દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનું નિધન થયું ત્યારે માનવ-સહજ દુ:ખ થવું સ્વાભાવિક છે. દેશના અગ્રણી હરોળના નેતાનું જવું ચોક્કસ દુ:ખદ લાગે. આવા સમયે, દુ:ખદ પ્રસંગે, એક યા બીજા કારણોસર એમના સમ્પર્કમાં આવેલા વરિષ્ઠ નાગરિકો અદના નાગરિકોની જેમ જ પક્ષાપક્ષી ભૂલીને આખરી દર્શન માટે જાય એ સ્વાભાવિક છે. શ્રી વાજપેયીજીના પાર્થિવ દેહને એમની માતૃસંસ્થા ભારતીય જનતા પાર્ટીને કાર્યાલયે અંતિમ દર્શન માટે મુકાયો ત્યારે વરિષ્ઠ સામાજિક કાર્યકર શ્રી સ્વામી અગ્નિવેશ, ભારતીય જનતા પક્ષ અને એના કાર્યકરો દ્વારા થયેલા તાજા અને જુના સઘળા કટુ અનુભવો ભૂલીને, જાહેરજીવનની ગરિમાને છાજે એ રીતે મૃતક પ્રત્યે પોતાનો સદ્ભાવ વ્યક્ત કરવા ભા.જ.પ. કાર્યાલયે ગયા ત્યારે ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ એમને ધક્કે ચડાવ્યા. અંતિમદર્શન કર્યા વગર જ પોલીસની જીપ્સીમાં બેસીને નીકળી જવું પડ્યું! 80 વર્ષ આસપાસની આયુના ભગવાધારી કર્મશીલને આ રીતે ધક્કે ચડાવવા એમાં કઈ સંસ્કૃતિ ને કઈ માનવતા છે? સંસ્કાર દૂરની વાત ગણીએ તો પણ, કોઈને શરમ સુધ્દ્ધાં ના નડી? ભા.જ.પ.નો કોઈ આગેવાન ત્યાં નહોતો જે એના કુસંસ્કારી કાર્યકરોને રોકી ને અગ્નિવેશજીને અંતિમદર્શને લઇ જાય? જ્યાં વેલો જ સડેલો હોય ત્યાં મીઠાં ફળની આશા શીદને રખાય? છતાં, આ સમાચાર જાણીને ગુજરાતમાં લોકમુખે ચર્ચાતી, ઝવેરચંદ મેઘાણીની કલમે આલેખાયેલી બહારવટિયા જોગીદાસ ખુમાણની ઘટના યાદ આવી.
જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ સામે બહારવટે ચડ્યા હતા, રોજ રાજના ગામડાં ભાગતા-રગદોળતાં હતા અને રાજની સેના રાત-દિવસ એમનું પગેરું દબાવતી ભીંસ વધારતી જતી એ રાજા વજેસંગના જુવાનજોધ દીકરાના અવસાનના સમાચાર જોગીદાસ ખુમાણને મળ્યા. શ્રી જોગીદાસે ટોળીના સાથીદારોને કહ્યું, "એમનો જુવાનજોધ દીકરો પાછો થયો (અવસાન પામ્યો) છે, ખરખરે તો જવું જોશે!"
ટોળીના સમજુ સાથીઓએ ટપાર્યા કે, "જોગીદાસ રેવા દ્યો, વેરે બંધાણા છીએ. રાત-દિવસ વગડો ખુંદીએ છીએ, ગામડાં ભાગીએ છીએ, રાજના નાકે દમ કરી દીધો છે! રાજની સેના રાત-દી પગેરું ચાંપતી પીછો કરે છે ને તમારે દુશ્મનના આંગણે ખરખરો કરવા જાવું છે? ગાંડપણ રેવા દ્યો, જોગીદાસ."
ખમીરવંતા જોગીદાસ ટોળીના સાથીદારોને સમજાવે છે કે, "વેર તો રાજ હાર્યે છે, એનો જુવાનજોધ દીકરો પાછો થયો હોય ને ખરખરે ના જાવું તો મારુ જીવતર લાજે!" અડગ જોગીદાસની લાગણી આગળ સાથીઓએ નમતું જોખ્યું ને વેશપલટો કરી જોગીદાસ ખરખરો કરી આવે ત્યાં સુધી સાથીદારો સીમાડે વગડામાં સંતાઈ રહે એમ નક્કી થયું. જોગીદાસ વેશપલટો કરી, ગામે ગામના લોકો ખરખરે આવતા હતા એમની ભેગા ભળી ગયા.
એ દિવસોના રિવાજ અનુસાર, પુરુષો માથે પંચિયું કે જાડી પછેડી ઓઢીને રોતા જાય, લાઈનમાં બેસે અને મૃતકના પરિવારનો કોઈ સભ્ય આવીને હાથમાં પાણી આપે, એ પાણીનો કોગળો કરે એટલે આવનાર છાનો રહે, ડાયરે જઈને બેસે.
લાઈનબંધ બેઠેલા પુરુષોમાં એક પુરુષ પોકે પોકે રડે છે, ઘણી મનવાર (આગ્રહ) છતાં છાનો રેતો નથી, ડાયરો અચંબામાં છે કે આ જણ કોણ છે, પછેડી ઊંચી કરવા દેતો નથી, છાનો રેતો નથી એ આટલી હૃદયવિદારક પોક મૂકીને રડે છે? જેના જુવાનજોધ દીકરાનું અવસાન થયું છે એ ડાયરામાંથી ઉભા થઈને આવે છે ને રોનારને માથે હાથ મૂકીને કહે છે, "છાના રો જોગીદાસ." જોગીદાસનું નામ પડતા ડાયરો સટાસટ તલવારો ખેંચે છે!
શ્રી વજેસંગ હાકોટો કરીને કે છે, "સબૂર", આજ જોગીદાસ 'ખરખરે' આયા છે, મારા મે'માન છે, ખબરદાર કોઈનો હાથ ઊંચો થયો તો." ડાયરો ટાઢો પડે છે, જોગીદાસને સડસડાટ નીકળી જતા જોઈ રહે છે!
આ ખાનદાની, ખુમારી ને સઁસ્કાર હોય સમાજના. અહીં તો શરમથી ડૂબી મરવા જેવું તો ત્યારે થયું કે "આટલી અમાનવીય ઘટના ઘટવા છતાં પક્ષનો કોઈ આગેવાન આગળ ના આવ્યો, કોઈએ અંતિમદર્શનની વ્યવસ્થા ના કરી, ના કોઈએ ક્ષમાયાચના કરી.
ભૂલ મારી થઇ, જેની સ્થાપના જ જૂઠ, અધર્મ અને કુસંસ્કારના પાયા ઉપર થઇ હોય ત્યાં શરમ અને સંસ્કાર શોધું છું, ક્ષમા કરજો.
No comments:
Post a Comment