Wednesday, September 12, 2018

પારણાં...

ભાઈ હાર્દિક પટેલના પારણાં...

19 દિવસના ઉપવાસ પછી આજે હાર્દિક પટેલે પારણાં કર્યા એના વમળો સમાજમાં ઉઠવા સ્વાભાવિક છે! વખાણથી ફુલાવાનું કે ટીકાથી ડરવાની ઉતાવળ કરવા જેવી નથી. દરેક સિક્કાની બે બાજુ હોય છે, જુદી જુદી બાજુથી જોનારાને જુદું દેખાય એનો અર્થ એ નથી કે બેમાંથી કોઈ એક ખોટો છે.

સરકાર વાત કરતી નથી, વાત સાંભળતી નથી, ડંડાના જોરે હાંકતી હોય ત્યારે ઉપવાસ કેટલા ખેંચાય? ઇરોમ શર્મિલાના ઉપવાસ કેટલા વર્ષ ચાલ્યા? પરિણામ ના મળ્યું, ચૂંટણીમાં મત પણ ના મળ્યા એનો અર્થ હરગીજ  એવો નથી કે ઇરોમ શર્મિલા ખોટાં હતા!

ઉપવાસનું શસ્ત્ર નીતિવાન, મૂલ્યનિષ્ઠ વિરોધી સામે શોભે. જે બંધારણમાં ના મને, નીતિ-નિયમ કે લોકશાહી મૂલ્યોમાં ના માને એની સામે ઉપવાસનો અર્થ શો? ઉપવાસના પારણાં એક રીતે સમાજ માટે ગમ્ભીર ચિંતનનો મુદ્દો છે, આપણે એવી તે કેવી સરકાર ચૂંટી છે જે નાગરિક સાથે વાત સુધ્ધાં નથી કરતી? 
નક્સલવાદ-માઓવાદ-આતંકવાદ બધા સાથે વાત થતી હોય છે અને થવી જોઈએ તો જ સમસ્યાનું કાયમી સમાધાન આવે. હાર્દિક પટેલની 3 માંગણીઓ પૈકી, અનામતની માંગણી બન્ધારણીય મુદ્દો ગણીએ તો એ પણ વાટાઘાટથી જ ઉકલે, વાટાઘાટથી રસ્તો મળે અથવા આંદોલનકારીઓને ગળે ઉતારી શકાય કે માંગણી સ્વીકારી શકાય એવી નથી, પણ વાટાઘાટ વગર તો એ કેવી રીતે થાય?

બીજી બે માંગણીઓ; ખેડૂતોની દેવામાફી અને અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ. આ બન્ને માંગણીઓ તો સરકાર ઉકેલી જ શકે. ખેડુનાં મુદ્દે પણ વાત ના કેમ કરી શકાય?

કથીરિયા પર લાગેલો રાજદ્રોહનો આરોપ ખોટો છે, આંદોલન કરવાથી રાજદ્રોહ થતો નથી, ઉલટું હમણાં ન્યાયાધીશ શ્રી ચુંદ્રચુડે કહ્યું એમ dissent is sefty valve of democracy "આંદોલન તો જનતામાં વ્યાપેલા ધૂંધવાટનું નિકાસબારું છે," જો નિકાસબારું પુરી દેશો તો વિસ્ફોટ થશે, એના માટે સમાજ નહીં, સરકાર જવાબદાર ગણાય. આપણે લોકશાહી મૂલ્યો આધારિત સમાજની રચના કરવી છે કે વિસ્ફોટક સમાજની એ વિચારવાનો આ સમય છે. 19 દિવસના લાંઘણ પછી વિના ઉકેલે પારણાં થાય એમાં આંદોલનકારી તરીકે હાર્દિક પટેલ માટે નહીં, સરકાર માટે વાત સુધ્ધાં ના કરવાની શરમ છુપાયેલી છે. આજ પારણાં જો સરકાર વાત હાર્દિક પટેલના ગળે ઉતારીને કરાવી શકી હોત તો બંને ને શોભતું થાત, એમાં કોઈની હાર ના હોત લોકશાહીની જીત હોત. પણ, કાશ, "બૉયે પેડ બબૂલ કે તો આમ કહા સે હોય?" બાવળ વાવે કેરી ના પાકે એવો ઘાટ થયો છે, સરકાર સરમુખત્યાર ચૂંટીએ છીએ અને આશા લોકશાહીની રાખીએ છીએ....
- સાગર રબારી 

3 comments:

  1. બિલકુલ સાચી વાત છે. આંદોલન સિવાય ઉદ્ધાર નથી આ સરકાર મા.

    ReplyDelete