીનો નિષ્ફળ પ્રયોગ કરી જોયો, બધામાં નિષ્ફળ ગયા. હવે 'સર' (સ્પેસીઅલ ઇન્વેસ્ટમેન્ટ રીજીઅન) ના અધિકારીઓ ગામે ગામે ફરીને ખેડૂતોને સમજાવવાનો (સાચું કહીએ તો પરોક્ષ રીતે ધમકાવવાનો, એમ કહીને કે સરકાર જમીન તો લઇ જ લેશે...) પ્રયત્ન કરી રહ્યા છે.
આંદોલન શરૂ થયું ત્યારે બે માંગણીઓ હતી, (1) નર્મદા આપો, અને (2) સર હટાવો.

ખેડૂતોની અથાગ મહેનતથી નર્મદાના પાણીની લાઈનો તો નખાઈ, પાણી આવશે, 50 વર્ષથી જે વાયદા થયા હતા તે હવે ખેડૂતોની મહેનત અને આંદોલનથી સાકાર થતા દેખાય છે. અનેકવાર ડીકમાન્ડ કરવા છતાં ખેડૂતોએ મહેનત કરીને પાણી મેળવ્યું છે.

હવે જયારે ભાલમાં પાણી આવ્યું ત્યારે સરકાર 50 % જમીન કપાત લઈને ઉધોગપતિઓને પધરાવવાનું કાવતરું 'વિકાસ'ને નામે કરી રહી છે. આ ગામોના ખેડૂતોને સરકારના વિકાસમાં એમનો વિનાશ દેખાય છે એટલે તો વિરોધ કરે છે. હાઇકોર્ટમાં જઈને મનાઈહુકમ મેળવી લાવ્યા છે. તોય સરકાર જાગતી કે માનતી નથી.

સરકારની જોહુકમી સામે ખેડૂતોને જાગ્રત કરવા ખેડૂત આગેવાન શ્રી સાગર રબારી તા. 9-10-11 નવેમ્બરના 3 દિવસ આ ગામો પૈકી કેટલાક ગામોનો પગપાળા પ્રવાસ કરશે, ખેડૂતોને મળશે, એમની વાત સાંભળશે અને વાઈબ્રન્ટના તાયફા પહેલા સરકાર સુધી પહોંચાડવાનો બિનરાજકીય પ્રયત્ન કરશે. આમ તબક્કાવાર બધા ગામોમાં જાગૃતિ અને નવા ઉત્સાહનો સંચાર કરાશે.

આ ઉપરાંત વાઈબ્રન્ટથી ગુજરાતના ગામડાના લોકો શું શું ગુમાવે છે અને વિકાસના નામે સરકાર કેવી રીતે લોકોની આજીવિકાના સંશાધનો- પાણી અને જમીન - એમના વ્હાલા ઉદ્યોગપતિઓને પધરાવે છે એની સમજણ લોકો સાથે બેસીને વિકસાવશે...
એકલા ચાલો એટલે મંજૂરીને જંઝટ જ નહીંને ?

- સાગર રબારી

2 comments:

  1. શું કહેવું? કોઈ અર્થશાસ્ત્રી આ ખેતીને પાણી અને બીજી સુવિધાઓ થી ધમધમતી કરવાથી જે રોજગાર, જીડીપી માપી એમના વિકાસ ની સામે આ સર માં રહેતી જનતા વતી આંકડા મૂકી શકે? જોકે એમની વાત તો સીધી જ છે, મદદ ના કરવી હોય તો અમને અમારા હાલ પર છોડી દો પણ ઝૂંટવી, ખૂંચવી તો ના લ્યો! 6 મહિના ટક્કર ઝીલી લેવાય તો કદાચ ચૂંટણી પછી સરકાર સર પ્રોજેક્ટ છોડીય દે. પણ વોટ આપતી વખતે ભાજપ તો નહિજ એને એક એક સીટ લોકસભામાં 272 ની બહુમતિ માટે ભારે પડવાની છે તો તમામ ખેડુએ એજ રસ્તો અપનાવવો રહ્યો.

    ReplyDelete
  2. Thank you, will see that bjp get defeated.

    ReplyDelete