Sunday, September 30, 2018

અછતગ્રસ્ત ગુજરાતમાં 'ડોમ-ડોમ' ભાષણે સાહ્યબી..!

વિધાનસભાની 2017ની ચૂંટણી દરમ્યાન પાણીનો જે વપરાશ કહો કે ઉપયોગ-દુરુપયોગ થયો એની વાત હાલ ના કરીએ તો પણ, ચાલુ વર્ષ ગુજરાત માટે વસમું છે. વસમાં વરસનો અંદાજ તો ચોમાસુ ખેંચાયું ત્યારે જ હતો છતાં વરસ આટલું વસમું હશે એવો અંદાજ તો નહોતો જ. આપણા ત્યાં અધિકૃત રીતે ચોમાસુ 1લી જૂનથી શરુ થાય અને 31 ઓક્ટોબરે પૂરું થયેલું ગણાય છે, ઓગસ્ટમાં અંદાજ આવી જાય કે વર્ષ કેવું હશે.

ચાલુ વરસના ભારત સરકારના હવામાન વિભાગના આંકડા જોઈએ તો,  ગુજરાતમાં માત્ર એક ગીર સોમનાથ જિલ્લો છે જ્યાં સામાન્ય કરતા વધારે વરસાદ થયો, એકસામટો પડ્યો ને તારાજી વેરી ગયો એ જુદી વાત છે પરંતુ આંકડાની ભાષામાં તો સામાન્ય કરતા 61% વધારે વરસાદ થયો છે.

10 જિલ્લા એવા છે જેમાં સામાન્ય (પ્રમાણસરનો) વરસાદ થયો છે, સરકારની પ્રમાણસરની વ્યાખ્યામાં સરેરાશ કરતા 19 % વધારે કે ઓછો હોય તો સામાન્ય ગણાય છે. આ સામાન્ય વરસાદના જિલ્લાઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના છે. આ 10 જિલ્લાઓના નામની સામે કૌંસમાં + અને - ની નિશાની છે તે વરસાદ એટલો વધારે કે ઓછો છે તે બતાવે છે.
1. વલસાડ …………………………………          +7
2. ડાંગ ……………………………………….       +11
3. નવસારી …………………………………..       +11
4. સુરત ……………………………………….      +3
5. ભરૂચ ……………………………………....        -6
6. આણંદ……………………………………….      +5
7. પંચમહાલ …………………………………..     -19
8. અરવલ્લી ………………………………… ....  -14
9. અમરેલી ……………………………………..    -5
10. જૂનાગઢ …………………………………….. +5

બીજી બાજુ 20% થી લઈને 59 % જેટલો ઓછો વરસાદ થયો હોય એવા 18 જિલ્લા છે:
1. તાપી …………………………………..        -23
2. નર્મદા ……………………………........       +37
3. વડોદરા ……………………………....         -41
4. છોટા ઉદેપુર …………………………         +25
5. મહીસાગર …………………………...          -25
6. ખેડા. ……………………………......           -26
7. સાબરકાંઠા ………………………..….         -33
8. મહેસાણા ………………………..…...          -55
9. ગાંધીનગર ……………………...…             -54
10. અમદાવાદ ………………………              -55
11. સુરેન્દ્રનગર ……………………….            -52
12. બોટાદ ………………………..…...            -21
13. ભાવનગર …………………...…….           -22
14. મોરબી ……………………...……...          -53
15. રાજકોટ …………………...………...         -36
16. જામનગર ………………....………..          -33
17. પોરબંદર ………………..…………..        -31
18. દેવભૂમિ દ્વારકા …………....……………    -41
અને સૌથી કારમી સ્થિતી ઉભી થઇ હોય તો એ છે...
1. બનાસકાંઠા ……………………………... -62
2. પાટણ ……………………………........... -64
3. કચ્છ ..... ……………………………......  -64

ભારત સરકારના આંકડા છે. ખોટા છે, સરકારને બદનામ કરવાનું કાવતરું છે, એવું કહેવાની જગ્યા જ નથી ગુજરાત સરકાર પાસે. બીજી બાજુ સરદાર સરોવર ડેમના દરવાજા લાગશે એટલે ગુજરાત નંદનવન બની જશે, પાણીની અછત ભૂતકાળ બની જશે વગેરેને લઈને 25 વર્ષ સુધી ગુજરાતની જનતા અને ખેડૂતોને ભરપૂર મૂર્ખ બનાવ્યા, ખેડૂતોના રોષમાં એક કારણ, ભરપેટ મૂર્ખ બન્યા-છેતરાયાનો ગુસ્સો પણ છે જ. હવે એ જ ડેમ, દરવાજા લાગવા છતાં, ઉભા પાક - કપાસ, મગફળી, એરંડા વગેરેને સુકાતા બચાવી શકતો નથી, સગા દીકરા જેમ ઉછેરેલા છોડવા નજર સામે સુકાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને ગયે ઉનાળે સરકારે મોટા પાયેઉત્સવ ઉજવીને કરેલી જળક્રાંતિ હૈયે વાગે છે.

આવા કપર પ્રસંગે, દુઃખની ઘડીમાં સરકાર કયું રાજકારણ કરે છે એ સમજાતું નથી. ગામડામાં પીવાનું પાણી મુશ્કેલ છે, પશુઓને ચારો મુશ્કેલ છે અને ખેતમજૂરોને કામ નથી તોય સરકાર "અછતરગ્રસ્ત" અથવા "અર્ધ-અછતરગ્રસ્ત" વિસ્તારોની જાહેરાત કરવામાં આટ-આટલો વિલંબ કેમ કરી રહી છે? વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ રંગેચંગે ઉજવાઈ જાય એટલા માટે? કોઈ ટોણો ના મારે કે ગુજરાતની જનતા તરસે મરતી હતી, પશુઓ ચારા વગર ટળવળતા હતા, ઉભા પાક સુકાતા હતા, કલ્યાણપુર તાલુકાના ખેડૂતો પોતાના તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આવેદનપત્ર આપતા હતા, મોરબીના ખેડૂતો બહુપ્રચરિત "સૌની" યોજનાના વાયદા પ્રમાણે ડેમી-2 અને ડેમી-3 બંધમાં પાણી નાખવા માટે સરકારનું ધ્યાન દોરવા હવાતિયાં મારી રહ્યા હતા અને બીજી બાજુ રાજ્ય આખાનું મંત્રી મંડળ વડાપ્રધાનની સભાઓમાં ભીડ ભેગી કરવા એસટીના રૂટ કેન્સલ કરીને વાહન વ્યવસ્થા કરી રહ્યું હતું? મોંઘેરા મહેમાનો માટે 1500/- રૂપિયાની થાળીની વ્યસ્થામાં કરવામાં સરકાર વ્યસ્ત હતી.

ઇતિહાસ નોંધશે કે જનતા બચવા માટે રાન-રાન ભટકી રહી હતી ત્યારે સરકાર ઉજવણીમાં મસ્ત હતી અને જનતાએ જેને વિરોધપક્ષની ભૂમિકા સોંપી છે - જેનું કામ સરકાર પર નિગરાની રાખવાનું, અંકુશ મુકવાનું છે - એ પગાર વધારાની મસ્તીમાં મસ્ત હતો!! આજે કોઈએ ભડકે બળતા રોમ ને ફીડલ વગાડતા નીરોને યાદ કરવાની જરૂર નથી, નજરે જોઈ લો, જાતે અનુભવી લો... આ જ સ્થિતિ રોમની હતી જે આજે આપણી છે, ચહેરા બદલાય છે, વૃત્તિ અને વિલાસિતા એ જ છે !


- સાગર રબારી

2 comments:

  1. Very nice analysis and information has been given. The government is lying in dead sleep, farmers are in a critical situations.please continue your journey of true story and connect with facts..thanks for your commendable efforts to expose the Govt.. 🌸

    ReplyDelete
  2. પાણી પર રાજકારણ ખેલતા નપાણીયા નેતાઓ ને કદીક ધરમના નામે, ક્યારેક બહારના-ગુજરાતી તરીકે અને હમેશા નાત-પેટા જાત ના ગણિત તો અચૂક. ખેતી પર નભતા તમામ એકતા નહીં સાધે એ વિશ્વાસ પર આ વર્ષો/દાયકાઓ નું રાજકારણ નભે છે. ભાગીયો, આદિવાસી, સિંચાઈ જમીન, વરસાદી ખેતી, ખેતમજૂર, શહેર ભણી પલાયન કરતો ખેડૂત પરિવાર નો યુવાન; આ સૌ ના હિત ખેતી સિચે છે પણ એમને કોણ કરે એક મુઠ્ઠીમાં?

    ReplyDelete