Saturday, April 11, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૩)


વધારે ને વધારે સુખની લાલસા ને શહેરમાંથી સ્થળાંતર!
-     દુનિયા આખીમાં વધતું ઔદ્યોગિક પ્રદુષણ અને સજીવ કચરો અનેક પ્રકારના રોગ ફેલાવતા જીવાણુઓને જન્મ આપે છે અને શહેરની ગીચતા એને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. છેલ્લા ૨૦ વર્ષમાં એઇડ્સ, સરસ, એચ૧એન૧ અને હવે કોરોના (કોવિદ-૧૯) જેવી બીમારીઓએ દુનિયા આખીને ભરડો લીધો. બીમારીઓ, દરિયાઈ વાવાઝોડા અને વરસાદી પ્રકોપો બદલાતા વાતાવરણ, બદલાયેલી જીવનશૈલી અને વિચાર્યા વગરના વિકાસની ભુખનું પરિણામ છે. જેમ બિન-જરૂરી વિકાસની ભુખ વધશે એમ આવી પ્રકૃતિ પ્રેરિત આપદાઓ વધશે.
-     અનિચ્છાએ પણ લાદવા પડેલા લોકડાઉનથી કેટલાક લાંબાગાળાના ફાયદા દેખાયાના સમાચારો આવતા રહે છે. જેમ કે જલંધરથી હિમાલયની પર્વતમાળાના દેખાવી, ગંગા, યમુના અને નર્મદાના પાણી શુદ્ધ થવા, ગબ્બરનું શિખર દુરથી દેખાવા માંડવું કે આકાશ સાફ દેખાવું.
-     વિચારવા જેવી વાત છે કે વાતે વાતે દવાખાને દોડતા લોકો બંધ થયા છે, અચાનક જ નાની બીમારીઓ – બી.પી. વધવું/ઘટવું-અપેન્ડીક્ષ-બાયપાસ-વાતે વાતે લેબોરેટરીના ટેસ્ટ – બધું સાવ બંધ જેવું થયું છે. એમ્બુલન્સોની ચીસો સંભળાતી બંધ થઇ છે. કેમ બધાને એપેન્ડીક્ષ મટી ગયા, લોહીની નસો સાફ થઇ ગઈ, બી.પી. બરાબર થઇ ગયા કે દુખાવા મટી ગયા? કે પછી આ આખું આર્થિક ચક્કર હતું જેમાં બિન-જરૂરી, ડરાવીને દાખલ કરતા હતા જેની જરૂર જ નહોતી? ડરાવીને બાય-પાસ કરાતી હતી? તપાસ કરો તમારી આસપાસ આ દિવસોમાં કેટલા લોકો દવાખાને ગયા? કેટલા લોકોને દાખલ કર્યા? કેટલાને બાયપાસ કરવી પડી? કોની એપેન્ડીક્ષ શરીરમાં જ ફાટી ને માણસ ગુજરી ગયું? આ ડરાવી ડરાવીને કરતા વેપાર, પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો, જેના ઉત્પાદન વગર આપણે મજાથી અત્યારે જીવી રહ્યા છીએ, એનાથી થતી પૈસાની હેરફેર એટલે જી.ડી.પી.! જેમ જેમ જરૂરી કે બિન-જરૂરી નાણાકીય વહેવારો વધે એ વધતો જી.ડી.પી.!! એટલું સમજો કે વધતા શહેરો કે વધતો જી.ડી.પી. માણસના સુખની નિશાની નથી જ નથી. વધતો જી.ડી.પી. સામાન્ય જનતાને સુખી કરે જ એવું નથી. સામાન્ય જનતાને બીમાર પાડીને, પ્રદુષણ ફેલાવીને, જમીનો વેચીને, ખનીજો ખોદીને જી.ડી.પી. વધારાય છે.!! એટલા માટે જ કહીએ છીએ કે જી.ડી.પી. શું છે એ પહેલા સમજીએ ને પછી હઈશો હઈશો કુટીએ...! જી.ડી.પી. નીચો રાખીને માણસ/સમાજ વધારે સુખી અને સ્વસ્થ થઇ જ શકે છે..! સામાન્ય જનતાના સુખ અને જી.ડી.પી.ને કોઈ સંબંધ નથી.
-     સામાન્ય સમાજે સરકારો પાસે સુખ માંગવાનું છે, જી.ડી.પી. નહી...! ભલે સરકારે કોઈ પણ પક્ષની હોય.
-     જી.ડી.પી. પ્રકૃતીનું સંતુલન બગાડે છે, જયારે હદથી વધારે સંતુલન ખોરવાય ત્યારે પ્રાકૃતિક વિપદા આવે છે. પ્રાકૃતિક વિપદા જીવનની ક્ષણ-ભંગુરતાની જેમ જ શહેરની ઝાકમઝોળની ક્ષણ-ભંગુરતા દેખાડી દે છે. ‘વિકાસનું તકલાદીપણું’ તરી આવે છે, અસ્તિત્વનો સવાલ ઉભો થાય ત્યારે શહેર દગો દઈ દે છે, વતનનું ગામ યાદ આવે છે. વતનમાં જ સલામતીનો, પોતાપણાનો સાદ સંભળાય છે. એટલે, કંઈ ના મળે તો ચાલતાય વાટ તો વતનની જ પકડાઈ જાય છે. સુરતની જ વાત કરીએ તો તાપીની રેલ હોય, હીરામાં મંદી હોય, પ્લેગ હોય કે કોરોના, છેલ્લે હાથ પકડીને સલામતી અને સધિયારો તો વતનનું ગામ-ખોરડું જ આપે છે જ્યાં જી.ડી.પી. ઓછો પરંતુ, સુખ-સલામતી-પર્યાવરણ (પ્રકૃતિ) વધારે હોય છે. આવનારા સમયમાં વતનના ગામ-ખોરડે સધિયારો શોધવો પડે એવી ઘટનાઓ વારંવાર બનશે. કારણ, શહેરો હવે થાક્યા છે, વધારે બોજ સહન કરી શકે એવી એમની સ્થિતિ જ નથી, ચાહે સાફ-સફાઈ-રહેઠાણ-આરોગ્ય-શિક્ષણ-પરિવહન-સલામતી-રોજગાર કે કમાણી આપવાની હોય! શહેરોની ક્ષમતા પૂરી થઇ એટલે હવે વળતા વતનની વાત પકડવાના દિવસો આવશે જ.
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
વધુ આવતી કાલે...

Friday, April 10, 2020

અમને વ્હાલી વતનની માટી!! (૨)


શહેરો હવે થાક્યા છે!

આજે, આટલા વરસે શહેરોમાં અગાઉની એ પરિસ્થિતિ રહી નથી. આપણા જેવા જ વખાના માર્યા ગુજરાત બહારથી પણ લોકો ગુજરાતના શહેરો તરફ વળ્યા. એમ, સ્થાનિક, રાજ્યના અને રાજ્ય બહારના મળીને અનેક લોકો જુદા જુદા બજારો પર કબજો જમાવવા માંડ્યા. હવે શહેર વધારે માણસોને સમાવી શકે, કામ, રોજગાર ને રહેઠાણ આપી શકે એટલું ગજું નથી. એટલે, પાછળથી, દેખા-દેખી ને સામાજિક મોભો જાળવવા માટે શહેરમાં જનારાઓ માટે શહેર વધારે કાઠું બન્યું છે. હવે શહેરમાં કામ-ધંધા માટે બહારના સાથે હરીફાઈ ઓછી ને પોતાના જ વતન તરફથી આવેલા, પોતાના જ લોકો સાથે હરીફાઈ વધવા માંડી છે. કપરી હરીફાઈમાં નફા કપાવા માંડ્યા.
શહેરો હવે વસ્તીથી ફાટ-ફાટ થઇ રહ્યા છે, શહેરોમાં ખુબ ઓછું હવે સરકારી બચ્યું છે. રહેવા માટે ઘર ખરીદવું હોય તોય મોંઘુ ને ભાડે લેવું હોય તોય મોંઘુ. નોકરી મળે નહી, મળે તો પગાર ઓછા, ધંધો કરવો હોય તો મૂડી મોટી જોઈએ. બાળક ભણાવવા ઢંગની સરકારી નિશાળ નહી, ખાનગીમાં ભણાવો તો બે છેડા ના મળે, ‘સાત સાંધતા તેર તૂટે’ વાળો ઘાટ છે. બીમાર પડો તો સારા સરકારી દવાખાના નહી, ખાનગી દવાખાનાના ખર્ચને પહોચી ના વળાય. બસોના ઠેકાણા નહી ને બાઈકના પેટ્રોલ મોંઘા. આ બધામાં શહેરમાં ઘર ચલાવવું હવે નથી પોસાતું. ગામડે પાછા જતા સામાજિક શરમ કે બંધનો નડે ને શહેરમાં છેડા મળતા નથી એટલે નાના ધંધાદરીઓના સપરિવાર આપઘાતના બનાવો બનવા માંડ્યા...! જે શહેરોએ મુસીબતમાં આશરો આપ્યો એ શહેરો હવે સાચવી/સંઘરી શકે એમ નથી. સરકાર પોતાની પ્રાથમિક જવાબદારીઓમાંથી છટકતી ગઈ, ખાનગી નિશાળો એન ખાનગી દવાખાના, ગાંઠના ખર્ચીને વાહન લીધું એને જ ગુજરાતનો વિકાસ સમજ્યા! બીજી બાજુ આપણને તો ભણાવી જ દીધું છે કે સરકાર બિચારી શું કરે? અરે કેમ ના કરે એવું પૂછવા જેટલી આવડત કે હિંમત આપણામાં બચવા જ નથી દીધી! જો સરકાર સારી નિશાળ-કોલેજો, સારા દવાખાના, સિંચાઈની સગવડો, મધ્યમવર્ગને સારી રીતે જીવવા જરૂરી સગવડો ના આપી શકે તો સરકારનું કામ શું એ પૂછવા જેટલી હિંમત કે અક્કલ લાવવી ક્યાંથી? ગાંધી-સરદાર-રવિશંકર મહારાજ કે ઇન્દુચાચા જેવા ખમીરવંતા પૂર્વજોનો વારસો ધરાવતો ગુજરાતી સમાજ કયારે “રાજકીય ઘેટાં”માં ફેરવાઈ ગયો એ એને ખુદને જ ખબર ના પડી! અહી, કોઈ પક્ષની વાત નથી, જે જનતાનું હિત ના સાચવી શકે એ પક્ષ કે નેતાને જાકારો આપવાની (તળપદી ગામઠી ભાષામાં કહું તો ‘લાત મારવાની’) જે સમાજ (અહી, જ્ઞાતિ નહી, ગુજરાતી તરીકે લેવું.)માં સમજણ ના હોય એ છેલ્લે માનસિક ગુલામીમાં સબડવા સર્જાયો હોય છે. આવો નાહિંમત ને નાસમજ લોક-સમૂહ નાછૂટકે, ડરપોક માણસ જે કરે તે આપણે કરવા માંડ્યા, કર્મ-નસીબ-ભગવાનને સોપી દીધું! આપણે શું કરીએ?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા
(વધુ આવતી કાલે...)

અમને વ્હાલી વતનની માટી!! (૧)


ગામ કેમ છોડવા પડ્યા?
ગુજરાતમાં વર્ષ ૧૯૮૫-૮૬-૮૭, એમ સળંગ ૩ દુકાળ પડ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત માટે ખુબ કપરો સમય હતો. સળંગ ૩ દુકાળના વરસોમાં પાણીની અછતે ખેડૂતો, ગામડાના અર્થતંત્રને ભાંગી નાખ્યું હતું. ઉગરવાનો કોઈ આરો દેખાતો નહોતો એવો કપરો સમય હતો. જીવથી વધારે વ્હાલા જાનવરો – ગાય-બળદ-ભેંસ-ને રેઢાં છોડી દેવા પડ્યા હતા. સળંગ ૩ દુકાળની ઝીંક ના ઝીલી શક્યા એવા લોકો રોજી-રોટીની શોધમાં અમદાવાદ અને દક્ષીણ ગુજરાત તરફ હિજરત કરી ગયા. જે લોકો શરૂઆતમાં શહેરોમાં જઈને વસ્યા એમાં મોટા ભાગનાએ મજબુરીમાં હિજરત કરી હતી. ગામડે જેને પોષણ હતું એવા કોઈએ હિજરત નહોતી કરી.
એ વાતને વર્ષો વીતી ગયા, ગુજરાતમાં ત્યારે અને અત્યારે પાણીની સ્થિતિ શું છે એ જરા જોઈએ. આટલા વર્ષોમાં આપને કેટલી પ્રગતિ/વિકાસ કર્યો એના ઉપર નજર કરીએ. ગુજરાત મહારાષ્ટ્રથી છુટું પડ્યું એ પછી ૧૯૬૧માં ગુજરાતમાં માથાદિઠ પાણીની ઉપલબ્ધતા ૨૪૬૮ ઘનમીટર પ્રતિ વ્યક્તિ, પ્રતિ વર્ષ હતી, વર્ષ ૨૦૧૫માં એ ઘટીને ૭૩૮ ઘનમીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ બચી છે.

વર્ષ ૨૦૦૧માં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ/ઘનમીટર ના આંકડા....
મધ્ય અને દક્ષીણ ગુજરાત   ૧૮૮૦  ઘનમીટર
કચ્છ                          ૭૩૦    ઘનમીટર
ઉત્તર ગુજરાત                 ૫૪૩  ઘનમીટર
સૌરાષ્ટ                        ૫૪૦  ઘનમીટર
૫૪૦ અને ૫૪૩ ઘનમીટર પાણી હતું ત્યાંથી આપણામાંના મોટાભાગના ક્યાં જઈને વસ્યા? જ્યાં ૧૮૮૦ ઘનમીટર પ્રતિ વ્યક્તિ પાણી હતું. એટલે કે, જ્યાંથી નીકળ્યા એના કરતા જ્યાં વસ્યા ત્યાં પ્રતિ વ્યક્તિ ૧૩૪૦ ઘનમીટર પાણી વધારે હતું.
ડૉ. એમ ફાલ્કાનમાંર્કનો અભ્યાસ કહે છે કે “વાપરી શકાય એવા પાણીનો પુરવઠો માથાદીઠ ૧૦૦૦ ઘનમીટર કરતા નીચો જાય તો, પાણી પુરવઠો આરોગ્ય, આર્થિક વિકાસ અને માનવ હિતોને નુકશાન પહોચાડવાનું શરુ કરે છે!”
આની સીધી અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સ્થળાંતરમાં દેખાય છે! ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક ફરક એ છે કે, ભલે ઊંડું અને ક્ષારયુક્ત પણ પેટાળમાં પાણી છે. સૌરાષ્ટ્રની ધરતી નીચે પથરાળ હોવાથી સારું કે ખરાબ, એક હદથી નીચે પાણી જ નથી. પાણીના અભાવે જેમને માત્ર જીવવા માટે હિજરત કરવી પડી તેમના માટે તો શહેરમાં રૂપિયા રળવા એ જ એકમાત્ર કામ હતું, કોઈ સુખ-સુવિધા કે એશો-આરામની નહી, જીવી જવાની, ટકી રહેવાની મથામણ હતી. એટલે, સારા-નરસા, નૈતિક-અનૈતિક કે છોછ-શરમમાં પડ્યા વગર જેને જે કામ મળ્યું એ કરવા માંડ્યું.
એ વખતે શહેરોમાં માણસોની અછત હતી, શહેરને માણસો જોઈતા હતા એટલે જે ગયા એ બધાને નાનું-મોટું કામ મળવા માંડ્યું, જેમ જેમ કામ મળવાના સમાચાર વતન પહોચવા માંડ્યા એમ વતન તરફથી શહેર તરફ હિજરત વધવા માંડી.
બીજી બાજુ, જેની ફરજ છે આ કામ કરવાની છે એ સરકારે શું કર્યું? ગુજરાતના ડેમોની જે સિંચાઈ ક્ષમતા છે એના માંડ ૫૦% જેટલો જ ઉપયોગ થાય છે. નહેરો તૂટ્યા પછી ભાગ્યે જ રીપેર થાય છે, નર્મદાના નીર હજુ ખેતરો સુધી પુરા પહોચતા નથી. સિંચાઈ યોજનાઓનું પાણી ઉદ્યોગો તરફ વળાઈ રહ્યું છે, સિંચાઈ વિસ્તાર ઘટાડતો જાય છે. વિકાસની હરણફાળ પછી આજે પણ ગુજરાતમાં નહેરથી થતી સિંચાઈ ૨૫%ની આસપાસ જ છે, જે ૧૯૯૫મ હતી, કોઈ વધારો થયો નથી, નર્મદાનું પાણી આવ્યું તો સામે એટલું બીજું પાણી સરકાર બરાબર બાદ કરી લીધું છે. કુલ સિંચાઈ, તળાવો, ટ્યુબવેલો, કુવા અને નદીઓના પાણીથી થતી સિંચાઈ ઉમેરીએ તો ૪૮% છે. આટલા વરસોના વિકાસ પછી પણ ગુજરાતનો સિંચાઈ વિસ્તાર કેમ વધતો નથી એવો સવાલ આપના મનમાં આવતો જ નથી! વાસ્તવિકતાનો વિચાર કરવાને બદલે ઉલટા આપણે તો “ગુજરાતી એટલે મહાન વેપારી પ્રજા” અને “ગુજરાત એટલે નંબર-૧”ના નશામાં ઝૂમી રહ્યા છીએ. આપણી સ્થિતિ દેશમાં કેટલામાં નંબરે છે એ ખબર જ નથી, જાણી જોઈને નથી પડવા દેવાતી. વિકાસના નશામાં બરબાદીના રસ્તે સર-સરાટ દોડી રહ્યા છીએ, બરબાદીને જ વિકાસ માનીએ છીએ એટલા ‘રાજકીય અભણ’ લોકો છીએ આપણે!! રાજકારણ શું અને શેના માટે છે એ જ ખબર નથી, હઈશો-હઈશોને રાજકારણ સમજીએ છીએ..! રાજકારણ એટલે જનતાનું ભલું, અને જનતાનું ભલું એટલે સારી નિશાળો, સારા દવાખાના, સિંચાઈની બીજી માળખાકીય સગવડો, પરીવહનની સગવડો, નાગરિકોની સલામતી, તમામ નાગરિકોને ગૌરવપૂર્વક જીવવા માટે જરૂરી રોજગાર અને સલામતી સાચવવા માટે હોય છે એ જ આપણે ખબર નથી. આપણને તો પોપટપાઠ ભણાવી દીધો કે, મારી નાતનો ને મારા ધર્મનો એટલે નેતા, એને ગમેતેમ કરી જીતાડવો એટલે રાજકારણ. પછી એ ભલેને ભૂખ ભેગા જ કરે..! એમાં લાયકાતનું ક્યાં કામ છે?
-     સાગર રબારી અને પર્સીસ જીનવાલા

Monday, April 6, 2020

મરવાનીય ફુરસદ નથી ભાઈ...!


ઘણાને મોઢે સાંભળતા હતા, ‘હાલ તો મરવાનીય ફુરસદ નથી એટલું કામ છે’, એમાં ગામડે જવાની ક્યાં માંડો છો?? જઈને શું કાઢી લેવાનું? ખેતર સરખા કરાવીએ, નવી માટી નખાવીએ, ખાતર-દવા-બિયારણ, ભાગીયાને ઉપાડ, ખેતીમાં મૂડી નાખી નાખીને લેવાનું શું? એના કરતા અહી ધંધામાં રોકીએ તો બે પૈસા કમાઈએ..!
જેને મરવાનો ય ટાઇમ નહોતો એ અત્યારે જીવ બચાવવા ગામ/ખેતરે એકલા નવરાધૂપ બેઠા છે, માણસને માણસની બીક લાગે છે એવો સમય આવ્યો ત્યારે બે પૈસા રળી આપતા શહેરે તો રસ્તો દેખાડી જ દીધો ને?
હું વારંવાર કહું છું કે, ‘શહેર ગામડાને નથી નભાવતા, ગામડા શહેરને નભાવે છે.’ ‘શહેરની મૂડી ગામડાની ખેતીમાં નથી રોકાતી, ગામડાની ખેતીની મુડીથી શહેરમાં ઘર ખરીદાય છે, દુકાન ખરીદાય છે, વાહન ખરીદાય છે,’ એવા દાખલા વધારે છે! એકલા શહેરની કમાણી પર શહેરમાં બે પાંદડે થયેલા કેટલા?
ગામડેથી આવતું અનાજ-કઠોળ-શાકભાજી-ઘી બંધ કરીને જોઈ લો શહેરમાં કેટલી બચત થાય છે?
દરેકને પોતાના સંતાનોની ‘બાંધી મુઠી લાખની’ રાખવી છે એટલે કોઈ આંકડા આપતા નથી, મેં ઘણાને વિનંતી કરી જોઈ કે એક/બે/ત્રણ વર્ષનો હિસાબ રાખો કે તમે,
૧.  ગામડેથી શહેરમાં કેટલા ઘઉં, કઠોળ, ઘી, શાકભાજી મોકલ્યા, એની બજાર કિંમત કેટલી થાય?
૨.  કપાસ-મગફળી કે બીજી સીઝન વીત્યે કેટલા રોકડા મોકલ્યા?
૩.  પાક-ધિરાણ પૈકી કેટલી રકમ ખેતીમાં વાપરી અને કેટલી રકમ શહેરમાં મોકલી?
૪.  એ ઉપરાંત જે કોઈ વસ્તુ મોકલો એનું નામ અને બજાર કિંમત લખી રાખો,
આખા વર્ષનો સરવાળો કરો, સાથે સાથે,
૧.  સંતાનોએ શહેરમાંથી શું-શું મોકલ્યું? નવું/જુનું ટી.વી., વોશિંગ મશીન, એની કિંમત કેટલી?
૨.  કેટલા રોકડા પાછા મોકલ્યા?
મોકલેલી વસ્તુઓની રકમમાંથી આવેલી વસ્તુઓની રકમ બાદ કરી લો, ૩ વર્ષ સુધી હિસાબ રાખો, ખેતી શહેરને નભાવે છે કે શહેર ખેતીને નભાવે છે એનો પાકો હિસાબ મળી જશે.
આપણી સહુની ‘તમાચા મારીને ગાલ લાલ રાખવા’ની ટેવ હોય કે ‘બાંધી મુઠી લાખની રાખવાની ટેવ’ને કારણે દરેકને કહેવાની તક મળી કે “શહેર ખેતી-ગામડાને નભાવે છે, ખેતીમાં શું લેવાનું છે?” હકીકત ઉલટી છે પરંતુ સાબિત કરી શકાતું નથી, કારણ, દરેકને પોતાના સંતાનોની મુઠ્ઠી બાંધેલી રાખવી છે?
હાલ જીવ બચાવવાના હવાતિયા મારતા નિરાંતે બેઠા છો તો થોડું શાંતિતી વિચારી લો કે:
૧.  ખેતીમાં થોડું વધારે ધ્યાન આપીએ, થોડું મૂડી રોકાણ કરવામાં માવતરને મદદ કરીએ,
૨.  સરકારની રાહ જોવા કરતા ખુદ પાણી બચાવવા-સંઘરવાની સગવડો વધારવામાં મદદ કરીએ,
૩.  પોતાના પાકને કાચો એપીએમસીમાં વેચવા કરતા, એની કિંમત વધે એવા ઉપાયો સુઝાડીએ, ગયા રહીએ છીએ ત્યાં શહેરમાં એના માટે બઝાર ઉભું કરીએ,
૪.  પોતાના ખેતર-ગામમાં પાકતા મુખ્ય પાકોના પેકેજીંગ અને બજાર વ્યવસ્થા ગોઠવવાનું વિચારીએ,
૫.  ગામમાં એગ્રો યુનિટ/સહકારી મંડળી/ઉત્પાદક કંપનીઓ ઉભી કરવામાં અને સંચાલનમાં મદદ કરીએ,
૬.  દર-મહીને શહેરની ભાગદોડમાંથી ૪-૫ દિવસ સળંગ ગામમાં રહેવાનું ગોઠવીએ, આપણા વગર શહેર ચાલશે, અત્યારે ચાલે જ છે, મારા વગર શું થશે એવા ભ્રમમાંથી નીકળી જવાની તક છે!
૭.  પછીની પેઢીનો ગામ, ખેતર સાથે સંબંધ વધારીએ, નહિતર હાલની પેઢી ગયા પછી ખેતર નોંધારા થઇ જશે, નવી પેઢીને લાગણીનું જોડાણ નહી હોય તો વેચીને તરત રોકડા ગણી લેશે!
ફરી વિનંતી, નામ અને ગામ ખાનગી રાખવાની પૂરી ખાતરી, જરૂર હોય તો લેખિત આપીને પણ, છે કોઈ તૈયાર જે ગામડેથી શું લઇ ગયા અને ગામડે શું મોકલ્યું એનો ઈમાનદાર હિસાબ ૩ વર્ષનો રાખી શકે? જો ખેતીને ‘સબસીડી ઉપર જીવતી,’ ‘ખોટનો વેપાર’ અને ‘કોઈને કરવી નથી’ એવું કહેવાવાળાઓને જડબાતોડ જવાબ આપવો હોય તો આંકડા જોઈએ, એ તો તમારે જ આપવા પડે, હું તો મહેનત કરી શકું.
આ મહામારીએ સાબિત કર્યું છે કે “ખેતી અને પશુપાલન જ શાશ્વત ધંધા છે, જ્યાં સુધી મનુષ્ય છે ત્યાં સુધી એ ધંધા ચાલવાના જ છે.” પેટ્રોલ-કેમિકલ-રમકડા-ઈલેક્ટ્રોનિક એમ દરેક વગર માણસ ચલાવી લેશે, દૂધ-અનાજ-કઠોળ-શાકભાજી વગર ના ચલાવી શક્યો છે, ના ચલાવી શકશે. એટલે વારંવાર કહું છું, જમીન છોડશો નહી, એકવાર પોતાની જમીન ઉપરથી પગ ઉઠી ગયો તો તમારા માટે દુનિયામાં ક્યાય પગ મુકવાની જગ્યા નથી એટલું લખી રાખો.
જાતે કરશો, આવડતી હશે તો ખેતી છે, જો આવડે જ નહી, બીજા પાસે જ કરાવવી હોય તો જ ખેતી ફજેતી છે.! ફજેતીથી બચવું હોય તો ખેતી તરફ વળો.!
સાગર રબારી,
પ્રમુખ, ખેડૂત એકતા મંચ.

Saturday, February 15, 2020

ટ્રમ્પ સાહેબ કેમ પધારી રહ્યા છે?

ટ્રમ્પ સાહેબના ભારત આગમન પાછળ રહેલા કારણો સમજવા માટે ભારત  અને અમેરિકા વચ્ચેના વેપારને સમજવો જરૂરી છે. વેપાર સમજવા માટે તો ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના આંકડા જ સૌથી સાચા ગણાય. તો ભારત સરકારના આંકડાઓ પ્રમાણે આયાત-નિકાસ અને પુરાંત (ભારતનો નફો) જોઈએ.

વર્ષ 2014-15માં ભારતે નિકાસ કરી 42.4 બિલિયન ડોલર અને આયાત કરી 21.8 બિલિયન ડોલરની, એટલે ભારતની પુરાંત રહી 20.6 બિલિયન ડોલર.

વર્ષ 2015-16માં ભારતે નિકાસ કરી 40.3 બિલિયન ડોલર અને આયાત કરી 21.8 બિલિયન ડોલરની, એટલે ભારતની પુરાંત રહી 18.5 બિલિયન ડોલર.

વર્ષ 2016-17માં ભારતે નિકાસ કરી 42.2 બિલિયન ડોલર અને આયાત કરી 22.3 બિલિયન ડોલરની, એટલે ભારતની પુરાંત રહી 19.9 બિલિયન ડોલર.

વર્ષ 2017-18માં ભારતે નિકાસ કરી 47.9 બિલિયન ડોલર અને આયાત કરી 26.6 બિલિયન ડોલરની, એટલે ભારતની પુરાંત રહી 21.3 બિલિયન ડોલર.

વર્ષ 2018-19માં ભારતે નિકાસ કરી 52.4 બિલિયન ડોલર અને આયાત કરી 35.5 બિલિયન ડોલરની, એટલે ભારતની પુરાંત રહી 16.9 બિલિયન ડોલર.

ચીન સાથે હરીફાઈ કરવા જતા ટ્રેમ્પ સાહેબ હાલ ફસાયેલા છે, ચીન દાદ દેતું નથી, ભારત સાથે વેપારમાં નફો કરે તો જ એમના ઘર-આંગણે ધંધા અને રોજગાર જળવાઈ રહે એમ છે. થોડા ધમ-પછાડા કર્યા, કેટલીક નિકાસો ઉપર એમણે ડ્યુટી લાદી જોઈ છતાં વેપાર નફામા ફેરવતો નથી એટલે ભારત સાથે "ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ" (મુક્ત વ્યાપાર કરાર) કરવાના ઈરાદાથી આવી રહ્યા છે, ભારત સરકાર પણ દબાણમાં આવીને કરાર પર સહી કરવા માટે લગભગ તૈયાર બેઠી છે. ગયા નેવેમ્બર મહિનાથી ભારતના વાણિજ્ય મંત્રી વાટાઘાટો કરી રહ્યા છે.

આ કરારની સહુથી માઠી અસર કોઈને થશે તો ભારતના ખેડૂતો, પશુ-પાલકો, ડેરી ઉદ્યોગ અને જીઆઈડીસીના નાના ઉદ્યોગોને!! આરસીઇપીના ગાળિયામાંથી સાથે મળી, લડીને માંડ છૂટ્યા ત્યાં અમેરિકાનો ગાળિયો આવ્યો છે. આ બધું વાંચી-સાંભળીને એક બ્રિટિશ સૈનિકની વાત યાદ આવે છે, મને જો વાંચેલું બરાબર યાદ હોય તો, એણે બ્રિટન પાછા જઈને લખ્યું હતું કે, "અમે જયારે પ્લાસીનું યુદ્ધ જીતીને પાછા આવી રહ્યા હતા ત્યારે ભારતના લોકો રસ્તાની બંને બાજુ ઉભા રહીને, તાળીઓ પાડી અમારું સ્વાગત કરી રહ્યા હતા. ત્યાં ઉભેલા લોકોને ખબર જ નહોતી કે એ ગુલામીનું સ્વાગત કરી રહ્યા છે! એમણે એક એક પથ્થર માર્યો હોત તો પણ અમે બધા મરી જાત!"

આપણા પૂર્વજોએ કરેલી એ ભૂલ આપણે અજાણતા દોહરાવી નથી રહ્યા ને? આપણે અંધ-ભક્તિ, બેહોશીમાં કે ભૂલમાં જ ગાઈ નથી રહ્યા ને કે "હરખ હવે તું હિન્દુસ્તાન, ગુલામી ઘેર આવી..."???

- સાગર રબારી.
 પ્રમુખ, ખેડૂત એકતા મંચ.

નોંધ: હવે પછી ભારતની ખેત-પેદાશ આયત નિકાસ અને ભારતમાં ઘટતા જ્યાં ખેત-ઉત્પાદનોના સંબંધ વિષે લખીશું.

Friday, July 19, 2019

કરવા જેવું કામ: અભિનંદન



હું વ્યક્તિગત અને સંગઠનની રીતે ઘણા વખતથી માંગણી કરતો આવ્યો છું, આઈ.બી.ના લોકોને પણ વિગતે સમજાવતો રહ્યો છું. એવી એક માંગણી એટલે ખેડૂતોનું ઉત્પાદન રાખવા માટેના સરકારી ગોડાઉનો અને એ ગોડાઉનોમાં મુકેલા ખેડૂતના માલ પર બૅંકમાંથી સીધું નીચા વ્યાજનું ધિરાણ આપવાની વ્યવસ્થા.

બજારમાં જયારે ભાવો નીચા હોય ત્યારે પણ ખેડૂતે કા તો સાચવવાની સગવડના અભાવે કે પછી પૈસાની જરૂરતને કારણે પોતાનો માલ વેચી દેવો પડે છે. જો ખેડૂતને, વેપારીઓને મળે છે તેમ, પોતાના ઉત્પાદનની સામે નીચા વ્યાજનું ધિરાણ મળે તો ખેડૂત વેપારીઓના શોષણમાંથી બચી શકે. એટલા માટે આ કરવા જેવું કામ છે.

આમ કરવાથી....
1.   બજાર ભાવ નીચા હોય તો ખેડૂત પોતાનો માલ સાચવી શકે અને પૈસાની જરૂરિયાત પુરી થાય,
2.   માલ સાચવવાની સગવડ મળે તો સીઝન પછી વધેલા ભાવે ખેડૂત પોતાનો માલ વેચી વધારે નફો કમાઈ શકે.
3.   ખેડૂત વેપારીઓનો મોહતાઝ ના રહે,

ગઈકાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીઓની સમિતિની બેઠકમાં આ સૂચન મૂક્યું. એમને અભિનંદન. પરંતુ વાત સૂચન માત્રથી અટકી ના જાય અને રાષ્ટ્રીય કક્ષાએ એનો અમલ થાય એ જોવા વિનંતી.

માત્ર વાતો નહીં પરંતુ ગોડાઉનો બાંaધવા માટે પૂરતું બજેટ ફાળવવામાં આવે અને બેન્કોને "માલની રસીદ" સામે તાત્કાલિક ધિરાણ આપવાની સમયસર સૂચનાઓ આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો અવશ્ય થઇ શકે.
- સાગર રબારી.
ખેડૂત એકતા મંચ.

Wednesday, June 5, 2019

સાચો "વિશ્વ પર્યાવરણ દિવસ."


આપણ ખેડૂતોને તો રોજ પર્યાવરણ દિવસ: શહેરી ફેશનેબલો માટે આજે "વિશ્વ પર્યાવરણ દિવસ".

આજે મુખ્યમંત્રીશ્રી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી કહેતા રિવરફ્રન્ટ સાફ કરવા આવ્યા. તમાશાને તો તેડું ના હોય, તમાશો થઇ ગયો. તમાશા થકી એટલું તો સ્વીકાર્યું કે શહેરમાં જ સાબરમતી ગંદી છે. શહેરથી નીચેવાસના તો હાલ ના પૂછશો. નદી ગંદી કોના પાપે થઇ એ નહીં  પૂછવાનું. અધિકારીઓ ને નેતાઓ, સહુનો "વિકાસ" કરવો હોય તો નદી ગંદી થવા દેવી પડે, કમાણી તો જ થાય ભાઈ. પછી સફાઈના નામે "વિકાસ" કરવાનો, થયો ને સહુનો "વિકાસ"!

દુનિયામાં પર્યાવરણ રક્ષા માટે એક વિશેષ જોગવાઈ થઇ છે, દરેક દેશની વસ્તી ને વિસ્તાર પ્રમાણે, વિકાસની ગતિ પ્રમાણે એની "કાર્બન લિમિટ" નક્કી થઇ છે. જે દેશ એને મળેલી છૂટ કરતા ઓછો કાર્બન છોડે એ દેશ બચત "લિમિટ' બીજા દેશ, જેણે એની મર્યાદા કરતા વધારે કાર્બન છોડ્યો હોય તેને પોતાની કાર્બન લિમિટ વેચી શકે, ટૂંકમાં પૈસા કમાઈ શકે. અમેરિકા અને બીજા જે દેશો પોતાના જીવન ધોરણ સાથે બાંધછોડ કરવા નથી માંગતા તેમને ગરીબ દેશો, જે ઓછું પ્રદુષણ કરે તેમની પાસેથી કાર્બન ખરીદવો પડે. જે દેશ કાર્બન (પ્રદુષણ) ઓછું કરે તેને "વળતર" મળે. ઉદ્યોગોને પણ એ પ્રમાણે ઓછા પ્રદુષણ બદલ વળતર મળે.

આ જ બાબત ખેડૂતો સાથે જોડવા માટે લડત ચાલે છે. ખેડૂતો પ્રદુષણ કરતા નથી પરંતુ પોતાના વાવેતર થકી વાયુ-મંડળમાં ઓક્સિજનનો વધારો કરે છે. એટલે એ દ્રષ્ટિએ એમને, પાક પ્રમાણે, ગણતરી કરીને છોડેલા ઓક્સીજનનું વળતર મળવું જોઈએ. એનાથી ખેડૂતોને વધારે ઓક્સિજન પેદા કરતા પાકો વાવવા પ્રોત્સાહન મળે, શેઢા પાળે વધારે વૃક્ષો વાવે તેથી હવામાનમાં ઓક્સીજનનું પ્રમાણ ખુબ વધે.

ઓક્સીજનનું પ્રમાણ વધતા લોકોને શુદ્ધ હવા મળે, બીમારીઓ ઘટે, દવાખાનાના ખર્ચ ઘટે, સરકારને પણ ખર્ચ ઘટતાં ફાયદો થાય. અને, ખેડૂતોની આવક વધે તેથી ખેતીમાં થતું નુકસાન ઘટે, ખેતી ફાયદારૂપ થાય તો ખેડૂત બે પાંદડે થાય.

એટલે, આપણે માટે તો, જે દિવસે ખેડૂતને કાર્બન ક્રેડિટનું રોકડું વળતર મળતું થાય, આપણી આવક વધે એ દિવસે આપણો સાચો "વિશ્વ પર્યાવરણ દિવસ."

- સાગર રબારી,
પ્રમુખ,
ખેડૂત એકતા મંચ (ગુજરાત)