Thursday, August 30, 2018

પાક વીમો: સગવડ કે ખેડૂત માથે પનોતી?

પાક વીમો: સગવડ કે ખેડૂત માથે પનોતી?

સરકારે જેનો ખુબ પ્રચાર-પ્રસાર કર્યો ને ખેડૂતોને સપના બતાવ્યા કે એમના બધા દુઃખ હવે દૂર થઇ જશે એ પાકવીમાને સમજીએ.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના (ટૂંકમાં પાકવીમો)ની કેન્દ્ર સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ અંતરળયે પ્રસિદ્ધ કરેલી માર્ગદર્શિકા મુજબ, પાકવિમાં યોજનાનો હેતુ છે:

  1. પાક નુકશાની અથવા અણધાર્યા વિઘ્નોને કારણે ખેડૂતોને વેઠવા પડતા નુકશાન સામે ખેડૂતને આર્થિક ટેકો કરવો,
  2. ખેડૂતો ખેતીમાં નભી શકે તે માટે તેમની આવક સુનિશ્ચિત કરવી,
  3. ખેડૂતોને સંશોધનાત્મક અને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા,
  4. ખેડૂતોને પાક ઉત્પાદનમાં થતા નુક્શાનની સામે રક્ષણ આપવા ઉપરાંત, ખેતી ક્ષેત્રને મળતા ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત કરવો, જેથી અન્ના સલામતી, પાકની વિવિધતા, વિકાસ અને સ્પર્ધત્મક્તા વધારી શકાય.

પાક વીમો...
1. મંડળી કે બેન્કનું ધિરાણ લેનારા તમામ ખેડૂતો માટે પાકવીમો ફરજીયાત છે,
2. જે મંડળી કે બેન્કનું ધિરાણ ના લે તેના માટે પાકવીમો મરજિયાત છે,

પાકવિમાં યોજનાનો લાભ ક્યારે મળે?
નીચે દર્શાવેલા તબક્કાઓ દરમ્યાન થતું નુકશાન વીમા યોજના હેઠળ વળતર મળવા પાત્ર છે.

  1. વાવતા/રોપતા મોડું થાય: ઓછા વરસાદ અથવા વિપરીત મોસમી પરિસ્થિતિને કરે પાકનું વાવેતર ના થઇ શક્યું હોય તો પાક વિમમાંનું વળતર મળે,
  2. ઉભો પાક, (વાવણીથી લણણી સુધી): ટાળી ના શકાય એવા જોખમો સામે સમગ્રલક્ષી વીમો અપાય છે, જેમ કે, દુષ્કાળ, બે વરસાદ વચ્ચેનો વધવાથી નુકશાન થાય, પૂર, પાણીનો ભરાવો, જીવતો પડે કે પાકને રોગ આવે, જમીન ધસી પડે, કુદરતી આગ અથવા વીજળી પડે, વાવાઝોડું, વરસાદી વાવાઝોડું, વનતોલીયો વગેરે સામે ખેડૂતને વીમાનું વળતર મળે,
  3. લણણી પછીનું નુકશાન: પાક લણી લીધા પછી, જે પાક ખુલ્લામાં પાથરીને સૂકવવા પડતા હોય એના માટે વનતોલીયો અને વરસાદી વાવાઝોડા કે કમોસમી વરસાદ સામે વધુમાં વધુ બે અઠવાડિયા સુધી વીમાનું રક્ષણ મળે,
  4. સ્થાનિક હોનારતો: વીમા વિસ્તારમાં ઓળખી શકાય એવા જોખમો જેમ કે વરસાદી વાવાઝોડું, જમીન ધસી પદવી અને પાનની ભરાઈ જવા જેવા જોખમો સામે છૂટાં-છવાયા ખેતરોને વિમાનો લાભ મળી શકે,

વિમાનો લાભ ક્યારે ના મળે?
યુદ્ધ, એનું જોખમો, તોફાનો, બદઈરાદાથી કરાયેલું નુકશાન, ચોરી, ભેલાણ, પાલતુ અથવા જન્ગલી જાનવરો (ભૂંડ, ગાય, નીલગાય)ને કારણે થતું નુકશાન અને બીજા ટાળી શકાય એવા જોખમો સામે વિમાનો લાભ મળી શકે નહીં.
ખેડૂતે નુકશાનીના દવાની અરજી કરવી હોય તો શું કરવું પડે...

  1. બધી વિગતો સાથેનું ફોર્મ ભરવું પડે,
  2. ફોર્મની સાથે, પ્રીમિયમ ભર્યાની પહોંચ અને વીમા પોલિસીની પીડીએફ ફાઈલ જોડવી પડે,
  3. જમીનના પુરાવાની વિગતો ફોર્મ સાથે જોડવી પડે,
  4. પાકનું નુકશાન દેખાડતા ફોટા ફોર્મ સાથે જોડવા પડે,
  5. સ્થાનિક છાપામાં પાક નિષ્ફ્ળ જવાના સમાચાર આવ્યા હોય તો  એના કટિંગ ફોર્મ સાથે જોડવા પડે,
  6. પૈસા ટ્રાન્સફર કરવા માટે ખેડૂતના બેન્ક ખાતાની વિગતોનું ફોર્મ દવાના ફોર્મ સાથે જોડવું પડે,

જો લણણી પહેલા નુકશાનીનો દાવો કરવો હોય તો...

  1. સામાન્ય લણણીની તારીખ,
  2. પાકની જાત,
  3. નુકશાનીના દિવસ સુધી કેટલી વાર પિયત કર્યું એની વિગત,
  4. નુકશાનીના દિવસ સુધી કેટલું ખાતર વાપર્યું એની વિગત,
  5. નુકશાનીના દિવસ સુધી છાણીયું/સેન્દ્રીય ખાતર વાપર્યું હોય તેની રકમ,
  6. આ જ પાક સામે બીજો કોઈ વીમો લીધો છે કે નહીં?

આ બધું આપણા અભણ કે ઓછું ભણેલા ખેડૂતો કરી શકે ખરા???

.......કંપનીઓએ શું કરવાનું એ હવે પછી.

ખોટે સરનામે શરમ ને સંસ્કાર શોધું છુ!

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનું નિધન થયું ત્યારે માનવ-સહજ દુ:ખ થવું સ્વાભાવિક છે. દેશના અગ્રણી હરોળના નેતાનું જવું ચોક્કસ દુ:ખદ લાગે. આવા સમયે, દુ:ખદ પ્રસંગે, એક યા બીજા કારણોસર એમના સમ્પર્કમાં આવેલા વરિષ્ઠ નાગરિકો અદના નાગરિકોની જેમ જ પક્ષાપક્ષી ભૂલીને આખરી દર્શન માટે જાય એ સ્વાભાવિક છે. શ્રી વાજપેયીજીના પાર્થિવ દેહને એમની માતૃસંસ્થા ભારતીય જનતા પાર્ટીને કાર્યાલયે અંતિમ દર્શન માટે મુકાયો ત્યારે વરિષ્ઠ સામાજિક કાર્યકર શ્રી સ્વામી અગ્નિવેશ, ભારતીય જનતા પક્ષ અને એના કાર્યકરો દ્વારા થયેલા તાજા અને જુના સઘળા કટુ અનુભવો ભૂલીને, જાહેરજીવનની ગરિમાને છાજે એ રીતે મૃતક પ્રત્યે પોતાનો સદ્ભાવ વ્યક્ત કરવા ભા.જ.પ. કાર્યાલયે ગયા ત્યારે ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ એમને ધક્કે ચડાવ્યા. અંતિમદર્શન કર્યા વગર જ પોલીસની જીપ્સીમાં બેસીને નીકળી જવું પડ્યું! 80 વર્ષ આસપાસની આયુના ભગવાધારી કર્મશીલને આ રીતે ધક્કે ચડાવવા એમાં કઈ સંસ્કૃતિ ને કઈ માનવતા છે? સંસ્કાર દૂરની વાત ગણીએ તો પણ, કોઈને શરમ સુધ્દ્ધાં ના નડી? ભા.જ.પ.નો કોઈ આગેવાન ત્યાં નહોતો જે એના કુસંસ્કારી કાર્યકરોને રોકી ને અગ્નિવેશજીને અંતિમદર્શને લઇ જાય? જ્યાં વેલો જ સડેલો હોય ત્યાં મીઠાં ફળની આશા શીદને રખાય? છતાં, આ સમાચાર જાણીને ગુજરાતમાં લોકમુખે ચર્ચાતી, ઝવેરચંદ મેઘાણીની કલમે આલેખાયેલી બહારવટિયા જોગીદાસ ખુમાણની ઘટના યાદ આવી.

જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ સામે બહારવટે ચડ્યા હતા, રોજ  રાજના ગામડાં ભાગતા-રગદોળતાં હતા અને રાજની સેના રાત-દિવસ એમનું પગેરું દબાવતી ભીંસ વધારતી જતી એ રાજા વજેસંગના જુવાનજોધ દીકરાના અવસાનના સમાચાર જોગીદાસ ખુમાણને મળ્યા. શ્રી જોગીદાસે ટોળીના સાથીદારોને કહ્યું, "એમનો જુવાનજોધ દીકરો પાછો થયો (અવસાન પામ્યો) છે, ખરખરે તો જવું જોશે!"
ટોળીના સમજુ સાથીઓએ ટપાર્યા કે, "જોગીદાસ રેવા દ્યો, વેરે બંધાણા છીએ. રાત-દિવસ વગડો ખુંદીએ છીએ, ગામડાં ભાગીએ છીએ, રાજના નાકે દમ કરી દીધો છે! રાજની સેના રાત-દી પગેરું ચાંપતી પીછો કરે છે ને તમારે દુશ્મનના આંગણે ખરખરો કરવા જાવું છે? ગાંડપણ રેવા દ્યો, જોગીદાસ."
ખમીરવંતા જોગીદાસ ટોળીના સાથીદારોને સમજાવે છે કે, "વેર તો રાજ હાર્યે છે, એનો જુવાનજોધ દીકરો પાછો થયો હોય ને ખરખરે ના જાવું તો મારુ જીવતર લાજે!" અડગ જોગીદાસની લાગણી આગળ સાથીઓએ નમતું જોખ્યું ને વેશપલટો કરી જોગીદાસ ખરખરો કરી આવે ત્યાં સુધી સાથીદારો સીમાડે વગડામાં સંતાઈ રહે એમ નક્કી થયું. જોગીદાસ વેશપલટો કરી, ગામે ગામના લોકો ખરખરે આવતા હતા એમની ભેગા ભળી ગયા.
એ દિવસોના રિવાજ અનુસાર, પુરુષો માથે પંચિયું કે જાડી પછેડી ઓઢીને રોતા જાય, લાઈનમાં બેસે અને મૃતકના પરિવારનો કોઈ સભ્ય આવીને હાથમાં પાણી આપે, એ પાણીનો કોગળો કરે એટલે આવનાર છાનો રહે, ડાયરે જઈને બેસે.

લાઈનબંધ બેઠેલા પુરુષોમાં એક પુરુષ પોકે પોકે રડે છે, ઘણી મનવાર  (આગ્રહ) છતાં છાનો રેતો નથી, ડાયરો અચંબામાં છે કે આ જણ કોણ છે, પછેડી ઊંચી કરવા દેતો નથી, છાનો રેતો નથી એ આટલી હૃદયવિદારક પોક મૂકીને રડે છે? જેના જુવાનજોધ દીકરાનું અવસાન થયું છે એ ડાયરામાંથી ઉભા થઈને આવે છે ને રોનારને માથે હાથ મૂકીને કહે છે, "છાના રો જોગીદાસ." જોગીદાસનું નામ પડતા ડાયરો સટાસટ તલવારો ખેંચે છે!
શ્રી વજેસંગ હાકોટો કરીને કે છે, "સબૂર", આજ જોગીદાસ 'ખરખરે' આયા છે, મારા મે'માન છે, ખબરદાર કોઈનો હાથ ઊંચો થયો તો." ડાયરો ટાઢો પડે છે, જોગીદાસને સડસડાટ નીકળી જતા જોઈ રહે છે!

આ ખાનદાની, ખુમારી ને સઁસ્કાર હોય સમાજના. અહીં તો શરમથી ડૂબી મરવા જેવું તો ત્યારે થયું કે "આટલી અમાનવીય ઘટના ઘટવા છતાં પક્ષનો કોઈ આગેવાન આગળ ના આવ્યો, કોઈએ અંતિમદર્શનની વ્યવસ્થા ના કરી, ના કોઈએ ક્ષમાયાચના કરી.

ભૂલ મારી થઇ, જેની સ્થાપના જ જૂઠ, અધર્મ અને કુસંસ્કારના પાયા ઉપર થઇ હોય ત્યાં શરમ અને સંસ્કાર શોધું છું, ક્ષમા કરજો.

Wednesday, August 29, 2018

વીમા કમ્પનીએ આટલું કરવાનું છે....


1. ઓછામાં ઓછા 16 ક્રોપ કટિંગ તાલુકા લેવલે કરવાના છે, અને ઓછામાં ઓછા 4 ગ્રામ પંચાયત લેવલ કરવાના છે. જિલ્લા લેવલ મોનીટરીંગ કમિટીએ ખાતરી કરવાની રહેશે કે જિલ્લામાં જરૂરી ક્રોપ કટિંગ થાય.

2. બેન્ક અને વીમા કમ્પનીએ મુલાકાત લઈને આપેલી પાક અને વાવેતર વિસ્તારની ચિકસાઈ કરવાની રહેશે.

3. વીમા કમ્પનીએ કૃષિ/બાગાયત સ્નાતક અથવા ના મળે તો બી આર એસ કક્ષાનો કર્મચારી ડીએજી ઓફિસે અને એવા જ 2 કર્મચારી જિલ્લા કક્ષાએ પુરા પાડવાના રહેશે.
વર્ક ઓર્ડર મળ્યાના 30 દિવસમાં કર્મચારી પુરા ના પડે તો કંપની ઉપર રોજના 2000 રૂપિયા, કર્મચારી દીઠ દંડ લાગશે.

4. વીમા કમ્પનીએ 30 દિવસની અંદર દરેક તાલુકામાં કાર્યરત ઓફિસનું સરનામું આપવાનું રહેશે અને જિલ્લા કક્ષાની ઓફિસનું સરનામું, જવાબદાર કર્મચારીનો ફોન નંબર અને ઇમેઇલ એડ્ડ્રેસ આપવાનું રહેશે.
જો કંપની 30 દિવસમાં ઓફિસનું સરનામું અને વિગતો નહીં આપે તો તાલુકા દીઠ રોજના 5000 રૂપિયા દંડ લાગશે.

5. જો સમયમર્યાદામાં દાવાનો નિકાલ અને ચુકવણી ના થાય તો ખેડૂતને 12% લેખે વ્યાજ ચૂકવવું પડશે.

6. જિલ્લામાં યોજનાની જાહેરાત કરવાની જવાબદારી કમ્પનીની રહેશે અને ગુજરાત સરકારે કરેલી જહેરાતના જિલ્લાદીઠ 4 લાખ રૂપિયે કમ્પનીએ સરકારને આપવા પડશે.