Friday, September 21, 2018

અમે મૂઆ બે લાખના!

ગઈ કાલે નાયબ મુખ્યમંત્રીશ્રીએ થોડા દિવસથી જેની રાહ જોવાતી હતી એ "ખેડૂત માટે મહત્વની જાહેરાત" કરી. જાહેરાતમાં નવું કશું નહોતું. અગાઉ શ્રીમતી આનંદીબહેન આની જાહેરાત કરી ચુક્યા હતા, એમણે તો 4 લાખ આપવાની જાહેરાત કરી હતી, પાના ભરી ભરીને જાહેરાતોય કરી હતી. વિજયભાઈ/નીતિનભાઈ તો કન્જુસ નીકળ્યા, બહેને 4 લાખ કહ્યા હતા એ અડધા કરી નાખ્યા- 2 લાખ, ઇજા થાય તો 1 લાખ.

આ જ વસ્તુ જો ઉદ્યોગોને આપવાની હોત તો કેટલા લાખની જાહેરાત થાત? અહીં, દારૂબંધીનો ભંગ કરે, કાયદાનો ભંગ કરે અને મરે તો 4-5 લાખ આપે, મોટા રોડ અકસ્માતમાં મરે તો પણ લાખો મળે, પરંતુ ખેડૂત ખેતરે કામ કરતા, સાપ-વીંચ્છીના ડંખથી મરે, વીજળી પડવાથી મરે, હિંસક પ્રાણીનો શિકાર બને તો 2 લાખ! આવું કેમ એટલું જ પૂછવું છે.

બીજું, આ યોજનામાં ખાતેદાર ખેડૂતના પરિવારજનોનો જ સમાવેશ કર્યો છે. વાસ્તવિકતા છે કે ગુજરાતમાં ઘણા જમીન-વિહોણા, આદિવાસીઓ અને શિક્ષિત બે-રોજગારો જમીન ભાગે કે ભાડે રાખીને ખેતી કરે છે. પરિવારના સભ્ય ના હોવાને કારણે ખરેખર ખેતરમાં કામ કરતા ખેત મજૂરો, ભાગે-ભાડે જમીન રાખનારા લોકોને આ યોજનાનો કોઈ લાભ મળવાનો નથી. શ્રી નીતિનભાઈને પણ થોડી-ઘણી જમીન વારસામાં મળી હશે પરંતુ તેઓ જાતે કે એમના પરિવારનું કોણ ખેતરમાં કામ કરવા પાવડો લઈને જતું હશે? તો આ યોજનામાં એમના ખેતરમાં કામ કરતા ગરીબને સમાવવાનો વિચાર એમને આવવો જોઈતો હતો. ખેર, હજી મોડું નથી થયું, સુધારો કરીને એમને સમાવવા જોઈએ.

એવી જ રીતે, ગુજરાતની પૂર્વપટ્ટી, અરવલ્લીના ડુંગરોમાં વસતા આદિવાસી, ભા.જ.પ. કે સંઘની ભાષામાં કહીએ તો 'વનવાસીઓ' આ યોજનાના લાભથી વંચિત રહેશે. એમને સરકારે સનદ નામે પતાકડું પકડાવીને આબાદ છેતર્યા છે, એમની પાસે ના તો 7/12 ના ઉતારા છે, ના 6ના હક્કપત્રક કે 8- અ ની નોંધો ય નથી. આવા ખાતાવગરના ખેડૂતોનું શું? સરકારે સુધારો કરવો જોઈએ અને આ બે સૌથી વધારે જોખમ લેતા ને જરૂરિયાતવાળા સાચા ખેડૂતોને લાભ આપવો જ જોઈએ.

ભા.જ.પ. સરકારની યોજના હોય અને કમ્પની ના કમાય તો યોજના શું કામની? ભલેને ખેડૂત, બેરોજગાર, શિક્ષણ, વીજળી, ગામડાના ઉદ્ધાર, વિદ્યાર્થી, શિક્ષણ કે દેશના સંરક્ષણને નામે જ કેમ ના હોય? આ યોજનામાં પણ નાણાં મન્ત્રીશ્રીએ આપેલા આંકડા પ્રમાણે વર્ષે સરેરાશ 1500 ખેડૂત અકસ્માતના કેસો નોંધાય છે. એ બધા કેસો મૃત્યું ના હોય, એમાં ગમ્ભીર ઇજાના કેસો પણ હોય જેમને 1,00,000 રૂપિયા સુધીની સહાય ચુકવવાની છે. એની સામે સરકાર કમ્પનીને 70-80 કરોડ રૂપિયા પ્રીમિયમના ચુકવશે. સાદો હિસાબ માંડીએ તો, 1500 મૃત્યુના કેસ ગણીએ અને ખેડૂતોને 2,00,000 લાખ લેખે ચૂકવે તો 30,00,00,000(ત્રીસ કરોડ) રૂપિયા ચૂકવવાના થાય. સીધા 40-50 કરોડ રૂપિયા કમ્પનીના ખિસ્સામાં બચે.

આના કરતા, સરકાર પોતાની પાસે અલગ ફન્ડ 70-80 કરોડ રૂપિયાનું રાખે તો ખેડૂતને આનંદીબહેને કરેલા વાયદા પ્રમાણે 4 લાખ ચૂકવે તોય 60 કરોડ રૂપિયા થાય, દુઃખી પરિવારને 2 લાખ રૂપિયા વધારે સહાય મળે અને સરકારના 10-20 કરોડ બચે એ જનતાના ભલામાં વપરાય.

પરંતુ આ તો "ભય, ભૂખ અને ભ્રસ્ટાચાર મુક્ત ગુજરાત" અને "હર હાથ કો કામ, હર ખેત કો પાની" ના વાયદા કરીને સત્તામાં આવેલો પક્ષ એમ થોડો જ વાયદા પાળે, એમના તો વાયદા હોય છે જ તોડવા માટે, છેતરવા માટે. ગુજરાતમાં અત્યારે ક્યારેય નહોતો એટલો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર છે, સરકારી આંકડાનો જ અભ્યાસ કરી લો જેથી સાચી સ્થિતિનો ખ્યાલ આવે.

સામાન્ય જનતાને લાગે કે સરકારે ખેડૂતોને ઘણું આપ્યું છતાં ખેડૂતો માગ માગ કરે છે, ધરાતા જ નથી! પરંતુ દોસ્તો, તમારા ટેક્ષના નાણાં ખેડૂતના ખાતામાં નહીં, વચેટિયા અને ઉદ્યોગપતિઓના ખાતામાં જાય છે.  'માર ખેડૂત ખાય ને માલ વચેટિયા ખાય' એ જ થાય છે ને થવાનું છે.

No comments:

Post a Comment