Thursday, September 20, 2018

ધારાસભ્યોની ગરીબી ધનની છે કે મનની?

નાનપણમાં એક કહેવત સાંભળી હતી કે ગરીબી બે પ્રકારની હોય છે; પહેલી ગરીબી ધનની હોય જેમાં વ્યક્તિ ગરીબ હોય પરંતુ સમયાંતરે 'બોરડી બે પાંદડે' થાય, એટલે કે પૈસાદાર થાય ત્યારે મનની અમીરી આવે. બીજી ગરીબી મનની હોય, ધન ગમે તેટલું હોય તોય ઓછું જ પડે, પૈસો કદી કોઈ કામ માટે છૂટે નહિ, અથવા કહીએ તો 'ચમડી જાય પણ દમડી' ના જાય એને મનની ગરીબી કહેવાય. ધનનો ગરીબ તો સમય જતા અમીર થાય પણ મનનો ગરીબ જીવનભર ગરીબ જ રહે, ગરીબ જ મરે, ક્યારેય અમીર ના થાય!

ધારાસભ્યોના પગાર વધારાનો સમ્બન્ધ વધારે તો મનની ગરીબી સાથે છે, મોંઘી ઇનોવા કે ફોરટ્યૂનર ગાડીઓ વાપરતા લોકો પાસે ઘર ચલાવવા પૈસા નથી એ દલીલ કોના ગળે ઉતરે સિવાય કે કોઈ "ભગત"?

1,16,000 રૂપિયાનો પગાર, ગાંધીનગરમાં રહેવા મફત ઘર, જમવામાં સબસીડી, પ્રવાસમાં હોય તો મફતના ભાવે સર્કિટ હાઉસોની જાહોજલાલી, વિધાનસભામાં હાજરી આપવાના ભથ્થા ઉપરાંત ઘણું બધું મેળવતા હોવા છતાં બિચારા ગરીબ છે! આવી ગરીબી મારા દેશના બધા નાગરિકો ભોગવી શકે તો કેવું?

આ ગરીબો એમના કરતા ઘણા અમીર - મહિને 17,000 સત્તર હજાર જેવી માતબર રકમ કમાતા - અમીરોની સેવા માટે રાત દિવસ એક કરે છે તો એમના બાળકોની ચિંતા કરવાની જવાબદારી માસિક સરાસરી 17000 જેવી માતબર રકમ કમાતા અમીર ગુજરાતીઓની ખરી કે નહીં? આ સરાસરીમાંથી જો મોટા ઉદ્યોગપતિઓની રકમ બાદ કરીએ તો તો કેટલી મોટી રકમ આ ગુજરાતી અમીરો કમાતા હશે?

આ રાજ્યના નાગરિકો એટલા અમીર છે કે એમના બાળકો માટે મોંઘી ફી ભરવી પડે એવી નિશાળોની વ્યવસ્થા કરવા માટે, એમના ભણેલા ગણેલા સંતાનોને નોકરી ના કરવી પડે, પાનના ગલ્લે કે ચાની કીટલીએ ટાઈમ પાસ કરી શકે એટલા માટે બેરોજગારીની પાકી વ્યવસ્થા કરવા માટે દર બે વર્ષે "વાઇબ્રન્ટ"નું આયોજન કરવા રાત-દિવસ મથતા સેવકોના બાળકોની તો ચિંતા કરેજ ને? "મત કેમ આપે છે?" એમના બાળકોનું ફિક્સ પગાર રૂપે બરાબર શોષણ કરી શકાય, ખેડૂતોને દેવાળિયા બનાવી શકાય, બાળકોને કુપોષિત રાખી શકાય એટલા માટે જ તો? અહીં તો સરકારી અનર્થશાસ્ત્રીઓ પણ સેવામાં હાજર છે, ખેડૂતોની દેવા માફીની વાત હોય કે, પૂરો પગાર ચુકવવાની વાત હોય, ફિસ્કલ ડેફિસિટના છાજીયા લેતા આ બધા આજે ખોવાયા છે, એમનેય બટકું રોટલાની ભૂખ તો ખરી કે નહીં? હા, આ એ રાજ્ય છે જ્યાં દુષ્કાળ, અર્ધ-દુષ્કાળની સ્થિતિ છે, પશુઓને ચારો આપવાના સરકાર પાસે પૈસા નથી, પશુપાલક ઢીઠ મંદ 5 પશુનો ચારો આપે છે પણ હા, "સેવકો"ના પગાર વધારા માટે પૈસા છે. ઢોર ભૂખે મરે તો મરે, સેવકોના સંતાનો થોડા જ ભૂખે મરાય?

એ તો મૂર્ખ લોકો છે જે ઉચ્ચ શિક્ષણ મેળવી, જન્ગલોમાં વસી આદિવાસીઓ કે ગામડાઓમાં વસી ગરીબોના ઊંત્થાન માટે જીવન સમર્પિત કરે છે, એવું તો કરાતું હશે ? "સેવા" કરતા શીખો, કમાતા-ધમાતા, વેરો ભરતા, મહિને 17,000 જેટલી માતબર રકમ કમાતા નાગરિકો પાસેથી વળતર-પગાર- તો વસૂલવાનો જ હોય ને? આવા મૂડીપતિઓના સેવકોના બાળકો ભૂખે મરે એ કેમ ચાલે? મહેન્દ્ર મશરૂ તો "સેવા"નો મર્મ સમજતા નહોતા એટલે વિરોધ કરતા હતા, આ વિદ્વાનો એવા થોડા જ છે?

માંડ કોંગ્રેસને ફસાવવાની આવી તક આવે તો થોડી જ છોડાય? કોંગ્રેસ જેમના નામની દુહાઈઓ દઈ દઈને પ્રેસઃકોન્ફ્રાન્સો કરતી હતી એ ખેડૂતો, ફિક્સ-પગારવાળા, આંગણવાડીની બહેનો, બેરોજગારો, ખાનગી શાળાઓની ફી સામે લડતા વાલીઓ- એમ તમામની સામે કોંગ્રેસને  ઉઘાડી કરી દીધી. શ્રી નીતિનભાઈએ વિધાનસભામાં  ખોંખારો ખાઈને પૂછ્યું કે કોઈને વિરોધ હોય તો કહો, પણ વિધાનસભામાં અમીરોની સેવા કરવા બેઠેલા એવા ભોળા થોડા જ છે કે બોલે? એક વાક્યએ બધાના ચહેરા ઉપરથી દંભના "મુખૌટા" ઉતારી દીધા. કોંગ્રેસના વ્યૂહરચનાકારોની માનસિક પંગુતા જગતના ચોકમાં ઉઘાડી કરી દીધી.

કોંગ્રેસ પર સોસીઅલ મીડિયામાં પડતી પસ્તાળથી ભા.જ.પ. પ્રેમીઓ ખુશ હશે, પણ એ ખુશી લાંબી ટકવાની નથી, બિલ તો તમે લાવ્યા હતા કોંગ્રેસને ઉઘાડી પાડવા પણ તમારા રાજકીય દાવ-પેચમાં તિજોરી તો અમારી - જનતાની- લૂંટાઈ છે, છડે ચોક, ધોળે દહાડે ધાડ પડી છે. ગામડે આવો, તમારોએ જવાબ માગીશું - લઈશું. ભાજપ-કોંગ્રેસ, બંને ભાઈઓએ જવાબ આપવો પડશે, ભલે ભારે પડે... દુકાળના વર્ષમાં, સિંચાઇના પાણીના અભાવે, અમનેય આ બોજ ઘણો ભારે પડ્યો છે - છાતીએ વાગ્યો છે. 2019 માં મત લેવાના છે, જવાબ તો આપવો પડે એવી પાકી વ્યવસ્થા ગોઠવીશું, ચિંતા ના કરતા, સુખે પગાર-વધારો વાપરજો- તમારા કુપોષિત બાળકોને સારું સારું ખવડાવજો...

દોસ્તો, આ મનના ગરીબો ક્યારેય અમીર નહીં થાય જો જનતા જાગીને હિસાબ ના માંગે, આપણી આટ-આટલી સેવા કરતા આ મનના ગરીબોનો હિસાબ માંગવાનો સમય પાકી ગયો છે, નાગરિકો જાગો અને હિસાબ માંગો નહિતર ગુજરાતનું દેવું 3,00,000 લાખ કરોડને આંબવામાં છે, તમારા સન્તાનો ભીખ માગશે તોય આમની સેવા પુરી નહીં થાય..!

No comments:

Post a Comment