મામલો ઘણો ગંભીર છે...
ગુજરાત સરકાર ક્યારેક 'નર્મદા', ક્યારેક 'કલ્પસર', ક્યારેક 'સૌની' તો ક્યારેક દરિયાનું પાણી મીઠું બનાવવાની વાર્તાઓ કરે રાખે છે. આપણે સમજવાની જરૂર છે કે ખરેખર સરકાર જે કહે અને કરે છે તેમાંથી શું નીકળશે.
ગુજરાતમાં પાણીની સ્થિતિ સમજવી હોય તો કેટલાક આંકડા જાણવા જરૂરી છે.
વર્ષ 1961 ગુજરાતની વસ્તી 2.06 કરોડ હતી અને માથાદીઠ વાર્ષિક પાણીનો જથ્થો 2468 ઘનમીટર હતો. વર્ષ 2015માં વસ્તી વધીને 6.78 કરોડ થઇ અને માથાદીઠ પાણીનો જથ્થો ઘટીને 738 ઘનમીટર થયો, 2025માં એ ઘટીને 601 ઘનમીટર થઇ જશે.
ગુજરાતના વિસ્તારો પ્રમાણે, 2001માં માથાદીઠ પાણીની વહેંચણી જોઈએ તો, કચ્છ પાસે 730 ઘનમીટર, ઉત્તર ગુજરાત 543 ઘનમીટર, સૌરાષ્ટ્ર 540 ઘનમીટર, મધ્ય અને દક્ષિણ ગુજરાત 1880 ઘનમીટર છે. એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા લગભગ 3 ઘણું પાણી છે. ડો. એમ ફાલ્કનના અભ્યાસ અનુસાર માથાદીઠ વાર્ષિક પાણીની ઉપલબ્ધતા જો 1000 ઘનમીટર કરતા ઓછી હોય તો આરોગ્ય, આર્થિક વિકાસ અને માનવહિતોને નુકશાન પહોંચવાનું શરૂ થાય છે.
સૌરાષ્ટ્રની વાસ્તવિકતા જોઈએ તો, કુલ ભૌગોલિક વિસ્તાર 64 લાખ હેકટર છે એ પૈકી 42 લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે, એ પૈકી નહેર, કુવા, બોર, તળાવ બધું મળીને કુલ સિંચાઈ વિસ્તાર 15 લાખ હેકટર છે. 27 લાખ હેકટર માત્ર વરસાદ આધારિત છે. સૌરાષ્ટ્રના કુલ ખેતીલાયક વિસ્તારનો 64% વિસ્તાર વરસાદ આધારિત ખેતી કરે છે. એટલે જ કદાચ સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાત અને સ્થળાંતર વધારે થાય છે. સુરતમાં વધતી સૌરાષ્ટ્રની સંખ્યા (વસ્તી)ને પાણી સાથે સીધો સંબંધ છે જ.
બીજી બાજુ, નર્મદામાં પાણી ઘટતું જાય છે, ગયે વર્ષે 15 માર્ચથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ બંધ કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં જ સિંચાઈ બન્ધ કરવી પડી. જો કમાન્ડ વિસ્તાર (એય 17 લાખ 92 હજાર હેકટર પૂરો નહીં, માત્ર 6 લાખ 40 હજાર હેક્ટરને પુરી સિંચાઈ નથી આપી શકતી, તો જયારે 17 લાખ 92 હજાર હેક્ટરને પુરી સિંચાઈ અપાશે ત્યારે 'સૌની' માટે પાણી ક્યાંથી આવશે?
બીજી બાજુ, 6 જિલ્લાના, 39 તાલુકાના 10 લાખ 54 હજાર હેકટર જમીનને સિંચાઈ આપવા અને સૌરાષ્ટ્રના હયાત નાના-મોટા 60 ડેમ ભરવાની યોજના હતી તે 'કલ્પસર'ને હવે ઉદ્યોગોના લાભાર્થે ભુલાવી દેવું છે એટલે 'સૌની'નો વધારે ને વધારે જોરથી પ્રચાર કરે છે.
સૌરાષ્ટ્રે બચવું હોય તો 'કલ્પસર' માંગવું પડશે, જોરશોરથી માંગવું પડશે, સૌરાષ્ટ્ર 'કલ્પસર' માંગવામાં શરમાશે તો કાયમ માટે કરમાસે, આવનારી પેઢીઓ માફ નહીં કરે. દરિયાના પાણી મીઠા કરે સૌરાષ્ટ્રની તરસ છીપાશે નહીં.