Saturday, September 29, 2018

ખેડૂતો સાવધાન, ચેતતા રહેજો, ચૂંટણી આવે છે!

વિધાનસભાની ચૂંટણી આવી ને ગઈ, એ વખતે પાણીની રેલમછેલ હતી, જેવી ચૂંટણી પતી કે નર્મદામાં પાણી સુકાઈ ગયું. સરકારના ઈશારે કેટલાક છાપાં ખાલી નર્મદાના ફોટા છાપવા મંડ્યા, ખેડૂતોને પરોક્ષ રીતે સમજાવવા માટે કે પાણી જ ના હોય તો સરકાર શું કરે? સરકારને બચાવવાની પેરવી હતી. વિધાનસભામાં માર ખાઈ ચુકેલી સરકાર હવે ડેમમાં પાણી છે તોય એના કમાન્ડ વિસ્તાર એવા સુરેન્દ્રનગર-મોરબી-અમદાવાદ-ભાવનગર-બોટાદ-મહેસાણા-પાટણ-બનાસકાંઠા-કચ્છના ખેડૂતોના ઉભા પાક સુકાવા દઈ રહી છે, પાણી છોડતી નથી.

કલ્પસર પછી 'સૌની' યોજનાના નામે ખેડૂતોને મૂરખ બનાવે છે, જો પાણી છે તો સૌની યોજનામાં સમાવેલા ડેમ ભરતા કેમ નથી? કેમ ખેડૂતો ડેમમાં ક્રિકેટ રમે છે તોય જોતા નથી? ઉભા કપાસ-મગફળી જેવા કિંમતી પાક સુકાઈ જાય પછી પાણીને શું કરશું? આ તો "મા મર્યા પછી કાજુ-બદામની ખીચડી ખવડાવવા જેવી વાત છે."

ખેડૂતો ડેમના દરવાજાના રાજકારણમાં મૂર્ખ બનતા રહ્યા ને એમનું પાણી ચોરાઈ ગયું. દરવાજા લગાવ્યા તોય ચોમાસુ પાક બચાવવા પાણી તો મળતું નથી. એટલે, પાણી-વિસ્તાર-જ્ઞાતિ-ધર્મને નામે થતા રાજકારણને સમજો અને એ પ્રમાણે નિર્ણય કરો.

હવે ચૂંટણી સામે આવે છે, ખેડૂતો, ખાસ સૌરાષ્ટ્રના, ધ્યાન રાખજો, ભૂતકાળ ચકાસ્યા વગર કોઈ નેતા/સંગઠનની જાળમાં ફસાશો નહીં. નેતાગીરી તમારી રાખો, માર્ગદર્શન બધાનું લો તો જ ઉદ્ધાર થશે. હમણાં હમણાં સૌરાષ્ટ્રના ખેડૂતોના ફોન આવે છે કે ભૂતકાળમાં ખેડૂતોને છેતરનારા સંગઠનો ફરીથી ખેડૂતોના હામી બનવાનો દંભ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે. ગામે ગામ ફરી ભૂંડ અને નીલગાયના મુદ્દે આંદોલન કરવાની વાતો કરે છે, ખેડૂતો માથે ચડેલું દેવું, પાણી, ભાવ વગેરે એમના માટે મુદ્દા નથી, કારણ એ માંગે તો સરકારમાંથી ઠપકો મળે એમ છે! એટલે  ખેડૂતોને એમના ઉપર વિશ્વાસ બેસતો નથી, મને ફોન કરે છે, કૈંક કરવા કહે છે.

મારે એટલું જ કહેવું છે કે, તમારા  ગામમાં આવતા કોઈને હું કેવી રીતે રોકી શકું? તમારા ગામમાં આવનારનું સ્વાગત કેવી રીતે કરવું એ તમારે નક્કી કરવાનું હોય ને? આવડે ને સુજે એવું સ્વાગત કરો. દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. મૂરખ બનાવવાવાળા તો બનાવશે, એમનો તો ધંધો છે રાજકીય દલાલી કરવાનો. ખેડૂતો વારે વારે મૂરખ બનનારા કેવા? શા માટે વારે વારે છેતરાવ છો? કોઈ પારકો આવીને તમારો ઉદ્ધાર નહીં કરે એ લખી રાખો. તમારી મુશ્કેલીઓ તમને ખબર છે, એના ઉકેલ પણ તમારી પાસે છે તો બીજાની રાહ કેમ જુઓ છે?

હું ઈચ્છું છું કે ગુજરાતના ગામે ગામ ખેડૂત યુવાનો પોતે આગળ આવે અને નેતાગીરી હાથમાં લે, તાલુકે તાલુકે સંગઠન બનાવો, જ્યાં માર્ગદર્શન કે મદદની જરૂર હોય ત્યાં ભરોષો બેસે એની મદદ લો. દરેક સંગઠનો મળીને રાજ્ય સ્તરનું ફેડરેશન બનાવો અને રાજ્યસ્તરના મુદ્દા એની સાથે મળીને ઉઠાવો.

ખેડૂતોના મોટા ભાગના મુદ્દા તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉકલે એવા હોય છે, એના માટે ગાંધીનગર આવવાની કે રાજ્યસ્તરના સંગઠનની જરૂર ખુબ ઓછી હોય છે.

ખેડૂતો અનેકવાર છેતરાયા છે એટલે બહાર નીકળતા નથી એ વાત સાચી છે છતાં, ઘર પકડીને બેસી રહેવાથી કાંઈ નહીં વળે, લોકશાહીમાં તો માથા ગણાય છે, જાગો અને સંગઠિત થઇ બહાર નીકળો તો જ ઉદ્ધાર થશે. 500-1000 ખેડૂતો સાથે મળીને મામલતદાર કે કલેક્ટર ઓફિસે જાય તો કામ કેમ ના થાય? રોટલા લઈને જઈએ અથવા ત્યાં જ ચૂલો પેટાવીએ, ગરમા-ગરમ રાંધીએ ને ખાઈએ, કામ પતે ના ત્યાં સુધી ધામા નાખીએ તો તંત્ર રાડ પાડી જશે ને કામ કરવા માંડશે. એકવાર તંત્ર પર ધાક બેસાડશો તો જતા જ કામ થવા માંડશે. આજે નાના નાના કામો માટે જુદા જુદા જઈને ભ્રસ્ટાચારનો ભોગ બનો છો તે સદંતર બંધ થઇ જશે.

ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે હમણાં હમણાં મીડિયામાં ચમકવા માટે કાર્યક્રમો કરવાનું ચલણ વધ્યું છે એ ભયજનક છે. જરૂરીયાત પ્રમાણે કામ અને કાર્યક્રમ કરો, મીડિયા બધું સમજે છે, એમને આપણા કરતા ઘણી વધારે ખબર છે કે કોણ શું છે, શું કરે છે અને કેમ કરે છે. મીડિયામાં આવવાથી મુદ્દા નથી ઉકલતા, કામ કરવાથી ઉકલશે અને લોકોના દુઃખ દૂર થશે તો મીડિયા ચોક્કસ નોંધ લેશે એવો મારો વર્ષોનો અનુભવ છે.
એટલે ફરી ફરી વિનંતી કરું છું, ખોટા હાથોમાં ફસાશો નહીં, સાવચેત રહો, વારે વારે છેતરાઈએ તો ભોળા નહીં, મૂરખા ગણાઈએ. વાતને ખોટી રીતે લેશો નહીં, લાંબાગાળે સાચી લાગશે.

બીજું, વારે વારે ખેડૂતોને ખોટા ખોટા મુદ્દા લઈને છેતરવા નીકળનારાઓને એટલું જ કહેવું છે, "તમારું પેટ ના ભરાતું હોય, રાજકીય પક્ષની દલાલી વગર છોકરા ભૂખે મરતા હોય તો 12 મહિનાની બાજરી માંગી લેજો, ખેડૂતો ઉદારતાથી આપી દેશે પણ, મહેરબાની કરીને, તમારી દલાલી વાસ્તે, ખેડૂતોને છેતરશો નહીં."

1 comment: