પ્રિય ભાઈશ્રી,
નોંધ: અહીં બન્ને લિંક છે, જરા આંકડા જોઈ લેજો, વધારે જરૂર હોય તો નિઃસંકોચ કહેજો.
Budget: https://www.indiabudget.gov.in/budget2018-2019/ub2018-19/rec/allrec.pdf
Income tax collection Source: https://www.moneycontrol.com/news/business/economy/exclusive-total-direct-tax-collections-for-fy18-19-fall-short-by-rs-83000-crore-3749991.html
આપની પોસ્ટના જવાબમાં ગઈ કાલે એક પોસ્ટ કરી હતી, આશા છે આપના સુધી પહોંચી હશે. થોડી વધુ વિગતો આ પ્રમાણે.
આપે ઇન્કમટેક્સ ભરતા કરદાતાઓના પૈસાના વેડફાટની વાત કરી હતી. થોડા આંકડા જોઈ લઈએ તો...
દેશની કુલ વેરાની આવક: 22,71,241 કરોડ રૂપિયા (બજેટમાં અંદાજી.)
એમાં આવક વેરાની રકમ: 05,29,000 કરો9 રૂપિયા (બજેટમાં અંદાજી.) કુલ આવકના 23.29 % થાય.
હવે જે બાકીની 76.71% આવક છે તેમાં જી.એસ.ટી.ની આવક (જે દેશનો દરેક નાગરિક ભરે છે - ખેડૂત ખરો જ) તે રકમ છે 7,43,900 કરોડ અંદાજિત, એટલે કે કુલ આવકના 32.75 % થાય. તમે જે કરદાતાઓ તરીકે છાજીયા લો છો તે બજેટ ઉપાડીને જોઈ લો. તમારા કરતા દેશનો સામાન્ય માણસ (ખેડૂત-મજુર) જે આડકતરી રીતે ઘણો વેરો ભરે છે તે ક્યારેય તમને શહેરમાં અપાતી સેવાઓ - રોડ-વીજળી-પાણી-દવાખાના-શાળાઓ-કોલેજો વગેરે પાછળ વપરાતા પૈસા માટે તમારી જેમ રો-કકળ કરતો નથી. ઉલટું, રાજી થાય છે. તમે ટેક્સ પેયરોં બજારમાં જાવ ત્યારે બજાર-વેરો ભરો છો? ખેડૂત તો એની ઉપજ વેચવા જાય ત્યારે, વસ્તુ વેચવા બદલ 'એપીએમસી સેસ' પણ ભરે છે.
હવે એ જાણો કે તમારે કકળાટ ક્યાં કરવો જોઈએ...
- જયારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની "ના" છતાં ગુજરાત સરકારે પાવર પ્લાન્ટોને વીજળીના ભાવ વધારી આપ્યા ત્યારે કેમ ટાઢાબોળ થઈને બેસી રહ્યા? એ બિલ તો દર બે મહિનો નીચી મૂંડીએ ભરી આવો છો!
- પાક-વીમામાં સરકાર ખેડૂતોને નામે કંપનીઓને, એરંડા જેવા પાકનું 60% પ્રીમિયમ આપે અને તોય કંપની પાસે દુષ્કાળમાં વળતર ના અપાવી શકે ત્યારે જાણવું કે ટેક્સના પૈસા સરકારે વેડફ્યા.
- જે કામો - શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, રોજગાર - માટે સરકારે વેરા ઉઘરાવે છે તેનું ખાનગીકરણ કરીને લોકોને "ફી" ભરતા કરી દે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
- નહેરમાં ગાબડાં પડે ને ખેડૂતનો ઉભો પાક સુકાય ત્યારે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
- રોડ પર ભુવા પડે ને લોકો ખાડામાં પડે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
- ગામડામાં રોડ-રસ્તા-નિશાળ-દવાખાનું-સિંચાઇનું પાણી- કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉનોની સગવડ ના મળે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
- પીવાના પાણીની લાઈનો પથરાય ને પાણી ના આવે ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા.
- કૃષિ યુનિવર્સીટીઓ નવા સંશોધનો કરવામાં નિસ્ફળ જાય ત્યારે માનવું કે સરકારે વેરાના પૈસા વેડફ્યા. આ યાદી હજી લાંબી થઇ શકે, નથી કરતો.
તમારે ખેતી જ કરવી છે તો આવોને ભાગે કે ભાડે જમીન અપાવું. તમારી આવડત બતાવો. નફાકારક ખેતી કરી બતાવો. પેપ્સી-કોક તો ખેતીનો વેપાર કરીને નફો કરે છે. હું પણ કહું છું કે ખેત-ઉપજના વેપાર જેટલો નફાકારક ધંધો આ દુનિયામાં બીજો એકેય નથી, નફો શોષણમાંથી જન્મે અને શોષણ ખેડૂત કરતો નથી. તમે જે ટાર્ગેટ પુરા ના કરી શકવાના કારણે આપઘાત કરતા યુવાનોની વાત કરી, કે ફ્લેટ ધારકોની વાત કરી એ ગામડેથી જ ગયા છે.
એમને ગામડે નફાકારક ખેતી કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું હોત તો એ ગામડે મજા કરતા હોત, શહેરના ફ્લેટમાં ગુંગળાતા ના હોત, કે ટાર્ગેટ પૂરો કરી ના શકવાને કારણે આપઘાત કરતા ના હોત.
એમને એ સ્થિતિમાં મુકનાર "તમારા ટેક્સના પૈસા" વેડફનારી સરકાર અને શોષણખોર કોર્પોરેટો છે. એમની રમતનાં પ્યાદા (બની બેઠેલા બૌધિકો) બદલાતા રહે છે, માલિક તો એ જ રહે છે.
ખેતીને ખોટનો ધંધો ગણતરીપૂર્વક બનાવવામાં આવે છે, સિંચાઈ ના આપવી, ભાવ ના આપવો, વિમાની રકમ ના આપવી, ગામમાં સારી નિશાળ ના આપવી, સારું દવાખાનું ના આપવું જેથી એ પોતાનું ગામ/ખેતી/જંગલ છોડીને નીકળી જાય તો "શાશ્વત સંસાધનો" - પાણી-જમીન-જંગલ-ખનીજો- ઉપર કબ્જો જમાવી શકાય અને પછી "મોનોપોલી માર્કેટમાં" કહેવાતા સુખી "ટેક્સ પેયરોં" ને ઘાણીએ પીલી/નીચોવી શકાય....
હા, ક્યારેક વખત મળે તો તમારા ટેક્સ પેયરોં અને ખેડૂતોના એન.પી.એ. (ટૂંકમાં ડૂબેલા કે ડુબાડેલા પૈસા)ની વાત પણ ક્યારેક કરીશ.
શુભેચ્છાઓ....
- સાગર રબારી.
પ્રમુખ, ખેડૂત એકતા મંચ
Budget: https://www.indiabudget.gov.in/budget2018-2019/ub2018-19/rec/allrec.pdf
Income tax collection Source: https://www.moneycontrol.com/news/business/economy/exclusive-total-direct-tax-collections-for-fy18-19-fall-short-by-rs-83000-crore-3749991.html