ગઈ કાલે મેં પોસ્ટ મૂકી હતી કે "જેમને સગવડ હોય તે થોડા દિવસ રોકાઈ જાવ તો ભાવ ટકી રહેશે." એનું કારણ માત્ર એટલું જ કે, ગયે વર્ષે કુલ 20.72 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, સરકારનો અંદાજ 56.64 લાખ ટન મગફળીના ઉત્પાદનનો હતો, પરંતુ સતત વરસાદને કારણે, ઘણા બધા વિસ્તારોમાં મગફળી સડી/બળી/કોવાઈ ગઈ તેથી સ્વાભાવિક જ ઉત્પાદન ઘટ્યું, વળી જે મગફળી પાકી તેની ગુણવત્તા પણ થોડી ઉતરતી રહેવાથી એમાંથી તેલ પણ ઓછું જ નીકળે તેથી તેલ-મિલરોને વધારે મગફળી પીલવી જ પડે પોતાનું ઉત્પાદન ટકાવી રાખવા માટે.
સામી બાજુ સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનનો અંદાજ 35.45 લાખ ટન મગફળીના ઉત્પાદનનો છે.
જે વિગતો મળે છે તે પ્રમાણે:
* જામનગર જિલ્લામાં તામિલનાડુના 30 વેપારીઓ મોટાપાયે જી-9 મગફળીની ખરીદી કરી રહ્યા છે,
* આ ઉપરાંત બીજા વેપારીઓ છૂટક છૂટક સીધી ખરીદી કરતા હશે તેની વિગતો નથી,
* ચીને થોડાક જ મહિનાઓમાં 20 લાખ ટન સીંગતેલની આયાત કરી છે અને હજી વધારે કરશે એવી આશા છે,
* ગોંડલ માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 1,10,752 અને ઓક્ટોબર મહિનામાં 1,83,905 ટન મગફળીની આવક થઇ છે,
* રાજકોટ માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 30,846 અને ઓક્ટોબર મહિનામાં 1,17,100 ટન મગફળીની આવક થઇ છે,
* હળવદ માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 31,778 અને ઓક્ટોબર મહિનામાં 65,141 કવીન્ટલ
* જસદણ માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 13,535 અને ઓક્ટોબર મહિનામાં 57,680 કવીન્ટલ
* જામનગર માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 10,145 અને ઓક્ટોબર મહિનામાં 46,109 કવીન્ટલ
* અમરેલીમાં માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 2,140 અને ઓક્ટોબર મહિનામાં 35,494 કવીન્ટલ
* વિસાવદરમાં માર્કેટ યાર્ડમાં સપ્ટેમ્બર મહિનામાં 7,638 અને ઓક્ટોબર મહિનામાં 20,390 કવીન્ટલ
* જૂનાગઢમાં માર્કેટ યાર્ડમાં ઓક્ટોબર મહિનામાં 15,616 કવીન્ટલ
એટલે કે સપ્ટેમ્બરમાં 2,06, 384 અને ઓક્ટોબર મહિનામાં 5,95,435 કવીન્ટલ મળી કુલ 8,01,819 કવીન્ટલ મગફળી વેચાઈ ગઈ છે.
* ટેકાના ભાવે અત્યારસુધીમાં 1.94 લાખ કવીન્ટલ મગફળી ખરીદાઈ છે,
આમ બધી બાજુનો વિચાર કરતા લાગ્યું કે જો ખેડૂતો થોડી રાહ જોઈને, ધીરે ધીરે બજારમાં માલ વેચવા લાવે તો ભાવ ટકી શકે.
કેટલાક ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી કે પૈસાની જરૂર હોય તો શું કરવું??? વેચવી પડે.
મારી ભલામણ અને પ્રયત્ન છે કે ખેડૂતો પોતે થોડા સજાગ બને, પ્રોસેસિંગ કરે, પેકીંગ કરે, બજાર શોધે. સિન્ટેલમાં હવે રીફાઇન્ડ ને બદલે ફિલ્ટર સીંગતેલ તરફ લોકો વળવા મંડ્યા છે જે નાની ઘાણીથી પણ ગામેગામ કરી શકાય. સમય બદલાઈ રહ્યો છે, વ્યવસ્થા (મેનેજમેન્ટ) શીખવું અને કરવું જ પડશે. જે મિત્રોને પૈસાની આટલી બધી જરૂર ઉભી થતી હોય એમના માટે હું કહી શકું કે એ કાં તો ખેતીમાં આડેધડ ખર્ચ કરે છે, અથવા કેસીસીના પૈસા બીજા કામોમાં વાપરે છે. જે પૈસા ખેતી માટે મળ્યા એ જો સીઝનના અંત સુધી ખેતી માટે ના બચે તો, ખર્ચ વધારે પડતા છે અથવા એ પૈસા સામાજિક કામોમાં વાપર્યા એટલે મજૂરોને ચૂકવવા પૈસા નથી વધ્યા, આવું હોય તો ગરજ તો પડવાની જ.
એક સાદું ગણિત સમજો, કેસીસીના 1 લાખ રૂપિયા વગર વ્યાજે મળ્યા એ સામાજિક કામોમાં વાપર્યા, પછી ગરજને કારણે ઉત્પાદન માનો કે 100 મણ ગરજને કારણે 100 રૂપિયા નીચા ભાવે વેચ્યું તો ખોટ 100 x 100 = 10,000/- રૂપિયા થઈ એ 1,00,000 લાખ રૂપિયાનું વ્યાજ જ થયું એટલે એ લાખ રૂપિયાનો ખોટો ખર્ચ 10% વ્યાજે પડ્યો એમ જ ગણાય..આવી રીતે જ દેવું વધતું જાય જેના ચક્કરમાંથી નીકળવું અઘરું પડે.. માટે જ કહું છું:
ખેતીમાં હિસાબ રાખતા, ખોટ-નફો ગણતા ને વહીવટ કરતા ના શીખીએ તો દેવું વધતું જ જવાનું, કોઈ સરકાર કે ઈશ્વર કે અવતાર આવીને ઉદ્ધાર કરવાનો નથી જ. લાંબે ગાળે જમીન વેચીને ખોટ સરભર કરવાનો વખત આવે...!
પેઢી દર પેઢી અમે બિચારા/બાપડા/અભણ/ગરીબ ખેડુ, અમને શું ખબર પડે એવા રોદણાં તો ખેડૂતોને સમજણપૂર્વક ચાલાક લોકોએ શીખવાડ્યા છે જેથી એ વેચીને (ખોટને કારણે સસ્તે ભાવે) નીકળે તો એ જમીન અને પાણી ઉપર કબ્જો જમાવી શકાય... આપણને માફક આવ્યા એટલે એમની એ ચાલાકીમાં ફસાઈ ગયા ને હવે જ્યાં તક મળે ત્યાં ગરીબડા થઈને રોતા જ રહીએ છીએ. સમજો, સમય બદલાયો છે, હવે ગરીબ પર કોઈ દયા દાખવતું નથી, જે ખોંખારો ખાય એનાથી દુનિયા દબાય છે ને રસ્તો આપે છે..! ગરીબડા થઈને દયા જ માગવી છે કે શીખી, સમજી, અમલ કરીને ખોંખારો ખાવો છે...? પસંદગી આપણે જાતે કરવાની છે.
કોઈનું દિલ/લાગણી દુભાય તો માફ કરજો પરંતુ કડવી છતાં સાચી વાત કહેવી તો પડે, સારું સારું, મીઠું મીઠું, બધાને ગમે એવું બોલીને મારે નેતા નથી થવું.
- સાગર રબારી.