Sunday, September 9, 2018

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય?

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય?

મન હોય તો માળવે જવાય.

ગઈ કાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે કે, રાજ્યસ્તરની બેન્ક સમિતિના છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબા ગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેક્ટર વગેરે માટે લીધેલી લોન) 36,468 કરોડ રૂપિયા મળી કુલ 82,075 કરોડ રૂપિયાનું દેવું છે. આ આંકડો જ બતાવે છે કે ગુજરાતનો (ખેડૂતોનો) કેટલો વિકાસ થયો છે, સાચો વિકાસ થયો છે કે ખોટો થયો છે?
નિષ્ણાતો કહે છે કે...
1. રાજ્યના બજેટના 45% જેટલી રકમ છે, કેવી રીતે માફ કરીએ? આટલા બધા પૈસા ક્યાંથી આવે?
2. આટલી રકમ ઉભી કરવા માટે વેરો વધારવો પડે જે જીએસટીને કારણે હવે શક્ય નથી.

સરકારે હવે જો પોતાના કર્મો તરફ નજર કરે તો જવાબ મળી જાય છે.
1. એક નેનો માટે 32000 કરોડ આપ્યા તો બજેટ કેમ ના ખોરવાયું?
2. છેલ્લા કેગ અહેવાલ પ્રમાણે જન્તરિના ભાવો ના વધારવાથી રાજ્યને 25000 કરોડનું નુકશાન ગયું છે. આવા નુકશાન નહીં કરવાના એટલે રકમ મળી જાય.
3. અદાણીને એકથી 25 રૂપિયાના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન ના વેચીએ તો કેટલી રકમ ઉભી થાય? ખેડૂતોનું બધું દેવું માફ થઇ જાય એટલી રકમ મળે. બીજા કોને કોને શું ભાવે જમીન આપી અને કેટલું નુકશાન કર્યું એ ના કરો એટલે ખેડૂતોનું દેવું માફ કરવા જેટલા પૈસા મળી જાય.
4. સરકાર અદાણી અને ટાટાના પાવર પ્લાન્ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવો વધારી આપવાની છે? એ રકમ બચાવો તો કેટલી બચે એનો તો જવાબ આપો? સરવાળે ખેડુનાં દેવાની રકમ એમાંથી જ નીકળી જશે.
5. ગુજરાત સરકાર આવનારા વાઈબ્રન્ટમાં કેટલી રકમ ખર્ચવાની છે એ તો કહો, એ રકમ બચાવી લો.
6. અત્યાર સુધી વાઈબ્રન્ટના તાયફાઓમાં કેટલા રૂપિયા ગુજરાતની જનતાના ઉડાડ્યા અને કેટલા યુવાનોને કાયમી નોકરી આપી એનો તો હિસાબ આપો એટલે રકમ મળી જશે.
7. સરકાર હવે સરકારી અર્થશાસ્ત્રીઓ (અનર્થશાસ્ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરુદ્ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે.
8. ગુજરાત સરકાર ખેડૂતો માટેની યોજનાઓ - જેનો લાભ એમના મળતિયા અને ઉદ્યોગો લઇ જાય છે - ગણાવવાને બદલે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતમાં ઉદ્યોગોને કેટલી રકમ આપી અને ખેડૂતોને કેટલી રકમ આપી એની વિગત આપે એટલે જવાબ જડી જશે.

ખેડૂતોને માત્ર દેવા માફી નહીં, કુલ આટલું આપો તો જ કાયમી ઉકેલ આવશે.
1. હાલનું દેવું તમામ, લાંબા અને ટૂંકા ગાળાનું માફ કરો,
2. સી-2+50% નફો ઘણીને ટેકાના ભાવ આપો,
3. મહારાષ્ટ્રની ભા.જ.પ. સરકારે કર્યું એમ ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂત પાસેથી ખરીદીને સજા અને દંડ પાત્ર ગુનો ગણતો કાયદો કરો,
4. ખેતી માટે જરૂરી માળખાકીય સગવડો - સિંચાઈ, 24 કલાક વીજળી, જન્ગલી જાનવરોના ત્રાસથી મુક્તિ - આપો, કુદરતી હોનારતો વખતે સહાયની નીતિ બનાવો,
5. ખેતીને નામે ઉદ્યોગો કરોડોના ધિરાણ લઇ જાય છે તે બન્ધ કરો,
6. ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્યવસ્થા ઉભી કરો,

આટલું થાય તો ખેડુનાં મુદ્દાનો કાયમી ઉકેલ આવશે નહિતર આભ ફાટે ને થીગડાં મારીએ એવી દશા થશે.
- સાગર રબારી 

2 comments: